મહાનગર બન્યા બાદ મહેસાણાને થશે આ ફાયદો, લોકોને પણ મળશે તેનો લાભ

ગુજરાત સરકારે બે ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં રાજ્યમાં 7 નવી મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મહેસાણાને પણ મહાનગર પાલિકા બનાવવામાં આવશે. મહાનગર બન્યા બાદ મહેસાણાના વિકાસના કામોની ઝડપ વધશે જેનો ફાયદો લોકોને પણ થશે. 

મહાનગર બન્યા બાદ મહેસાણાને થશે આ ફાયદો, લોકોને પણ મળશે તેનો લાભ

તેજસ દવે, મહેસાણાઃ રાજ્યમાં હવે 8થી વધીને કુલ 15 મહાનગર પાલિકા થવાની છે. 7 નગરપાલિકાને હવે મહાનગર પાલિકામાં બદલવામાં આવશે. ત્યારે આ મહાનગરો ક્યાં ક્યાં છે.  નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થતા હવે કેવી સુવિધાઓ હશે....અને તેનો લોકોને શું ફાયદો થશે જોઈએ આ ખાસ રિપોર્ટમાં.

આ સાત નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરીત કરતા હવે આ શહેરોમાં પણ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ જેવી સુવિધાઓ વધશે. જેમાં ખાસ કરીને સૌથી મહત્વપૂર્ણ રહેવાની મહેસાણા મહાનગર પાલિકા. મહાનગર બનતા હવે મહેસાણા સમગ્ર ઉત્તર ગુજરાતનું મુખ્ય હબ બનશે. અમદાવાદની જેમ મહેસાણામાં પણ હવે પહોળા રસ્તા, ગગનચૂંબી ઈમારતો જોવા મળશે..

મહાનગરપાલિકા બનતાની સાથે મહેસાણાની તસવીર બદલાવવાની છે. ત્યારે ઉત્તર ગુજરાતનું હબ મહેસાણા મહાનગર કેવું હશે તેના પર નજર કરીએ તો... હાલ મહેસાણા શહેરની વસ્તી 3 લાખ 15 હજાર 619 છે. ત્યારે મહાનગરનો દરજ્જો મળતા વધુ 16 ગામ મહેસાણામાં ઉમેરાશે. જેથી આ 16 ગામની 1 લાખ 11 હજાર 388 લોકોની વસ્તી મહેસાણામાં ઉમેરાશે. જેથી મહાનગર મહેસાણાની કુલ જનસંખ્યા 4 લાખ 26 હજાર 997 સુધી પહોંચશે. મહેસાણા મહાનગર પાલિકા બનતા આસપાસના 5 કિલોમીટર સુધીના વિસ્તારનો આગામી 40 વર્ષને ધ્યાનમાં રાખી વિકાસ કરાશે. ત્યારે મહેસાણામાં ઉમેરાતા ગામોની વાત કરીએ તો ફતેપુરા, રામોસણા, પાંચોટ, દેદીયાસણ, નુગર, પાલવાસણા, શોભાસણ, હનુમંત હેડુંઆ, હનુમંત રાજગર, રામપુરા, કુકસ, લાખવડ, દેલા, ઉચરપી, તાવડીયા અને તળેટી ગામનો મહેસાણા મહાનગર પાલિકામાં સમાવેશ કરી વિકાસ કરાશે.

મહેસાણા મીની અમદાવાદની જેમ વિકસિત થઈ ઉત્તર ગુજરાતનું મુખ્ય હબ બનાવ જઈ રહ્યું છે...મહાનગર પાલિકાનો દરજ્જો મળતા ગ્રાન્ટના વધારા સાથે અનેક ફાયદા થવાના છે..જેમાં પાલિકામાંથી મહાનગર બનતા વસ્તી પ્રમાણે મહેસાણા માટે નવું મહેકમ થશે. મહાનગર બનતા હાલની 7 કરોડની ગ્રાન્ટ વધીને 30 કરોડ જેટલી થશે. રોડ રી-સરફેસની 1 કરોડથી વધીને 20 કરોડની ગ્રાન્ટ થશે. નવા ઉમેરાતા આસપાસના 16 જેટલા ગામોનો શહેરોની જેમ વિકાસ થશે..મહાનગરમાં સમાવેશ થતા આ ગામોની જમીનોના ભાવમાં વધારો થશે. સારા રસ્તા, ગટર લાઈન, બાગ બગીચા સહિતની સુવિધાનો વિકાસ થશે. તો મહેસાણા મહાનગર બનતા 36થી 40 મીટર સુધી પહોંળા રસ્તા બનશે. જેથી ફ્લેટ અને હાઈરાઈઝ બિલ્ડિંગનું બાંધકામ પણ વધશે. ત્યારે અમદાવાદની જેમ મહેસાણામાં પણ 40 માળ સુધીની ગગનચૂંબી ઈમારતો જોવા મળી શકે છે. સાથે રસ્તા પહોળા થથા 150થી 200 ફ્લેટ બનાવવા FSI મળશે. જેમાં 4.5 કે 6 FSI મળતા લોકોને સસ્તા ફ્લેટની સુવિધા પણ મળશે.

મહાનગરનો દરજ્જો મળતા હવે મહેસાણાનો નકશો બદલાવા જઈ રહ્યો છે. મહાનગર પાલિકાના નવા બિલ્ડિંગ માટે સર્કિટ હાઉસ પાછળની જમીન માટે દરખાસ્ત પણ કરી દેવાઈ છે. ત્યારે સરકારના ઓર્ડર બાદ વહીવટદારની નિમણૂકથી મહેસાણાના વિકાસના પાયો નંખાશે. આઝાદીના અમૃતકાળમાં હવે મહેસાણાના સૂવર્ણ યુગની શુભ શરૂઆત થઈ ગઈ છે. જેનાથી મહેસાણાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news