મેઘરજ કોલેજિયન યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, બોયફ્રેન્ડ નીકળ્યો હત્યારો, સાક્ષી બનીને પોલીસને ગોળ ગોળ પણ ફેરવી
Arvalli Crime News : મેઘરજની કોલેજીયન યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો... ઘટનાને નજરે જોનારનો ઢોંગ કરનાર જ નીકળ્યો આરોપી... પોલીસ અને પરિવારને ઘટનાની ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોર્યા... યુવતીની હત્યા કરી લાશને લટકાવી દીધી હોવાનું ખુલ્યું
Trending Photos
સમીર બલોચ/અરવલ્લી :અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં બનેલી ચકચારી હત્યાની ઘટનાના પરથી આખરે પડદો ઊંચકાયો છે અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. સમગ્ર ઘટનાને અંજામ આપનાર અને પોલીસને ગેરમાર્ગે દોરનાર સાક્ષી જ આરોપી નીકળ્યો છે. પોલીસે આરોપી કિરણ મનોહરલાલ ભગોરાને ઝડપી પાડ્યો છે.
મેઘરજના મોટી પંડુલી ગામે રહેતી કોલેજીયન યુવતી ગૂમ થતાં પરિવારજનો પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને 16 જૂન 2022 ના રોજ બેડજના જંગલમાંથી ગુમ થયેલી કોલેજીયન યુવતીની લાશ મળી આવી હતી. યુવતીના લાશ મળી આપતા પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો હતો અને સમગ્ર મામલે પોલીસે બે લોકોના નામજોગ અને અન્ય 2 મળી કુલ 4 લોકો સામે ગુનો નોંધ્યો હતો. સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરતા આ કેસમાં સાક્ષી બનેલ વ્યક્તિ કિરણ મનોહરલાલ ભગોરા આરોપી નીકળ્યો હતો. જેને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
19 વર્ષીય આરોપી કિરણ મનોહરલાલ ભગોરાએ પોલીસ તપાસ દરમિયાન કબૂલ્યું કે, તેને યુવતીને છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધમાં હતો, અને અવાર-નવાર તેઓ એકબીજાને મળતા હતા. ગત 14 જૂન 2022 ના રોજ બંને પ્રેમીપંખીડા બપોરના 2 વાગ્યાના અરસામાં બેડજના જંગલમાં મળવા ગયા હતા. જ્યાં યુવતી પર અન્ય યુવકનો ફોન અને મેસેજ આવ્યો હતો. જે જોઇ જતા કિરણે યુવતી પર શંકા કરી કે, તારે અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ છે. તેમ કહીને તેણે યુવતીને જોરથી લાફો માર્યો હતો, લાફો મારતા જ યુવતી નીચે પટકાતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા બેભાન થઇ હતી. યુવતી મરી ગઇ છે એવું માનીને યુવતીના દુપટ્ટાથી ગળે ફાંસો આપી બોરડીના ઝાડ ઉપર બાંધી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આમ, ઠંડા કલેજે કિરણે યુવતીની હત્યા કરી હતી અને ત્યાર બાદ પોતે નિર્દોષ છે તેમ કહીને ફરિયાદીને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યું હતું. હત્યાની ઘટનાને અંજામ આપી આરોપી પોતાના ઘરે આવી ગયો હતો અને બીજા દિવસથી ફરિયાદી પરિવારની સાથે 24 કલાક રહેવા લાગ્યો હતો, જેથી તેને સમગ્ર હલચલની માહિતી મળી. એટલુ જ નહિ, તે પરિવાર અને પોલીસને ગેરમાર્ગે પણ દોરતો હતો. આરોપી પોતાને બચાવવા માટે ફરિયાદીને અન્ય લોકોના નામ આપતો હતો.
આખરે પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ કરી હતી અને કિરણનો ભેદ ખૂલ્યો હતો. તેણે કબૂલ્યુ કે, તેણે જ યુવતીને મારી હતી.
બેડજ જંગલમાં બનેલી હત્યાની ઘટનાને લઇને પોલીસે તપાસ કરતા યુવતીનો મોબાઈલ ફોન પોલીસે આરોપી કિરણ ભગોરાના ઘરેથી કબજે કર્યો હતો. આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે યુવતીના મોબાઈલનું સીમકાર્ડ તેમજ પોતાના મોબાઈલનું સીમકાર્ડ તોડીને ક્યાંક ફેંકી દીધું છે. જેની તપાસ હાલ ચાલુ છે. પોલીસે આરોપી પાસેથી યુવતીનો મોબાઈલ, ગુનામાં વપરાયેલ મોટર સાયકલ તેમજ આરોપીએ પહેરેલા કપડા કબજે કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે