સુરતમાં MD ડ્રગ્સની ફેક્ટરી બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ; જેલમાંથી જ આખુ નેટવર્ક ઓપરેટ થતું હોવાનો દાવો
સુરતમાં ડ્રગ્સની ફેક્ટરી બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો, રાજસ્થાનમાંથી ડ્રગ્સ બનાવવાનું મટીરિયલ ઝડપી પાડ્યું, ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સની ધરપકડ કરી છે, સુરતમાં રાંદેર અને ભેસ્તાન આવાસમાં દરોડા.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત ડ્રગ્સની બદીને જડમૂળથી કાઢી નાંખવા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભારે કમર કસવામાં આવી છે. આ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે એનડીપીએસના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ રહેલા આરોપી સુનિલ કૌશિક જેલમાંથી મોબાઇલ ફોન ઓપરેટ કરી રહ્યો છે. જે આરોપી હરિયાણા ભીવાની ખાતે રહેતા પોતાના પિતા ગજાનંદ શર્માના સંપર્કમાં છે. જે હરિયાણાથી રાજસ્થાનની હદમાંથી ગુજરાત રાજ્યના સુરત અને અન્ય શહેરો તેમજ મહારાષ્ટ્રમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવા માટેનું ષડયંત્ર રચી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી સુનિલ કૌશિક અને ગજાનંદ શર્મા વિરૂદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો દાખલ કરી રાજસ્થાન ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લામાં આવેલા રોહત તાલુકાના પાતી ગામમાં રાજ પુરોહિતો કા બાસમા વાડાની ઓરડીમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે છાપો માર્યો હતો. જે ઓરડીમાંથી અલગ અલગ પ્લાસ્ટિકની બેગો માંથી સફેદ રંગના ગાંગડા તથા પાવડર સ્વરૂપના શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે સ્થળ ઉપરથી કુલ 10 કિલો 900 એક ગ્રામ શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી હતી. જે શંકાસ્પદ જથ્થાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ વલસાડ જિલ્લામાં આવેલ ઉમરગામ ખાતે ફેક્ટરી ખોલીને ત્યાં એમ.ડી.ડ્રગ્સ બનાવવા તેનો રો મટીરીયલ્સ તરીકે ઉપયોગ કરવાના હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સૌપ્રથમ આ સમગ્ર ઓપરેશનમાં ઘનશ્યામ મુલાની ની ધરપકડ કરી હતી. જે આરોપીને સાથે રાખી રાજસ્થાન ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે સર્ચ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એમડી ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા રો મટીરીયલ્સના જથ્થાની મહત્વપૂર્ણ કડી મળી હતી. આરોપી ઘનશ્યામ મુલાનીની પૂછપરછમાં ચોકાવનારી બાબત સામે આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ ઘનશ્યામ મુલાણી સુનિલ કૌશિક અને વિરામણી ઉર્ફે અન્ના પાંડુરંગા સુરતની મધ્યસ્થ લાજપોર જેલમાં એક સાથે જેલવાસ ભોગવી રહ્યા હતા.
જેલવાસ દરમિયાન ત્રણેય આરોપીઓએ એમડી ડ્રગ્સ બનાવવા રો મટીરીયલ તરીકે ઉપયોગ કરવાના હતા.આરોપીઓની પૂછપરછ માં ઘનશ્યામ મુલાણી સુનિલ કૌશિક અને વિરામણી ઉર્ફે અન્ના પાંડુરંગા એમડી ડ્રગ્સ બનાવવાનો પ્લાન સુરતની લાજપોર જેલમાં જ બનાવ્યો હતો. જે પ્લાન સફળ રીતે પાર પાડવા આરોપી ઘનશ્યામ મુલાણી અને વિરામણી ઉર્ફે અન્ના પાંડુરંગા પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયા હતા.પોલીસની તપાસમાં એવી પણ હકીકત સામે આવી હતી કે,ત્રણેય આરોપીઓએ સુનિલ કૌશિક ના પિતા ગજાનંદ શર્મા પાસેથી 12 કિલો એમડી ડ્રગ્સ ની બનાવટમાં વપરાતા રો મટીરીયલ્સ નો જથ્થો અગાઉ મેળવી રાજસ્થાનમાં એમડી ડ્રગ્સ બનાવી વેચાણ કર્યું હતું.
વિરામણી ઉર્ફે અન્ના પાંડુરંગા અગાઉ વર્ષ 2020 માં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકના દ્વારા એક કિલો થી વધુ એમ.ડી.ડ્રગ્સનો જથ્થા ઝડપી પાડવામાં આવ્યો હતો.જે કેસમાં મુંબઈ ખાતેથી તેની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આરોપી સુનિલ કૌશિક ને પણ ડી.આર.આઈ દ્વારા વર્ષ 2019 માં 7.694 કિલોગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.જે કેસમાં આરોપી હાલ લાજપોર જેલમાં જેલવાસ હેઠળ છે.ઘનશ્યામ મુલાણી ની પૂછપરછ માં સામે આવેલી હકીકત બાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં આરોપી સુનિલ કૌશિક ની અંગ જડતી લેવામાં આવી હતી.
જે દરમિયાન ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. સુરત પોલીસ કમિશનર અજય તોમરના જણાવ્યા અનુસાર, જો આ મટીરીયલ માંથી એમજી ડ્રગ્સ નો જથ્થો બનાવવામાં આરોપીઓ સફળ થયા હોત તો અંદાજિત 8 થી 9 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ માર્કેટમાં ફરતું થઈ ગયું હોત. જે ડ્રગ્સ ના કારણે દેશની યુવા પેઢી બરબાદ થઈ હોત. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ આ ગુનામાં ઘનશ્યામ મુલાણીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સુનિલ કૌશિક ગજાનંદ શર્મા હાલ સુરતની લાજપોર જેલમાં બંધ છે. જેનો પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કબજો લેવામાં આવશે. તો આ સાથે જ ડ્રગ્સ બનાવવાના સમગ્ર ષડ્યંત્રમાં વિરામણી ઉર્ફે અન્ના પાંડુરંગાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત સુનિલ કૌશિક ના પિતા ગજાનંદ શર્માની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે સુરતના રાંદેર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરના જણાવ્યા અનુસાર નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા રાંદેર વિસ્તારના ઓલી સ્ટ્રીટમાં આવેલ પીસ પોઇન્ટ એપાર્ટમેન્ટના પાંચ માળે ફ્લેટ નંબર 501 માં છાપો માર્યો હતો.ફ્લેટમાંથી સૈયદ તોસીફ મોહમ્મદ મુસ્તુફા અને મોહમ્મદ શાહિદ મોહમ્મદ સલીમ ખત્રી નામના બે શખ્સોને એમડી ડ્રગ્સ નું છૂટક વેચાણ કરતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
જે આરોપીઓ પાસેથી પાંચ લાખથી વધુની કિંમતનો 50.460 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી બે મોબાઈલ, રોકડા રૂપિયા 13,100, ઈલેક્ટ્રીક વજન કાંટો, તેમજ પ્લાસ્ટિકની પારદર્શક થેલી મળી 6.2 લાખરૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જે આરોપીઓ વિરોધ ક્રાઈમ બ્રાન્ચ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં પરંતુ આરોપીઓ એમડી ડ્રગ્સ નો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવે છે અને સુરતમાં કોણે વેચાણ કરવાના હતા તેની વધુ તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને રાંદેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ડીંડોલી ભેસ્તાન આવાસ માં આવેલા બિલ્ડીંગ નંબર બી/67 ના રૂમ નંબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. જ્યાંથી મોહમ્મદ શહીદ અબ્દુલ રસીદ અનસારી અને ઝાકીર અયુબ પટેલ નામના બે શખ્સોને પ્રતિબંધિત એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓ પાસેથી 341.650 ગ્રામ એમડી ડ્રગ્સ નો જથ્થો તેમજ એક દેશીહાથ બનાવટની પિસ્તોલ કબજે કરવામાં આવી હતી. એમ ડી ડ્રગ્સનો જથ્થો અને દેશી હાથ બનાવટની પિસ્તોલ, 3 મોબાઈલ મળી. કુલ 35 લાખ 46,500ની મત્તાનો મુદ્દામાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે મહિલા આરોપી અંજુમબાનું રિઝવાન મેમણને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચ ના હાથે એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ આરોપી ઝાકીર અયુબ પટેલ અગાઉ શહેરમાં બોમ્બ પ્લાન્ટેશનના આરોપસર ઝડપાયેલા આરોપી મોહમ્મદ ઝહીર અયુબ પટેલનો સગો નાનો ભાઈ છે.વર્ષ 2008 માં સુરત શહેરમાં અલગ અલગ સ્થળો પર બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. જે બોમ્બ પ્લાન્ટના આરોપસર મહંમદ ઝહીર ઐયુબ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.જે કેસમાં મોહમ્મદ ઝહીર પટેલને નિર્દોષ જાહેર કરાતા છૂટકારો થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે