PM મોદીને દરેક માર્ગ પર રાહ ચિંધનાર લક્ષ્મણરાવ કોણ છે, જેમનો મન કી બાતમાં કર્યો ઉલ્લેખ
mann ki baat 100 episode : મન કી બાતના 100મા એપિસોડમાં બોલ્યા PM મોદી...મન કી બાતે મને સામાન્ય વ્યક્તિ સુધી જોડાવાનો મોકો આપ્યો...આ કાર્યક્રમ બની ગયો મારા મનની આધ્યાત્મિક યાત્રા...મન કી બાત મારા માટે છે આસ્થા, પૂજા અને વ્રત...
Trending Photos
PM Modi Guru ચિંતન ભોગાયતા/અમદાવાદ : આજે મન કી બાતનો 100 મો એપિસોડ યોજાયો હતો. આ 100 મી મન કી બાતમા પીએમ મોદીએ પોતાના ગુરુ વકીલ સાહેબ ઉર્ફે લક્ષ્મણરાવ ઈનામદારને યાદ કર્યા હતા. તેઓએ તેમને યાદ કરતા કહ્યું કે, મારા માગ્દર્શક લક્ષ્મણરાવ ઈનામદાર હતા, તેમને અમે વકીલ સાહેબ કહેતા, તેઓ હંમેશા કહેતા કે આપણે બીજાના ગુણોની પૂજા કરવી જોઈએ. સામે કોઈ પણ હોય. તમારી સાથેનો હોય, તમારો વિરોધી હોય. તેના સારા ગુણોને જાણવાનો શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમની આ વાતે મને હંમેશા પ્રેરણા આપી છે. તેથી જ મન કી બાત મારા માટે બીજાના ગુણોને શીખવાનું મોટું માધ્યમ બનાવ્યુ છે. ત્યારે આ વકીલ સાહેબ કોણ છે અને પીએમ મોદી માટે તેઓ કેમ પૂજનીય છે તે જોઈએ.
દરેક વ્યક્તિના ઘડતરમાં કોઈનો સિંહફાળો હોય છે. નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ ઘડતરની વાત કરીએ તો, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પણ નહોતા બન્યા ત્યારે તેમનો ભેટો થયો હતો વકીલ સાહેબ સાથે. વકીલ સાહેબ એ જ વ્યકિત છે જેમણે નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ ઘડતર કર્યું. આ એ સમયની વાત છે જ્યારે વડનગરથી નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં તેઓ બાબુમામાના ઘરે રોકાયા હતા. સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં બાબુમામા એક નાનકડી કેન્ટીન ચલાવતા. મદદરૂપ થવા માટે એમણે થોડો વખત ત્યાં કામ કર્યું.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિચારોથી નાનપણથી પ્રેરિત નરેન્દ્ર મોદી આમ તો વકીલ સાહેબને જ્યારે સાત આઠ વર્ષના હતા ત્યારે જ વડનગરમાં મળી ચૂક્યા હતા. વકીલ સાહેબ જેમણે ત્રણ દાયકા સુધી ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું નૈતૃત્વ સંભાળ્યું અને ગણનાપાત્ર ફાળો આપ્યો. પણ લક્ષ્મણરાવ ઈનામદાર એટલે કે વકીલ સાહેબ અને નરેન્દ્ર મોદી નિકટ ક્યારે આવ્યા.
નરેન્દ્ર મોદી જ્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયા ત્યારે શરૂઆતના વર્ષોમાં જ વકીલ સાહેબે એમને તાલિમ આપેલી. હકીકતમાં નરેન્દ્ર મોદી તેમના માનસપુત્ર બની રહ્યા. નરેન્દ્ર મોદી સંઘની ઓફિસમાં કામ કરતા. બે વર્ષ સુધી ખુદની ખોજમાં હિમાલય ભ્રમણ કરી પાછા આવેલા નરેન્દ્ર મોદીએ આ વખતે નક્કી કરી લીધું હતું કે આ જ તેમનું સ્થાન છે.
વકીલ સાહેબે તેમને હેડગેવાર ભવનમાં રહેવાની મંજૂરી આપી. એમના સિવાય બીજા 12-15 લોકો ત્યાં રહેતા. તેમનો દેનિક ક્રમ એ જ કે સવારે પાંચ વાગ્યે ઉઠી જવાનું. દુધ લાવવું, બધાને જગાડવા અને સવારની સભામાં ભાગ લેવો. ત્યાર પછી બધાને ચા-પાણી બનાવી આપવાના, વાસણો ઉટકીને શાખામાં જવાનું. પાછા આવી બધાને નાસ્તો પિરસવો. .નાસ્તો થઈ ગયા પછી ઓરડામાં ઝાડુ મારવું, પોતા કરવા અને સાફસૂફ કરી સ્વચ્છ બનાવવું. વળી ખુદના અને વકીલસાહેબના કપડાં ધોવાનું કામ તો ખરૂં જ. બપોરનું ભોજન તેઓ કોઈને કોઈ સ્વયંસેવકને ત્યાં જઈને લેતા. ત્યાંથી પાછા આવીને બધા માટે ચા બનાવવી અને આમ સંઘનું કામ કરીને દિવસ પસાર કરવો. તેમનો આ નિત્યક્રમ લગભગ એક વર્ષ સુધી રહ્યો.
આ બધી વાતોનો ઉલ્લેખ વર્ષ 2009માં પ્રકાશિત ડૉક્ટર એમ.વી.કામથે લખેલા પુસ્તક ‘નરેન્દ્ર મોદી આધુનિક ગુજરાતના શિલ્પી’ માં છે. નરેન્દ્ર મોદી વકીલ સાહેબ સાથે રહ્યા ત્યારે સંઘના ઘણા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા. વકીલસાહેબના માર્ગદર્શન હેઠળ તેઓ પ્રચારક તરીકે કામ કરતા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં જે સંગઠન કૌશલ્ય જોવા મળી રહ્યું છે તેમાં લક્ષ્મણરાવ ઈનામદાર એટલે કે વકીલ સાહેબનું મોટું યોગદાન છે. જેનો ઉલ્લેખ પીએમ મોદીએ પોતાના દ્વારા લખાયેલા પુસ્તક જ્યોતિપુંજમાં કર્યો છે.
વકીલ સાહેબને વાંચનનો શોખ હતો. યુવાવસ્થામાં તેમને કબડ્ડી અને ખો-ખો રમવાનો શોખ હતો. પ્રાણાયામથી પોતાને સ્વસ્થ રાખતા. તેમનો સ્વભાવ મિત્રતાભર્યો અને સહજ હતો. 15 જુલાઈ, 1985 ના વર્ષે વકીલ સાહેબનું નિધન થયુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે