માંડ-માંડ કામ મળ્યું, ત્યાં લાઈટ-મંડપ ડેકોરેશનના વેપારીઓ ફરી નિરાશાની ઉંબરે આવીને ઉભા રહી ગયા
Trending Photos
- લાઈટ મંડપના વેપારીઓ સરકાર પર મીટ માંડીને બેઠા છે. છેલ્લા એક વર્ષથી લગ્નની સીઝન ફેલ જતા વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી
- અલગ અલગ શહેરોના વેપારીઓ મીટિંગ યોજીને સરકાર પાસે માંગણી કરી રહ્યાં છે
પરખ અગ્રવાલ/અતુલ તિવારી/બ્યૂરો :કોરોનાકાળમાં નાના ધંધાર્થીઓની હાલત સૌથી દયનીય બની છે. લગ્ન સહિતના અન્ય પ્રસંગો થકી આજીવિકા મેળવનાર લાઈટ અને મંડપ ડેકોરેશનના વ્યવસાયીઓની આજીવિકા ઠપ્પ થઈ ગઈ છે. અગાઉ કોરોનાકાળમાં લૉકડાઉનના કારણે ધંધા બંધ થયા હતા ત્યારે ફરી કેસો વધતા અને ધંધા બંધ કરાવાતા લાઈટ અને મંડપ ડેકોરેશનના વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. જાન્યુઆરીથી કોરોનાના કેસોમાં ડાઉનફોલ આવતા અનેક પરિવારોમાં એપ્રિલ મહિનામાં લગ્ન લેવાયા હતા. જેઓએ માંડ માંડ તૈયારી કરી હતી, તેઓ હવે શું કરશે. તો બીજી તરફ, કોરોનાના કારણે પાર્ટીપ્લોટ, મંડપ ડેકોરેશન બિઝનેસને અસર પડી છે.
મંડપ ડેકોરેશનના વેપારીઓએ ટેક્સ માફી કરવાની માંગ ઉઠી
છેલ્લા એક વર્ષથી પાર્ટીપ્લોટ, મંડપ ડેકોરેશનના બિઝનેસ સાથે સંકળાયેલ 10 હજારથી વધુ વેપારીઓની મુશ્કેલી વધી છે. આ તમામ વેપારીઓ દ્વારા હાલ સરકાર પાસે ટેક્સ માફી કરવા માંગ ઉઠી છે. આ વેપારીઓને 1 લાખથી માંડી 12 લાખ સુધી ટેક્સ ભરવાના હોય છે. આગામી લગ્નની સીઝનમાં એપ્રિલથી જુલાઈ સુધી મુશ્કેલી વધે તેવી વેપારીઓને ભીતિ સેવાઈ રહી છે. તેથી અલગ અલગ શહેરોના વેપારીઓ મીટિંગ યોજીને સરકાર પાસે માંગણી કરી રહ્યાં છે. અમદાવાદમાં અલગ અલગ એસોસિયેશનના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં રાત્રે 9 વાગ્યાના બદલે 11 વાગ્યાથી કરરફ્યુ કરવા માંગ કરાઈ હતી. સાથે જ આગામી 5 તારીખ સુધીમાં નિર્ણય નહિ કરાય તો રાજ્યભરમાં જિલ્લા પ્રમાણે કલેક્ટરને આવેદન અપાશે તેવો નિર્ણય કરાયો છે.
માંડ માંડ આશા જાગી, ત્યાં ફરી કોરોના વધ્યો
તેમજ તાજેતરમાં અંબાજી ખાતે જિલ્લા મંડપ, લાઈટ અને સાઉન્ડ એસોસિેયેશનની બેઠક મળી હતી. સરકાર ફરી લગ્ન પ્રસંગ યોજવા પર નિયમો બનાવી તેમના વ્યવસાય શરૂ કરવાની તક આપે તેવી માંગ કરવામાં આવી છે. ભારતમાં કોરોના મહામારીને એક વર્ષ થઇ ગયું છે. જેને લઈ લોકોના જનજીવન ઉપર ખૂબ મોટી અસર જોવા મળી છે. નાના મોટા વેપારીઓએ અનેક વિવિધ પ્રકારના વેપાર ધંધા કરી માંડ માંડ એક વર્ષ પોતાનું ગુજરાન ચલાવ્યું. પણ આ કોરોનાની અસર લગ્ન જેવા પ્રંસગો ઉપર પડતા મંડપ લાઈટ અને ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ઉપર ખૂબ મોટી અસર પડી છે. મોટા વેપારીઓ તો ઠીક પણ મંડપ લાઈટ ડેકોરેશનમાં કામ કરતા હજારો મજૂરો બેકાર બની ગયા છે. ને હવે પાછું આ વ્યવસાયમાં બેઠું થવાનો સમય આવ્યો ત્યારે કોરોના ફરી વકર્યો.
વેપારીઓ ઈચ્છે છે, સરકાર દરિયાદિલી દાખવે
બનાસકાંઠા જિલ્લા મંડપ લાઈટ અને સાઉન્ડ એસોસિયેશનની એક બેઠક યાત્રાધામ અંબાજી ખાતે મળી હતી. કોરોના મહામારીને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે લાઈટ મંડપના વેપાર મૃતપાય થઈને પડ્યા છે. જે ફરી બેઠા થવાની આશા ઉપર ફરી એક વાર પાણી ફરી વળે તેવા સંકેતો જોવા મળ્યા છે. હાલમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. ત્યારે વેપારીઓ ફરી નિરાશાની ઉંબરે આવીને ઉભા રહી ગયા છે. લાઈટ મંડપના વેપારીઓ સરકાર પર મીટ માંડીને બેઠા છે. છેલ્લા એક વર્ષથી લગ્નની સીઝન ફેલ જતા વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. તેવા સમયે સરકાર લગ્ન જેવા પ્રંસગો માટે નિયમો બનાવી લાઈટ મંડપના વેપારને એક તક આપવા માંગ કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે