મહુવામાં ફરી તંગદીલીઃ શનિમંદિરે મીટિંગ બાદ શહેર બંધ કરાવાયું
હજુ બે દિવસ પહેલાં જ બે યુવાનો પર કરાયેલા હુમલામાં વીએચપીના પ્રમુખનું મોત થયું હતું, જેને લીધે શહેરનું વાતાવરણ ડહોળાયેલું છે
Trending Photos
મહુવાઃ મહુવામાં બે દિવસ પહેલા વીએચપી પ્રમુખની હત્યાને પગલે ગુરૂવારે સાંજે શનિદેવ મંદિરે ચોક્કસ જ્ઞાતિના લોકો દ્વારા મીટિંગ કરવામાં આવી હતી. આ મીટિંગ બાદ આ ચોક્કસ જ્ઞાતિના લોકોએ શહેરના બજાર બંધ કરાવી દીધા હતા.
અચાનક જ શહેરના બજારો ટપોટપ બંધ થવા લાગતાં લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને અફવાનું બજાર ગરમ થઈ ગયું હતું. મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં બહાર સડક પર ઉતરી આવતાં પોલીસને સુરક્ષાનાં પગલાં લેવાની ફરજ પડી હતી.
હાલ મહુવાના મોટાભાગનાં વિસ્તારો બંધ છે. શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં એસ.આર.પી સહિતનો કાફલો તૈનાત કરાયો છે. કેટલીક જગ્યાએ લોકોનાં ટોળાં એક્ઠાં થઈ જતાં ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા છે.
બે દિવસ પૂર્વે થયેલ હત્યાનાં કારણે શહેરનું વાતાવરણ પહેલાથી જ તંગ છે. સમગ્ર શહેરમાં એસઆરપીની ટૂકડીઓ પણ ઠેરઠેર તહેનાત કરવામાં આવેલી છે. લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે