લોકસભા-2019: જાણો...પીએમ મોદીની ચાર જાહેરસભામાં આવતી બેઠકોનું ચૂંટણી ગણિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન હિંમતનગર, સુરેન્દ્રનગર, આણંદ અને અમરેલી ખાતે જાહેરસભા સંબોધી હતી. વડાપ્રધાને ગુજરાતની જનતાને ફરી એક વખત રાજ્યની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપને જીતાડવાની અપીલ કરી હતી. આવો જાણીએ આ ચાર વિસ્તારોમાં કઈ લોકસભા-વિધાનસભાની બેઠક આવે છે, કયા ઉમેદવાર ત્યાં લડી રહ્યા છે અને હાલની સ્થિતિ શું કહે છે...
Trending Photos
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન હિંમતનગર, સુરેન્દ્રનગર, આણંદ અને અમરેલી ખાતે જાહેરસભા સંબોધી હતી. વડાપ્રધાને ગુજરાતની જનતાને ફરી એક વખત રાજ્યની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપને જીતાડવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની તમામ 26 લોકસભા બેઠક પર ભગવો લહેરાવ્યો હતો, પરંતુ 2017ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પરિદૃશ્ય બદલાયું અને ભાજપને કોંગ્રેસને ભારે ટક્કરનો સામનો કરવો પડ્યો હતો. થોડા મહિના પહેલા દેશના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ પાર્ટીને હાથમાંથી સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે અને અહીં કોંગ્રેસની સરકાર બની છે. તે જોતાં, હાલ ગુજરાતમાં ભાજપ માટે તમામ 26 બેઠક જીતવી એક મોટો પડકાર જણાઈ રહ્યો છે.
આવો જાણીએ વડાપ્રધાન મોદીએ જે ચાર સ્થળોએ જાહેર સભાને સંબોધન કર્યું છે ત્યાં આવતી લોકસભા અને વિધાનસભા બેઠકની સ્થિતિ અને વર્તમાન પરિદૃશ્ય.
હિંમતનગર (સાબરકાંઠા લોકસભા બેઠક)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના પ્રવાસ દરમિયાન સૌ પ્રથમ હિંમતનગરમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. હિંમતનગર લોકસભાની સાબરકાંઠા બેઠકનો એક વિધાનસભા વિસ્તાર છે. સાબરકાંઠા બેઠક પર હાલ દીપસિંહ રાઠોડ ભાજપના ઉમેદવાર છે, જ્યારે કોંગ્રેસ તરફથી રાજેન્દ્ર સિંહ ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. દીપસિંહ રાઠોડ વર્તમાન સાંસદ છે અને 2014ની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાને તેમણે 90 હજાર જેટલા મતના માર્જિનથી હરાવ્યા હતા.
1951થી 2014 સુધીની લોકસભા ચૂંટણીનો ઈતિહાસ જોઈએ તો સાબકાંઠા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ વધુ રહ્યું છે. આ બેઠક પર કોંગ્રેસ 9 વખત જીતી છે, જ્યારે ભાજપનો 3 વખત (1991, 2009 અને 2014)માં વિજય થયો છે.
સાબરકાંઠામાં આવતી વિધાનસભા બેઠક
હિંમતનગર
ઈડર(એસસી-અનામત)
ખેડબ્રહ્મા (એસટી-અનામત)
ભિલોડા (એસટી- અનામત)
મોડાસા
બાયડ
પ્રાંતિજ
2017ની વિધાનસભા ચૂંટણીમાં સાબરકાંઠાની 7 વિધાનસભામાંથી ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા અને બાયડમાં કોંગ્રેસનો વિજય થયો હતો, જ્યારે ભાજપને ઈડર, ખેડભ્રહ્મા અને પ્રાંતિજ બેઠકપર જીત મળી હતી.
આમ, 2017ના વિધાનસભા પરિણામના સમીકરણ અને લોકસભા બેઠકનો જૂનો ઈતિહાસ જોઈએ તો આ બેઠક પર કોંગ્રેસનું પલડું હાલ ભારે દેખાઈ રહ્યું છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક
વડાપ્રધાને બીજી જાહેરસભા સુરેન્દ્રનગરમાં સંબોધી હતી. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર અત્યારે કોંગ્રેસના સોમાભાઈ પટેલની ટક્કર ભાજપના ડો. મહેન્દ્ર મુંજપરા સાથે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીં દેવજીભાઈ ફતેપરાને ટિકિટ આપી હતી. આ વખતે ભાજપને નવો ચહેરો પસંદ કર્યો છે. જેની સામે કોંગ્રેસે આ બેઠક પરથી 6 વખત લોકસભા ચૂંટણી લડી ચૂકેલા અને ચાર વખત વિજેતા બનેલા સોમાભાઈ ગાંડાભાઈ પટેલને ટિકિટ આપી છે. તેઓ આ વિસ્તારના વરિષ્ઠ નેતા છે.
લોકસભા ચૂંટણીના 1962થી 2014ના ઈતિહાસ પર નજર નાખીએ તો આ કોંગ્રેસે આ બેઠક પર અત્યાર સુધી 7 વખત વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપનો 5 વખત વિજય થયો છે.
સુરેન્દ્રનગરમાં આવતી વિધાનસભા બેઠક
વિરમગામ
ધંધુકા
દસાડા(એસસી-અનામત)
લીંબડી
વઢવાણ
ચોટીલા
ધ્રાંગધ્રા
2017ની વિધાનસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગરમાં આવતી 7 વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસનો વિરમગામ, ચોટીલા, લીંબડી, દસાડા, ધંધુકા અને ધ્રાંગધ્રા એમ 6 બેઠક પર વિજય થયો હતો અને ભાજપને ફાળે એકમાત્ર વઢવાણ બેઠક આવી હતી.
આમ, 2017ના વિધાનસભા પરિણામના સમીકરણ અને લોકસભા બેઠકનો જૂનો ઈતિહાસ જોઈએ તો આ બેઠક પર કોંગ્રેસનું પલડું હાલ ભારે દેખાઈ રહ્યું છે.
આણંદ લોકસભા બેઠક
વડાપ્રધાને બુધવારે ત્રીજી જાહેરસભા આણંદ લોકસભા વિસ્તારમાં આણંદ ખાતે સંબોધી હતી. આણંદ બેઠક પર અત્યારે કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે. જે એક સમયે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. ભરત સિંહના પિતા માધવ સિંહ સોલંકી પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી પદે રહી ચૂક્યા છે. તેમની સામે ભાજપે મિતેશ પટેલને ટિકીટ આપી છે.
લોકસભા ચૂંટણીનો 1957થી 2014 સુધીનો ઈતિહાસ ચકાસીએ તો આણંદ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 10 વખત વિજેતા બની છે, જ્યારે ભાજપને અહીં પ્રથમ વખત 1989માં વિજય મળ્યો હતો અને પાર્ટી અત્યાર સુધી માત્ર ત્રણ વખત જ આ બેઠક જીતી શકી છે.
આણંદમાં આવતી વિધાનસભા બેઠક
ખંભાત
બોરસદ
આંકલાવ
ઉમરેઠ
આણંદ
પેટલાદ
સોજિત્રા
2017ની રાજ્ય વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો આણંદ લોકસભાની 7 વિધાનસભા બેઠકમાંથી બોરસદ, આંકલાવ, આણંદ, પેટલાદ અને સોજિત્રા એમ કુલ 5 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો, જ્યારે ભાજપના ફાળે માત્ર બે બેઠક ખંભાત અને ઉમરેઠની આવી હતી.
આમ, 2017ના વિધાનસભા પરિણામના સમીકરણ અને લોકસભા બેઠકનો જૂનો ઈતિહાસ જોઈએ તો આ બેઠક પર કોંગ્રેસનું પલડું હાલ ભારે દેખાઈ રહ્યું છે.
અમરેલી લોકસભા બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન બીજા દિવસે એટલે કે ગુરૂવારે અમરેલીમાં એક જાહેરસભા સંબોધી હતી અને તેમણે અહીં 1 કલાક લાંબુ ભાષણ આપ્યું હતું. તેમણે અહીં કહ્યું હતું કે, આ જાહેરસભા નહીં પરંતુ 'આભાર સભા' છે. અમરેલી બેઠક પર અત્યારે ભાજપના વર્તમાન સાંસદ નારણ કાછડિયા અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે સીધી ટક્કર છે. ભાજપના વર્તમાન સાંસદ નારણ કાછડિયા છેલ્લી બે લોકસભા 2009 અને 2014માં આ બેઠક પર જીત્યા છે અને હવે ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. જોકે, અમરેલી બેઠક પરેશ ધાનાણીનો ગઢ કહેવાય છે.
લોકસભા ચૂંટણીનો 1967થી 2014નો ઈતિહાસ ચકાસીએ તો કોંગ્રેસે અમરેલી બેઠક 7 વખત જ્યારે ભાજપે 6 વખત જીતી છે. આ સિવાય આ બેઠક એક વખત જનતાદળ પાસે ગઈ હતી. જોકે, ભાજપ 1991થી આ બેઠક સળંગ જીતતું આવ્યું છે અને વચ્ચે માત્ર 2004ની ચૂંટણીમાં કોંગ્રેસના વિરજી ઠુંમરે ભાજપ પાસેથી આ બેઠક આંચકી લીધી હતી.
અમરેલીમાં આવતી વિધાનસભા બેઠક
ધારી
અમરેલી
લાઠી
સાવરકુંડલા
રાજુલા
મહુવા
ગારિયાધાર
2017ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા એમ કુલ 5 બેઠક જીતી હતી, જ્યારે ભાજપનો બે બેઠક (મહુવા, ગારિયાધાર) પર વિજય થયો હતો. સૌરાષ્ટ્રમાં ખેડૂતોમાં રહેલો અસંતોષ ભાજપને મોટું નુકસાન કરાવી શકે છે.
આમ, 2017ના વિધાનસભા પરિણામના સમીકરણ અને લોકસભા બેઠકનો જૂનો ઈતિહાસ જોઈએ તો આ બેઠક પર કોંગ્રેસનું પલડું હાલ ભારે દેખાઈ રહ્યું છે.
ભાજપ માટે પડકારજનક મુદ્દાઓ
- મોંઘવારી
- બેરોજગારી
- ખેડૂતોમાં અસંતોષ
- ખેડૂતોની પાણી-વિજળી સમસ્યા
- ખેડૂતોને પાકના પુરતા ભાવ ન મળવાની સમસ્યા
- મધ્યમ વર્ગની નારાજગી
કોંગ્રેસ માટે ફાયદાકારક મુદ્દાઓ
- 2017ની રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસને મળેલું જનસમર્થન
- થોડા મહિના પહેલા ભાજપના ગઢ ગણાતા ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સત્તામાં વાપસી
- ભાજપ સામે લોકોમાં પેદા થયેલો અસંતોષ
- મધ્યમ વર્ગ અને ખેડૂતોની ભાજપ પ્રત્યે નારાજગી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે