Lok Sabha Election 2024: લોકસભામાં ગુજરાતની આ બેઠક પર રહેશે આખા દેશની નજર, જે જીતે તેની બને છે સરકાર!

Lok Sabha Election 2024: આ સીટ વિશે એક એવી લોકવાયિકા છે કે જે પણ આ બેઠક જીતે તે પક્ષની લગભગ કેન્દ્રમાં સરકાર બનતી હોય છે. કોઈ પણ પક્ષ હોય તેમની નજર આ બેઠક પર હોય છે. ખાસ જાણો આ સીટ વિશે....

Lok Sabha Election 2024: લોકસભામાં ગુજરાતની આ બેઠક પર રહેશે આખા દેશની નજર, જે જીતે તેની બને છે સરકાર!

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક છે અને ગમે ત્યારે તારીખોની જાહેરાત થઈ શકે છે ત્યારે દેશમાં હવે કોની સરકાર બનશે તેની ચર્ચા ચગડોળે છે. 2014માં અને 2019માં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર બની પણ હવે 2024માં કોણ જીતનો પરચમ લહેરાવશે. એવી લોકવાયિકા છે કે ગુજરાતની એક એવી બેઠક છે જે સત્તા બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે આ બેઠક પરથી જે જીતે તેની લગભગ કેન્દ્રમાં સરકાર બનતી હોય છે. કોઈ પણ પક્ષ હોય તેમની નજર આ બેઠક પર હોય છે. 

ગુજરાતની આ બેઠક પર બધાની નજર
જે સીટની વાત થઈ રહી છે તે છે દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક. સમુદ્ર કિનારે આવેલા વલસાડ જિલ્લામાં જ દેશના પહેલા બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી અને ભારત રત્નથી સન્માનિત મોરારજી દેસાઈનો જન્મ થયો હતો. વલસાડ ગુજરાતના હાર્ટીકલ્ચરનું હબ પણ ગણાય છે. વલસાડ બેઠક સાથે જે લોકવાયિકા સંકળાયેલી છે તે મુજબ અહીં જે પક્ષનો ઉમેદવાર જીતે છે તેની કેન્દ્રમાં સરકાર બનતી હોય છે. 

જે પક્ષ જીત્યો તેની કેન્દ્રમાં બની સરકાર!
કોંગ્રેસની વાત કરીએ તો 1957થી 1977 સુધી કોંગ્રેસની ટિકિટથી નાનુભાઈ પટેલ આ બેઠક જીત્યા હતા. પછી 1980 અને 1984માં કોંગ્રેસના ઉત્તમ પટેલે જીત મેળવી  અને 1989માં જનતાદળના અર્જૂન પટેલ જીત્યા હતા. 1991માં કોંગ્રેસના ઉત્તમ પટેલે જીત મેળવી હતી. 1996થી 1999 સુધી ભાજપના મણીભાઈ ચૌધરી જીત્યા અને 2004થી 2009ની બે ટર્મ કોંગ્રેસના કિશનભાઈ પટેલ સીટ જીત્યા અને પછી 2014નો વારો આવતા ત્યારે મોદી લહેરના પગલે ભાજપના ડો. કે સી પટેલ આ સીટથી જીત્યા. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ડો. કે સી પટેલે જ મેદાન માર્યું અને સાડા ત્રણ લાખ કરતા વધુ મતોની લીડથી વલસાડ બેઠક જીતી લીધી. 

આ વખતે કોને અપાઈ છે ટિકિટ?
જો કે  આ વખતે ભાજપે ડો. કે સી પટેલને રિપિટ ન કરતા ધવલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેની પાછળ એક મોટી રણનીતિ હોવાનું કહેવાય છે. ભાજપે આ વખતે આદિવાસી નેતા ધવલ પટેલ પર પસંદગી ઉતારી છે. ધવલ પટેલ હાલ રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના હોદ્દેદારનો પદભાર સંભાળી રહ્યા છે. ધવલ પટેલ મૂળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝરી ગામના છે અને વલસાડમાં સ્થાયી  થયા છે. વર્ષોથી ભાજપમાં આદિજાતિ નેતા તરીકે તેઓ કામગીરી કરી રહ્યા છે. વલસાડની બેઠક મુખ્યત્વે ઢોડિયા પટેલ, દેસાઈ, કોળી પટેલ, કુકણા પટેલ, હળપતિ જેવા જાતિય સમીકરણો ધરાવે છે. વલસાડની બેઠક એ ST માટે અનામત છે. આદિવાસીઓમાં ઢોડિયા અને કુકણા એમ બે પેટા જ્ઞાતિ છે. જો કે આ બંને જ્ઞાતિનું રાજકારણ લોકસભા ટાણે જોવા મળ્યું નથી. 

કોંગ્રેસના કોણ છે ઉમેદવાર
કોંગ્રેસે હાલમાં જ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી જેમાં વલસાડ બેઠક (એસટી)પરથી કોંગ્રેસે અનંતભાઈ પટેલને ટિકિટ આપી છે. આમ હવે આ બેઠક પર અનંત પટેલ અને ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે ટક્કર જોવા મળશે.

આ હસ્તીઓ છે વલસાડની!
વલસાડ એ પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનું હોમ ટાઉન છે. જ્યારે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી નિરુપા રોયની પણ ભૂમિ છે. ભારતના પહેલા ફીલ્ડ માર્શલ સૈમ માણેકશોના પરિવાર અને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બાળપણ અહીં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ અહીં મેળવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news