નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી; ગુજરાતભરમાં જન્માષ્ટમીની ધૂમ, મથુરાથી લઈ દ્વારકા સુધી ભક્તો રંગાયા ભક્તિના રંગમાં

'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના નાદથી દ્વારકા નગરી કૃષ્ણમય બની છે.જન્માષ્ટમીના પર્વની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી રહી છે. તો બીજી તરફ જન્માષ્ટમીના પર્વે આજે રાત્રે 12 વાગ્યે ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં પણ કાન્હાના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા.

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી; ગુજરાતભરમાં જન્માષ્ટમીની ધૂમ, મથુરાથી લઈ દ્વારકા સુધી ભક્તો રંગાયા ભક્તિના રંગમાં

ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્ય સહિત દેશભરમાં ભારે ઉત્સાહપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ છે. જન્માષ્ટમીના પર્વે આજે રાત્રે 12 વાગ્યે ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં પણ કાન્હાના જન્મના વધામણા કરવામાં આવ્યા. રાજ્યભરમાં કૃષ્ણ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. રાત્રિના બાર વાગતા જ કૃષ્ણ મંદિરો જય રણછોડ.....માખણ ચોર, ગોકુલ મે આનંદ ભયો..જય કનૈયા લાલ કી, મથુરા મે આનંદ ભયો..જય કનૈયા લાલ કી,  વ્રજ મેં આનંદ ભયો..જય કનૈયા લાલ કી નાં નાદથી ગુંજી ઉઠ્યા હતા. 

 

ડાકોર,દ્વારકા, શામળાજી અને ઇસ્કોન મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. જન્માષ્ટમીના પાવન પર્વે દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરથી ભગવાન કૃષ્ણના દર્શન કરી શકો છો. તો અહીં ગોકુળ, મથુરા અને વૃદાવનમાં બિરાજમાન ભગવાનનાં દર્શન કરી શકો છો. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. દ્વારકામાં ભગવાનને રાજભોગ પણ ધરાવવામાં આવ્યો. રાત્રિના 12 વાગ્યે જન્મોત્સવ પર્વ નિમિતે જન્મોત્સવની આરતી કરવામાં આવી. મોડી રાત્રિના અઢી વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. 

દ્વારકા ખાતે ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે 12 વાગ્યે ભગવાનને વિશેષ પૂજા-અર્ચનાં કરવામાં આવી હતી. તેમજ રાજ્યમાં આવેલ દ્વારકા, ડાકોર, શામળાજી તેમજ અમદાવાદનાં ઈસ્કોન મંદિર ખાતે ભક્તોએ ભજન-કીર્તન કર્યા હતા. તેમજ આરતી બાદ ભક્તોએ આનંદ ઉલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવને વધાવ્યો હતો.

જન્માષ્ટમીને પગલે દ્વારકામાં દિવાળી જેવો માહોલ
ગુજરાતના સુપ્રસિદ્ધ ભગવાન શ્રીકૃષ્ણના મંદિર દ્વારકામાં 5250 જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કૃષ્ણ જન્મોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. જન્માષ્ટમીના પર્વ ગોમતીઘાટ પર સ્નાન કરવાનું ખૂબ મહત્વ અને માન્યતા હોવાથી ભક્તોએ સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ પછી 2.30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. જગતગુરુ શંકરાચાર્યજીએ ભગવાન દ્વારકાધીશનો અભિષેક કર્યો. ખુલ્લા પડદે ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું. રંગબેરંગી વાઘા પહેરાવતાં ભગવાને અલૌકિક રૂપ ધારણ કર્યુ. સમગ્ર જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ. જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખીના ગીતો ગૂંજી ઉઠ્યા. ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે કરાઈ વ્યવસ્થા. ભક્તોની તમામ સુવિધા માટે પ્રશાસન પણ સજ્જ બન્યું. જન્માષ્ટમીના પગલે લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો હતો.

દ્વારકામાં કાળિયા ઠાકરને શ્રૃંગાર ભોગ બાદ સેફ્રોન એટલે કે કેસરી રંગના વસ્ત્રો સાથે અનેક રત્નોજડિત આભૂષણો ધરાવવામાં આવ્યા. જગત મંદિર ઉપરાંત આસપાસના વિસ્તારોને સુંદર અને આકર્ષક રોશનીના ઝળહળા સાથે શણગારવામાં આવ્યા છે. 11:00 વાગ્યે શૃંગાર આરતી ત્યાર બાદ ગ્વાલ ભોગ અને 12.00 વાગ્યે ઠાકોરજીને રાજભોગ ચઢાવવામાં આવ્યો હતો. રાજભોગ એ ભગવાન દ્વારકાધીશનો મુખ્ય ભોગ છે. રાજભોગ પછી એવું માનવામાં આવે છે કે ભગવાન આરામ કરે છે. આથી બપોરે 1:00 વાગ્યે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. જે સાંજે 5:00 વાગ્યે ફરી દર્શન માટે ખુલ્લા કરાયા. ત્યારબાદ સાંજે ભગવાનને ઉત્થાપન ભોગ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને સંધ્યાભોગ ધરાવાયો હતો. 7.45 વાગ્યે ભગવાનની સંધ્યા આરતીનો ઉપસ્થિત હજારો ભાવિકો તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લાખો કૃષ્ણ ભકતોએ લાભ લીધો.

અરવલ્લીમાં કાળિયા ઠાકોરના જન્મોત્સવને પગલે ભારે થનગનાટ
યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની ઉજવણીને પગલે અનેરો ઉત્સાહ જોવા મળ્યો. શામળાજીમાં પણ મંદિરના કપાટ ખૂલી ગયા છે અને ભગવાનના જન્મની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. ભક્તો અલગ-અલગ રીતે પોતાની ભક્તિ રજૂ કરે છે. વ્હાલાના વધામણા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે એક 60 વર્ષીય વૃદ્ધે વાંસળી વગાડી જન્માષ્ટમીની ઉજવણી કરી. તો બીજી તરફ ભક્તો મંદિર પરિસરમાં ગરબાની રમઝટ બોલાવી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે. શામળિયાના જન્મોત્સવ માટે ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. બાળકો, યુવાનો, વૃદ્ધો સહિત સૌકોઈ કૃષ્ણ ભક્તિમાં લીન બન્યા છે. કેળ અને આસોપાલવથી મંદિર અને નગર શણગારાયું છે. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઊમટી રહ્યાં છે. શામળિયા દેવકી જયના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. સ્થાનિક લોકગાયકે મંદિર પરિસરમાં ભજનની શરૂઆત કરી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમય સુધી શામળાજીમાં ભક્તો ભક્તિમાં લીન થયેલા જોવા મળશે.

શામળાજીમાં SRP ટીમે પણ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી. 200થી વધુ SRP જવાનોએ શામળાજીમાં શિશ ઝુંકાવીને લોકોનું કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરી. પ્રથમ વખત SRPની ટીમ ઉચ્ચ અધિકારી સાથે મંદિર પહોંચી અને બેન્ડ સાથે આખી ટીમ ગરબે ઘૂમી. દર્શન કરીને અને મંદિર પરિસરમાં ગરબા ગાઈને SRP જવાનોએ ખુશી વ્યક્ત કરી. અરવલ્લી જિલ્લાના યુવાનોએ શામળાજીમાં બાલકૃષ્ણની શોભાયાત્રા પણ યોજી. શામળાજી નગરમાં 108 જટેલી મટકી શોભાયાત્રા દરમિયાન ફોડવામાં આવી. આ દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. શામળિયા શેઠના દર્શન કરવા મોટી સંખ્યામા ભક્તો ઉમટી રહ્યા છે. મહત્વનું છે કે શામળાજી મંદિર પરિસરમાં આવેલા પ્રાચીન કૂવાનું પણ અનેરુ મહત્વ છે. પ્રાચીન કૂવાના પાણીનો ઉપયોગ માત્ર ભગવાન માટે જ થાય છે. ભગવાનના અભિષેક અને ભોગ બનાવવા માટે પાણીનો ઉપયોગ કરાય છે. આ કૂવો લગભગ 100 વર્ષ જૂનો હોવાનું અનુમાન છે.

No description available.

અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ ઈસ્કોન મંદિરમાં ઉજવણી
દેશભરમાં આજે જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરત, અમદાવાદ, વડોદરા અને મુંબઈના ઈસ્કોન મંદિરમાં પણ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. સુરતના ઈસ્કોન મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવાયો. ભક્તોએ અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી. અમદાવાદની કલ્યાણપુષ્ટિ હવેલી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. ભગવાન કૃષ્ણના જન્મોત્સવ માટે ખાસ આયોજન કરાયું. રાત્રે 9 કલાકે ભગવાનના શયન દર્શનના ભક્તોએ લ્હાવો માણ્યો છે. રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ રહી છે. વડોદરામાં ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીના પગલે ભક્તોની ભારે ભીડ જોવા મળી. હરે કૃષ્ણ, હરે રામાના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું. રાધા કૃષ્ણની મૂર્તિને વિશેષ શણગાર કરવામાં આવ્યો. મંદિરમાં ભજન અને કિર્તનના તાલે ભક્તો ઝૂમતાં જોવા મળ્યા. મુંબઈના ઈસ્કોન મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી. રાત્રે 12 વાગ્યે ભગવાનનો જન્મોત્સવની ઠેરઠેર ઉજવણી ચાલી રહી છે.

No description available.

ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીનો પ્રારંભ
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમી પર્વના રંગમાં રંગાયું છે. જણ રણછોડ, માખણચોરના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. બપોરે 1 વાગ્યે મંદિર બંધ કરવામાં આવ્યું હતું. બાદમાં 4:45 વાગ્યે રાજાધિરાજના દ્વાર ખુલતાં આતૂરતા પૂર્વક રાહ જોતા ભાવિક ભક્તો રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરી તૃપ્ત થઇ રહ્યા છે. રણછોડરાયજીના દરબારમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. સંધ્યા આરતી બાદ સખડીભોગના દર્શન ખુલ્લા થતાં ભાવિકો‌ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. 'જય રણછોડ માખણચોર'ના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું છે. ભાવિકો દૂર દૂરથી દર્શન કરવા આવી રહ્યા છે. આ દર્શન સતત ખુલ્લા રહેશે તેમ મંદિર પ્રશાસન દ્વારા કહેવાયું છે. સાથે સાથે અમી છાંટણા વરસાદથી ભક્તો ભીંજાયા છે. મંદિરના પટાંગણમાં આવેલા બે દિપમાળાઓને પ્રગટાવવામાં આવી છે.

No description available.

આજે ભક્તોએ ભગવાનના દરબારમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. આખા મંદિરને આસોપાલવનાં તોરણોથી સજાવાયું છે. આખું ડાકોર આજે કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ગયેલું નજરે પડે છે. ભાવિક ભક્તો અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ તેમજ દેશ પરદેશથી ઊમટી પડ્યા છે. ભક્તો ડાકોર મંદિરમાં 52 ગજની ધજા પણ ચડાવી છે. આજે દિવસ દરમિયાન ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો અને જન્મોત્સવ સમયે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news