પાવીજેતપુર : અડધી રાત્રે 9 માસના બાળકને ઉઠાવીને ફાડી ખાનાર દીપડાને જોવા ગામ ઉમટ્યું
છોટાઉદેપુરના પાવીવજેતપુરના ઝરી ગામમાં ગઈકાલે અરેરાટી ફેલાઈ જાય તેવી ઘટના બની હતી. ઘરની ઓસરીમાં સૂઈ રહેલા 9 મહિનાના બાળકને મધરાત્રે દીપડો ઉપાડી ગયો હતો. ત્યારે બાળકની શોધખોળ કરતા વહેલી સવારે નજીકના જંગલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યું હતું.
Trending Photos
જામીલ પઠાણ/છોટાઉદેપુર :છોટાઉદેપુરના પાવીવજેતપુરના ઝરી ગામમાં ગઈકાલે અરેરાટી ફેલાઈ જાય તેવી ઘટના બની હતી. ઘરની ઓસરીમાં સૂઈ રહેલા 9 મહિનાના બાળકને મધરાત્રે દીપડો ઉપાડી ગયો હતો. ત્યારે બાળકની શોધખોળ કરતા વહેલી સવારે નજીકના જંગલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બાદ વન વિભાગ દોડતુ થયું હતું, દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા. આખરે દીપડો પાંજરામાં પૂરાયો હતો, અને આ નરભક્ષી દીપડાને જોવા માટે આખુ ગામ એકઠુ થયું હતું.
બકરીનો શિકાર નિષ્ફળ જતા બાળકને ઉઠાવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારની મધ્ય રાત્રિએ અંદાજે 2.30 કલાકની આસપાસ પાવીજેતપુરના ઝરી ગામે દીપડો આવી ચઢ્યો હતો. પહેલા તે નાનાભાઈ રાઠવાના નામના શખ્સના ઘરમાં બાંધેલ દીપડાને પકડીને લઈ ગયો હતો. પરંતુ બકરીના અવાજને કારણે પરિવાર જાગી ગયો હતો, અને દીપડો બકરી છોડીને ભાગી ગયો તો. આમ, દીપડાનો શિકારનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. તેથી તેણે રાઠવા પરિવારથી એક કિલોમીટરના દૂરના અંતરે તેમના જ ઘરમાં શિકાર કર્યો હતો. તેમનુ 9 મહિનાનુ બાળક ઘર આંગણામાં પરિવારના અન્ય સદસ્યો સાથે સૂઈ રહ્યુ હતું, તેથી દીપડો તેને ગળેથી પકડીને લઈ ગયો હતો.
આખી રાત ગામ લોકોએ જંગલમાં બાળકને શોધ્યો
આ જાણ થતા જ પરિવારે દોડાદોડ કરી હતી. દીપડો બાળકને લઈને જંગલમાં નાસી છૂટ્યો હતો. ત્યારે ગ્રામજનોએ બાળકની શોધખોળ શરૂ કરી હતી. પણ સવારે 7 વાગ્યાના અરસામાં કાંટાળી ઝાડી વચ્ચે બાળકનો ફાડી ખાધેલ મૃતદેહ મળી આવ્યો હતો. આમ, સમગ્ર ગામમાં આ બનાવને કારણે અરેરાટી તથા દીપડાને કારણે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
વનવિભાગ દોડતુ થયું
પાવીજેતપુરના ઝરી ગામની ઘટના બાદ વન વિભાગની ટીમે દિપડાની ભાળ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગે જ્યાંથી બાળકનો મૃતદેહ મળ્યો ત્યાં પાંજરું મૂકતા દીપડો આખરે પાંજરે પૂરાયો હતો. જોકે, બાળકના ભક્ષી આ દીપડાને જોવા ગામ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે