દ્વારકા મંદિરમાં બની અદભૂત અને ઐતિહાસિક ઘટના, પહેલીવાર મંદિરમાં દર્શને 25 ગાય આવી પહોંચી

Dwarka News : ભયંકર લમ્પી વાયરસથી બચી ગયા બાદ કચ્છના માવજીભાઈએ દ્વારકાધીશના પાડ માનવા પોતાની ગાયોને કચ્છથી દ્વારકા સુધી લઈ આવ્યા

દ્વારકા મંદિરમાં બની અદભૂત અને ઐતિહાસિક ઘટના, પહેલીવાર મંદિરમાં દર્શને 25 ગાય આવી પહોંચી

દ્વારકા :કોણ કહે છે કે માણસ જ ભક્તિ કરી શકે છે. જગતમાં રહેતો દરેક જીવ ભક્તિ કરી જાણે છે. પશુઓના એવા અસંખ્ય ઉદાહારણો છે જેમાં તેઓ ભગવાનની ભક્તિ કરતા દેખાયા હોય. ત્યારે આજે કૃષ્ણની અનોખી ભક્તિ જોવા મળી. 25 ગાય કચ્છથી 450 કિલોમીટરનું અંતર કાપીને દ્વારકાધીશના દર્શને પહોંચી હતી. તેમના માટે અડધી રાતે જગતમંદિરના દ્વાર ખોલવામા આવ્યા હતા. ત્યારે કૃષ્ણ ભક્તિનું આવુ ઉદાહરણ બીજે ક્યાંય ન મળે તેવુ છે. 

ગુજરાતભરમાં જ્યારે ભયંકર લમ્પી વાયરસ ફેલાયો ત્યારે સૌથી ગૌપાલકના માથે આભ તૂટી પડ્યુ હતું. કેટલાય ખેડુતોએ પોતાનું પશુધન ગુમાવ્યુ હતું. તો પોતાના પશુધન બચી જાય તે માટે અનેઓ બાધા રાખી હતી. આમાં એક હતા કચ્છના માવજીભાઈ. કચ્છના માવજીભાઈ કૃષ્ણના પરમભક્ત છે, તેથી તેમણે લમ્પી વાયરસના ફેલાવા બાદ માનતા રાખી હતી કે, ‘હે કાળિયા ઠાકર, મારી ગાયોને લમ્પી વાયરસથી બચાવી લેજે, તો હું તેમને તારા દ્વારે દર્શને લઈ આવીશ.’ માવજીભાઈની માનતા ફળી હતી અને તેમની તમામ ગાય બચી હતી. એક પણ ગાયને લમ્પી વાયરસ લાગુ થયો ન હતો. તેથી તેઓ પોતાની માનતા પૂરી કરવા નીકળી પડ્યા હતા. 

17 દિવસ પહેલા માવજીભાઈ પોતાની 25 ગાય અને 5 ગોવાળ સાથે કચ્છથી નીકળી ગયા હતા. કચ્છથી દ્વારકા સુધીનું 450 કિલોમીટરનું અંતર કાપીને માવજીભાઈ દ્વારકા પહોંચ્યા હતા. કૃષ્ણ અને ગાયના નાતો જૂનો છે. કૃષ્ણને ગાય પ્રત્યે ખાસ પ્રેમ છે. તેથી દ્વારકા મંદિરના મેનેજમેન્ટ દ્વારા પણ તેમને પરમિશન આપવામાં આવી હતી. પરંતુ તેમના માટે સૌથી અઘરો પ્રશ્ન એ હતો કે ગાયને મંદિરમાં લાવવી કેવી રીતે. કારણ કે, દિવસભર મંદિરે હજારોની સંખ્યામાઁ ભક્તો આવતા હોય છે. 

આવામાં વચલો રસ્તો કાઢવામા આવ્યો. દિવસે લોકોની ભીડ હોય, તો ગાયને રાત્રે દર્શન કરાવવા. આ માટે પહેલીવાર અડધી રાતે જગતમંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. મંદિરના ઈતિહાસમાં પહેલીવાર એવુ ઘટના બની કે, એકસાથે 25 ગાય આટલુ લાંબુ અંતર પાર કરીને દર્શન કરવા પહોંચી હોય. મંદિરનું વહીવટીતંત્ર પણ આ ઘટનાથી પ્રભાવિત બની ગયુ હતું. તેથી માવજીભાઈ, તેમના ગોપાલકોને ઉપેણા ઓઢણીથી સન્માનિત કરાયા હતા અને પ્રસાદી અપાઈ હતી. 

આજે માવજીભાઈની ભક્તિના ચારેતરફ વખાણ થઈ રહ્યાં છે. સાથે જ દ્વારકા મંદિરના વહીવટીતંત્ર દ્વારા જે મદદ કરાઈ તે પણ વખાણવામાં આવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news