દિલ્હીમાં નવાજૂની થવાના ભણકારા, નરેશ પટેલ ફરી કોંગ્રેસ દરબારમાં પહોંચ્યા

દિલ્હીમાં નવાજૂની થવાના ભણકારા, નરેશ પટેલ ફરી કોંગ્રેસ દરબારમાં પહોંચ્યા
  • ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દિલ્હીમાં
  • આજે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ફાઈનલ બેઠક કરે તેવી શક્યતા
  • ટૂંક સમયમાં રાજકારણ પ્રવેશવા અંગે કરી શકે છે જાહેરાત

ગૌરવ દવે/રાજકોટ :કોંગ્રેસમાં બહુ જ જલ્દી નવાજૂની થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. નરેશ પટેલના કોંગ્રેસ આગમનની હવે ઘડીઓ ગણાઈ રહી છે. નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાનો તખ્તો દિલ્હીમાં ગોઠવાઈ રહ્યો છે. આ ચર્ચાઓ વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે. નરેશ પટેલ આજે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક કરશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે આજે ફાઈનલ બેઠક કરશે. ત્યારે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. 

કોંગ્રેસમાં ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે ખોડલધામના નરેશ પટેલ દિલ્હી પહોંચ્યા છે. આ સાથે જ નરેશ પટેલના કોંગ્રેસના જોડાવા મુદ્દે પડદો ઉંચકાશે. તો બીજી તરફ, પ્રશાંત કિશોરના પણ કોંગ્રેસમાં જોડાવા અંગે ખુલાસો થયો નથી. પ્રશાંત કિશોરની ટીમ થોડા દિવસો પહેલા જ ગુજરાત આવી હતી. તેમની ટીમ ગુજરાત ચૂંટણીને લઈને એક્ટિવ થઈ ગઈ છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં મોટુ પદ આપવામા આવી શકે છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસમાં આ બે દિગ્ગજ નેતાઓ આવે તો મોટો ફેર પડી શકે છે. પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની કારમી હાર થઈ છે. તે જોતા ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ એડીચોટીનુ જોર લગાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.  

નરેશ પટેલની છે ઈચ્છા છે કે રાહુલ ગાંધી તેમને કોંગ્રેસમાં આવકારે. જો કે હાલ રાહુલ ગાંધી વિદેશમાં છે એટલે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા પર વિલંબ થઈ રહ્યો છે. તો કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે આજે નરેશ પટેલ ફાઈનલ બેઠક કરશે અને આજની બેઠક બાદ હવે કોંગ્રેસમાં પ્રવેશ અંગે ટૂંક સમયમાં નરેશ પટેલ જાહેરાત કરશે.

પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે
કોંગ્રેસે પણ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી દીધુ છે. ત્યારે દિલ્હીના દિગ્ગજો ગુજરાતમા આવી રહ્યાં છે. મિશન 2022 માટે પ્રિયંકા ગાંધી મે મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસે આવી શકે છે. પ્રિયંકા ગાંધી મધ્ય ગુજરાતમાં મહિલા સંમેલનને સંબોધશે. આણંદ અને ખેડા જિલ્લાની સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓનું સંમેલન યોજાશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા મહિલા સમેલન અંગેની તૈયારી શરૂ કરાઈ છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી 20 હજારથી વધુ મહિલાઓનું સંમેલન યોજવાની તૈયારી છે. ગુજરાતના ચાર ઝોનમાં અલગ અલગ સંમેલનો યોજવાનું કોંગ્રેસનુ આયોજન છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news