જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા

વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું

જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા

જૂનાગઢઃ જૂનાગઢમાં તાજેતરમાં જ બનેલી નવી GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતરી ગયા છે. મેડિકલનો અભ્યાસ કરતા છોકરા અને છોકરીઓ મોડી રાત્રે હોસ્ટેલમાંથી બહાર સડક પર આવી ગયા હતા અને તંત્રની નિષ્ક્રિયતા મુદ્દે નારા લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કોલેજ નવી જ બનેલી હોવા છતાં અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. કોલેજમાં પ્રવેશ મેળવી લીધા બાદ વિદ્યાર્થીઓને ઘણી બધી અગવડોનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું ન હતું.

આ કારણે કંટાળીને વિદ્યાર્થીઓ ગુરૂવારે મોડી રાત્રે હોસ્ટેલમાંથી બહાર સડક પર આવી ગયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, જ્યાં સુધી તેમનાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ હોસ્ટેલમાં પ્રવેશ કરશે નહીં. 

વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું કે, તેમની હોસ્ટેલમાં ટોઈલેટ યોગ્ય રીતે બનાવાયા નથી. લાઈબ્રેરી 24 કલાક ખુલ્લી રાખવામાં ન આવતી હોવાને કારણે તેમને અભ્યાસ કરવામાં તકલીફ પડે છે. હોસ્ટેલમાં એન્ટ્રી ગેટ ન હોવાને કારણે વિદ્યાર્થીનીઓને ભયમાં રાત પસાર કરવી પડે છે. હવે, વિદ્યાર્થીઓ પોતાની માગણીને લઈને આવતીકાલે શુક્રવારે જૂનાગઢ કલેકટરને આવેદન પત્ર આપવાના છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news