રાદડિયા, સંઘાણી બાદ ભાજપના આ સાંસદે પાર્ટીની ઉપરવટ જઈ ઠાલવ્યો બળાપો, હવે દર્દ છલકાયું
Lok Sabha Election 2024: અમરેલી ભાજપના આ બન્ને નેતાઓએ ઉમેદવારોની પસંદગી બાબતે ભાજપની જ નેતાગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. અમરેલીથી ભાજપે ભરત સુતરિયાને ટિકિટ આપી હતી. સુતરિયાની ટિકિટ જાહેર થઈ ત્યારથી જ વિરોધ જોવા મળ્યો હતો પરંતુ કોઈ પણ રીતે આ રોષને ભાજપે દબાવી દીધો.
Trending Photos
Lok Sabha Election 2024: ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ મતદાન પછી હવે રાજનેતાઓનું દર્દ છલકાવા લાગ્યું છે. ભાજપના વધુ એક મોટા નેતાએ ઉમેદવારની પસંદગી મામલે પાર્ટી પર પ્રહાર કર્યા. મતવિસ્તારના લાખો મતદારો સાથે દ્રોહનો પણ આક્ષેપ તેમણે પાર્ટી પર લગાવ્યો છે. ત્યારે કોણ છે આ નેતા? કેમ તેમણે પાર્ટી લાઈનથી ઉપરવટ જઈને ઠાલવ્યો પોતાનો રોષ?
મતદાન પછી ભાજપ નેતાઓનો ભાજપ સામે રોષ
અમરેલી ભાજપના આ બન્ને નેતાઓએ ઉમેદવારોની પસંદગી બાબતે ભાજપની જ નેતાગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. અમરેલીથી ભાજપે ભરત સુતરિયાને ટિકિટ આપી હતી. સુતરિયાની ટિકિટ જાહેર થઈ ત્યારથી જ વિરોધ જોવા મળ્યો હતો પરંતુ કોઈ પણ રીતે આ રોષને ભાજપે દબાવી દીધો. જો કે હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે ભાજપના નેતાઓ ખુલ્લીને બહાર આવ્યા છે. અમરેલીના હાલ વર્તમાન સાંસદ નારણ કાછડિયાએ તો પાર્ટીથી ઉપરવટ જઈને પોતાનો આક્રોશ ઠાલવ્યો.
નારણ કાછડિયા છેલ્લી ત્રણ ટર્મથી અમરેલીના સાંસદ છે, તેમની ટિકિટ આ વખતે ભાજપે કાપીને ભરત સુતરિયાને આપી હતી. ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવતા ભાજપના કાર્યકરોમાં પણ નારાજગી હતી. જો કે પાર્ટીએ સુતરિયાને બદલ્યા ન હતા. તો અમરેલીથી જે ટિકિટના દાવેદાર હતા તે ભરત કાનાબારે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
તો ભાજપમાં ઉઠેલા આ વિરોધના વંટોળથી કોંગ્રેસ રાજીને રેડ થઈ ગઈ છે. નારણ કાછડિયાના રોષ પર કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કર્યા. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, ભાજપના એક પછી એક પત્તા ખુલી રહ્યા છે. ભાજપમાં જે મૂળ કાર્યકરોનું અપમાન થયું છે તેનો આ આક્રોષ બહાર આવ્યો છે. તો અમરેલી કોંગ્રેસમાંથી જે લડ્યા હતા તે જેની ઠુમ્મરે પણ કહ્યું કે, ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા છે.
સમગ્ર ગુજરાતમાં લોક મુખે એવું સાંભળવા મળ્યું છે કે આ વખતે ભાજપે ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાધી છે. જ્યારે કોંગ્રેસે મજબૂત ઉમેદવારો પસંદ કર્યા હતા. નારણ કાછડિયાનો રોષ અમુક અંશે વ્યાજબી પણ છે. જો કે અમરેલીમાં ભાજપની જ જીત થશે તેવું પણ સાંસદ નારણ કાછડિયાએ કહ્યું છે.
ભાજપના સાંસદ નારણ કાછડિયાનો આ વિરોધની અસર ભાજપ પર કેટલી થાય છે તે જોવાનું રહેશે. ગુજરાતમાં ભાજપની એક પણ સીટ આઘીપાછી થઈ તો હાઈકમાન્ડ પ્રદેશના નેતૃત્વ સામે આકરા પાણીએ થઈ શકે છે. જોવાનું રહેશે કે 4 જૂને શું થાય છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે