જામનગરમાં ખૂની ખેલ : કોન્સ્ટેબલે કરી પીએસઆઈના ભાઈની હત્યા

Jamnagar Police : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોરમાં પીએસઆઇના ભાઇની કોન્સ્ટેબલે કરી હત્યા... જામનગરમાં આશરે પાંચેક વર્ષ પહેલા ટેન્કરમાં પાણી ભરવા બાબતે થઈ હતી બોલાચાલી : ગત રાત્રે છરી વડે હુમલો કરાયો હતો : આરોપી પિતા-પુત્ર સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

જામનગરમાં ખૂની ખેલ : કોન્સ્ટેબલે કરી પીએસઆઈના ભાઈની હત્યા

Jamnagar News મુસ્તાક દલ/જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ગત મોડી રાત્રીના જુની અદાવતમાં પીએસઆઇના ભાઇની ઘાતકી હત્યા નિપજાવવામાં આવતા ગામમાં સોપો પડી ગયો હતો, આશરે પાંચેક વર્ષ પહેલા ટેન્કરમાંથી પાણી ભરવા બાબતે બોલાચાલી થઇ હતી જેનું મનદુ:ખ ચાલ્યુ આવતુ હતું અને ગઇ રાત્રે યુવાન પર છરી વડે હુમલો કરી ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઇ છે. બનાવ અંગે આરોપી પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ સામે મોડી રાત્રીના ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા વિરેન્દ્રસિંહ છોટુભા જાડેજા (ઉ.વ.૨૭) નામના યુવાન સાથે આશરે પાંચેક વર્ષ અગાઉ આરોપી રાજદીપસિંહ સાથે પાણીના ટેન્કરમાંથી પાણી ભરવા બાબતે બોલાચાલી થઇ હતી અને આ અંગે મનદુ:ખ ચાલતુ હતું. દરમ્યાન ગત રાત્રીના ભણગોર ગામમાં આવેલ ગ્રીન પાન નામની દુકાન પાસે આરોપીઓએ અગાઉના ચાલતા મનદુ:ખનો ખાર રાખી ઉશ્કેરાઇ જઇ વિરેન્દ્રસિંહને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ આરોપી રાજદીપસિંહે છરી વડે જીવલેણ હુમલો કરી વિરેન્દ્રસિંહને ગળાની પાછળના ભાગે ઘા ઝીંકી દેતા યુવાન લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો.

ગામમાં ક્ષત્રીય યુવાનની હત્યા થયાનું બહાર આવતા લાલપુર પોલીસની ટુકડી સ્થળ પર અને હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી, તેમજ આગેવાનો પણ દોડી આવ્યા હતા, આ બનાવે ગામમાં ચકચાર મચાવી છે. વધુમાં સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મરનાર વિરેન્દ્રસિંહના ભાઇ મનોહરસિંહ અમદાવાદ ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે, જયારે ત્રણ આરોપી પૈકી એક આરોપી રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ છે અને હાલ જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે ભણગોર ગામમાં રહેતા મૃતકના કુટુંબી ભાઇ પ્રદ્યુમનસિંહ લાલુભા જાડેજા (ઉ.વ.૪૪) એ મોડી રાત્રીના લાલપુર પોલીસ સ્ટેશનમાં ભણગોર ગામમાં રહેતા રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુ જગદીશસિંહ જાડેજા, જગદીશસિંહ બહાદુરસિંહ જાડેજા અને કુંદનસિંહ રામભા જાડેજા આ ત્રણેયની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૨, ૧૧૪ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવતા આ અંગેની તપાસ ઇન્ચાર્જ પીએસઆઇ બી.બી. કોડીયાતર અને સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

ભણગોર ગામમાં પીએસઆઇના ભાઇ એવા ક્ષત્રીય યુવાનની ઘાતકી હત્યા પોલીસ કોન્સ્ટેબલે કર્યાનું સામે આવતા પોલીસબેડા સહિતમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે, ફરીયાદના આધારે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા જુદી જુદી ટુકડીઓ દોડતી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news