રાજ્યમાં સાડાપાંચ કરોડ લોકોનો સર્વે, દિવસ દરમિયાન 5 પોઝીટીવ સાથે આંકડો 63 થયો
Trending Photos
ગૌરવ પટેલ/ અમદાવાદ : ગુજરાતમાં આજે દિવસ દરમિયાન વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે સાંજે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે દિવસ દરમિયાન અમદાવાદ, સુરત, રાજકોટ, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે. આજે દિવસ દરમિયાન એક વ્યક્તિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે.
ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આજે અમદાવાદમાં 30 વર્ષના એક પુરુષને કોરોના પોઝિટિવ જણાયો છે, જેમની દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી હતી. આ ઉપરાંત સુરતમાં પણ 26 વર્ષના એક પુરુષને કોરોના પોઝિટિવ જણાયો છે. જેની ટ્રાવેલ હિસ્ટ્રી પણ દુબઈની છે રાજકોટમાં 37 વર્ષના એક પુરુષને પોઝિટિવ જણાયો છે, જેની હિસ્ટ્રી જર્મનીના વાયા દુબઇના ટ્રાવેલની છે. પોરબંદરમાં 48 વર્ષના એક મહિલા અને ગીર સોમનાથમાં 59 વર્ષનાં એક મહિલાને કોરોના પોઝિટિવ જણાયો છે. જે લોકલ ટ્રાન્સમીશનથી થયો હોવાનું બહાર આવ્યું છે. આ સાથે ગુજરાતમાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 63 થઈ છે. જે પૈકીના 55 દર્દીઓની તબિયત હાલમાં સ્થિર છે, જ્યારે બે દર્દીઓને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા છે. એમણે જણાવ્યું હતું કે, સારા સમાચાર એ પણ છે કે, એક વ્યક્તિને આજે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અલબત આ દર્દી હવે ક્વૉરેન્ટાઈનમાં રહેશે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે પાંચ વ્યક્તિઓના નિધન થયા છે.
ક્વૉરેન્ટાઈનની વિગતો આપતાં ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 18,784 લોકો હૉમ ક્વૉરેન્ટાઈન હેઠળ છે જ્યારે 696 વ્યક્તિઓ સરકારી સુવિધા સાથેની ક્વૉરેન્ટાઈન વ્યવસ્થામાં છે. 181 વ્યક્તિઓ ખાનગી સુવિધા સાથેની ક્વૉરેન્ટાઈન વ્યવસ્થામાં છે. આમ કુલ 19,661 લોકો ક્વૉરેન્ટાઈનમાં છે. જે લોકોએ ક્વૉરેન્ટાઈનની વ્યવસ્થાનો ભંગ કર્યો છે એવા 236 લોકો સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી ખૂબ જ અસરકારક રીતે હાથ ધરવામાં આવી છે, તે અંગે વિગતવાર માહિતી આપતાં ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આજ સુધીમાં સમગ્ર રાજ્યમાં 5 કરોડ, 65 લાખ, 83 હજાર, 774 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, 81,815 લોકોએ પ્રવાસ કર્યો છે, તે પૈકીના 66,467 લોકોએ આંતરરાજ્ય પ્રવાસ અને 15,348 લોકોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો છે. આ સર્વેલન્સ માં 209 વ્યક્તિઓને અલગ-અલગ રોગોના ચિન્હો જણાયા છે. જે તમામને સારવાર સુધી પહોંચાડવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે