અહો વૈચિત્રમ! જૂનાગઢમાં મેળો થશે કે નહી તે ખબર નથી ત્યાં પાલિકાએ પ્લોટની હરાજી પણ શરૂ કરી દીધી

અહો વૈચિત્રમ! જૂનાગઢમાં મેળો થશે કે નહી તે ખબર નથી ત્યાં પાલિકાએ પ્લોટની હરાજી પણ શરૂ કરી દીધી

* જૂનાગઢ મનપા દ્વારા મહા શિવરાત્રી મેળા માટે તૈયારી શરૂ કરાઈ
* વેપારી પ્લોટની હરરાજી માટે જાહેરાત અને ટેન્ડર પ્રક્રિયા શરૂ
* સરકાર દ્વારા મહા શિવરાત્રી મેળા માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી
* કોરોના સ્થિતિમાં મેળાનું આયોજન કરવા અંગે અવઢવ  

જૂનાગઢ  : મનપા દ્વારા મહા શિવરાત્રી મેળા માટે તૈયારી શરૂ કરાઈ છે. વેપારી પ્લોટની હરરાજી માટે જાહેરાત અને ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે સરકાર દ્વારા મહા શિવરાત્રી મેળા માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી. હાલ કોરોના સમયમાં મેળાનું આયોજન કરવા અંગે અવઢવની સ્થિતી સર્જાય છે. જૂનાગઢનો શિવરાત્રીનો મેળો રાજ્યના મહત્વના ઉત્સવો પૈકીનો એક ઉત્સવ છે. દર વર્ષે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો ભરાઈ છે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ભવનાથ ખાતે જૂના અખાડાથી ભગવાન દત્તાત્રેયની પાલખી સાથે નાગા સાધુઓની રવાડી નીકળે છે. સુપ્રસિધ્ધ પૌરાણિક ભવનાથ મહાદેવ મંદિરમાં આવેલ મૃગી કુંડમાં શાહી સ્નાન અને ભવનાથ મહાદેવની આરતી સાથે રવાડી પૂર્ણ થાય છે.

મહાશિવરાત્રીના મેળાને લઈને દર વર્ષે જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, વન વિભાગ, એસ.ટી. નિગમ, રેલ્વે તંત્ર, pgvcl, પાણી પુરવઠા સહીતના સરકારી વિભાગોની મહત્વની ભૂમિકા રહેતી હોય છે અને આ અંગે અગાઉથી જ તૈયારીઓ કરવી પડતી હોય છે. પરંતુ કોરોના સમયમાં મહા શિવરાત્રીના મેળાનું આયોજન કરવું કે કેમ તે અંગે હજુ અવઢવની સ્થિતિ છે. સાધુ સંતોએ પણ સ્થાનિક નેતાઓને સાથે રાખીને સરકાર સાથે ચર્ચા વિચારણા કરી છે.

મનપાના મતે પ્રાથમિક તૈયારીઓ શરૂ થઈ છે. જો સરકાર મંજૂરી આપે તો પાછળથી સમયની કટોકટી ન થાય તે માટે પ્રાથમિક તૈયારીઓ શરૂ કરાઈ છે. જ્યારે સાધુસંતોએ સ્પષ્ટતા કરી દીધી છે કે પરંપરા અનુસાર પૂજન અર્ચન થશે તેમ છતાં આ અંગે સરકાર જે નિર્ણય કરશે સાધુ સંતો તેને માન્ય રાખશે. ગત 20 જાન્યુઆરીના રોજ જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢની મુલાકાતે હતા. ત્યારે તેમણે પણ આ અંગે જણાવ્યું હતું કે કોરોના કેસોમાં ઘટાડો થશે અને સ્થિતી સામાન્ય જણાશે તો મંજૂરી આપીશુ અન્યથા સરકાર મંજૂરી નહીં આપે. આમ હાલ શિવરાત્રીના મેળાને લઈને અવઢવની સ્થિતી વચ્ચે મનપાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેથી નજીકના સમયે કોઈ કટોકટી સર્જાય નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news