હાર્દિકને મળવા આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પહોંચ્યા, રાજ્યમાં અનેક સ્થળે હાર્દિકના સમર્થનમાં પ્રતિક ઉપવાસ શરૂ
હાર્દિકને મોટો પોલીસ પહેરો લગાવી નજરકેદ કરાયો હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં રીટ, મળવા આવતા લોકોને ખોટી રીતે હેરાન કરાતા હોવાનું પણ જણાવાયું
Trending Photos
અમદાવાદ/પાટણઃ હાર્દિક પટેલના ઉપવાસનો આજે પાંચમો દિવસ હતો. ડોક્ટરોની તપાસમાં હાર્દિક શારીરિક રીતે થોડો નબળો પડ્યો હોવાનું જણાયું હતું. બુધવારે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પણ હાર્દિકને મળવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું કે, હાર્દિકે જે મુદ્દા ઉપાડ્યા છે તે સીધા પ્રજાને સ્પર્શે છે. બીજી તરફ હાર્દિકના સમર્થનમાં જૂનાગઢ, અરવલ્લી અને ગાંધીનગર સહિત રાજ્યના કેટલાક શહેરોમાં લોકો ઉપવાસ પર બેઠા હતા.
સંજીવ ભટ્ટ મળ્યા હાર્દિકને
આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ બુધવારે હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, હાર્દિક જે મુદ્દા ઉપડ્યા છે તે સીધા પ્રજા સ્પર્શે છે. એમાં સરકાર એ કોઈ બાધા ઉભી ના કરવી જોઈએ. હું અત્યારે અહીં માત્ર હાર્દિક ને મળવા અવ્યો છું. પ્રજા હાર્દિક સુધી અને હાર્દિક પ્રજા સુધી ન પહોંચી શકે એ માટે અહીં 144 લગાવી હોય એવું લાગે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગઈકાલે રજનીશ રાયે રાજીનામુ આપ્યું છે. સરકાર ઈચ્છતી નથી કે સારા અને મજબૂત અધિકારીઓ તેમની સાથે રહો.
સરકારને હાલ સાચું ખોટું જે હોય એની સામે વિરોધ કર્યા વગર હુકમનું પાલન કરતા પોલીસ અધિકરિઓની જરૂર છે.
હાર્દિકના ઘર બહાર લાગેલા પોલીસ પહેરાના મામલે હાઇકોર્ટમાં અરજી
હાર્દિક પટેલ જે સ્થળે ઉપવાસ પર બેઠો છે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ ટૂકડી ઉતારવામાં આવી છે. તેના વિરોધમાં આજે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે, હાર્દિકને તેના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો હોય તેવો સરકારે બંદોબસ્ત ગોઠવ્યો છે. હાર્દિકના ઘરે આવનજાવન કરતા લોકોને કોઈપણ કારણ વગર ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ પહોંચવા નહીં દેવાતી હોવાની ફરિયાદ સાથે અરજીની વહેલી તકે સુનાવણી હાથ ધરવા માગ કરાઈ છે.
હાર્દિકના સમર્થનમાં પાટીદારોના ઉપવાસ
હાર્દિકના સમર્થનમાં રાજ્યમાં કેટલાક સ્થળે લોકોએ ઉપવાસ પર બેસવાની શરૂઆત કરી છે. ગાંધીનગરના ચંદ્રાલા ખાતે પાટીદારો હાર્દીકના સમર્થનમાં ઉપવાસ પર બેઠા હતા. જૂનાગઢના પાદરીયા ગામે પણ પાટીદારોએ ઉપવાસ શરૂ કર્યા છે. ઉપવાસ પર બેસેલા 21 પાટીદારોને મહીલા અને ગ્રામજનોનું પણ સમર્થન મળી રહ્યું છે. આંદોલનને સમર્થન આપવા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા પણ ઈવનગર પહોંચ્યા હતા. બાયડના અરજણવાવની મહિલાઓ અને પુરૂષો પણ ઉપવાસ પર ઉતર્યા છે. ૨૫૦થી વધુ મહિલાઓ અને પુરૂષો ઉપવાસમાં જોડાયા છે.
પાટણમાં પાસનો હોબાળો
હાર્દિકના સમર્થનમાં પાટણમાં પાસના કાર્યકર્તાઓએ ઉપવાસ પર બેસવા માટે મંજૂરી માગી હતી. પોલીસે આ મંજૂરી ન આપતાં પાસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે પોલીસે 15થી વધુ પાસ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે