મન હોય તો માળવે જવાય! પિતા ઊંટગાડી ચલાવતા...સંઘર્ષ કરીને એક પછી એક 12 સરકારી નોકરી અને હવે IPS

Inspirational Story: પરિવાર ખુબ જ સામાન્ય પરિસ્થિતિમાં જીવતો હતો. આવી સ્થિતિમાં તે બાળક મોટું થયું. બાળપણમાં ઘરના પાળતું જાનવરોને ગળામાં સાંકળ બાંધીને તેને ચરાવવાનું કામ આ બાળક કરતો હતો. ધીરે ધીરે બાળકને સમજમાં આવવા લાગ્યું કે જો પરિવારને ગરીબીની ચંગુલમાંથી બહાર કાઢવો હોય તો સરકારી નોકરી કરવી પડશે અને ખુબ મહેનત કરવી પડશે. આ કહાની ખરેખર ખુબ પ્રેરણાદાયક છે. 

મન હોય તો માળવે જવાય! પિતા ઊંટગાડી ચલાવતા...સંઘર્ષ કરીને એક પછી એક 12 સરકારી નોકરી અને હવે IPS

રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં પડતા રાયસર નામના નાનકડા ગામમાં 3 એપ્રિલ 1988ના દિવસે એક બાળકનો જન્મ થયો. પિતા ઊંટગાડી ચલાવતા હતા અને લોકોનો સામાન ઊંટ પર લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતા હતા. તેના બદલામાં જે પણ મજૂરી મળે તેનાથી તેમનું ઘર ચાલતું હતું. ઘરમાં કેટલાક પાળતું જાનવરો પણ હતા. આમ પરિવાર ખુબ જ સામાન્ય પરિસ્થિતિમાં જીવતો હતો. આવી સ્થિતિમાં તે બાળક મોટું થયું. બાળપણમાં ઘરના પાળતું જાનવરોને ગળામાં સાંકળ બાંધીને તેને ચરાવવાનું કામ આ બાળક કરતો હતો. ધીરે ધીરે બાળકને સમજમાં આવવા લાગ્યું કે જો પરિવારને ગરીબીની ચંગુલમાંથી બહાર કાઢવો હોય તો સરકારી નોકરી કરવી પડશે અને ખુબ મહેનત કરવી પડશે. આ કહાની ખરેખર ખુબ પ્રેરણાદાયક છે. 

તનતોડ મહેનત શરૂ કરી
ત્યારબાદ બાળકે તનતોડ મહેનત શરૂ કરી અને મોટા થઈ અભ્યાસ પૂરો કરીને સરકારી નોકરી માટે તૈયારીઓ શરૂ કરી દીધી. મગજમાં બસ એક ધૂન હતી કે સરકારી નોકરી મેળવીને પરિવારને ઊંચો લાવવો છે. એક દિવસ તેને ખબર પડી કે લેખપાલ (પટવારી) ભરતી માટેના ફોર્મ બહાર પડ્યા છે.  યુવાન એ ફોર્મ ભરીને પરીક્ષા આપી આવ્યો અને પસંદગી પણ પામ્યો. પરંતુ તેને તો હજું કઈક મેળવવું હતું. ત્યારબાદ શરૂ થઈ વિશ્વની અઘરી ગણાતી પરીક્ષાઓમાંથી એક પરીક્ષાની તૈયારી....

એક પછી એક સરકારી નોકરી
પટવારી બન્યા બાદ યુવકે નોકરી દરમિયાન જ બીજી સરકારી નોકરીઓ માટે પ્રયત્નો કર્યા અને આ રીતે જોત જોતામાં માત્ર 6 વર્ષમાં 12 અલગ અલગ સરકારી વિભાગોની પ્રવેશ પરીક્ષાઓ ક્વોલિફાય પણ કરી. ત્યારબાદ વર્ષ 2015માં યુપીએસસીની પરીક્ષા આપી. પરિણામ જાહેર થયું તો બધા મોઢામાં આંગળા નાખી ગયા કારણ કે આ યુવકે સમગ્ર દેશમાં 170મો રેંક મેળવ્યો. આઈપીએસ રેંક માટે પસંદગી થઈ. પાળતું જાનવરો ચરાવનારા બાળકથી લઈને આઈપીએસ અધિકારી સુધીની સફર કરનારા આ યુવકનું નામ છે પ્રેમસુખ ડેલુ જે હાલ ગુજરાતના જામનગરમાં એસપીના પદે તૈનાત છે. 

કરિયર
પ્રેમસુખ  ડેલુએ બીજા પ્રયત્નમાં યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી. આ અગાઉ પટવારી પદે હતા ત્યારે તેમણે અન્ય કેટલીક સરકારી નોકરીઓ માટેની પરીક્ષા પણ પાસ કરી હતી. જેમાં રાજસ્થાન સરકાર દ્વારા આયોજિત ગ્રામ સેવક પરીક્ષામાં બીજુ સ્થાન મળ્યું. ત્યારબાદ તેમની પસંદગી રાજસ્થાન પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર પદે થઈ. જો કે તેણે નોકરી જોઈન કરી નહીં અને રાજસ્થાન સહાયગ કારાગાર પરીક્ષા પાસ કર્યા બાદ આસિસ્ટન્ટ જેલર તરીકે નિયુક્ત થયા. બાદમાં તેમની પસંદગી તહસીલદાર અને પછી કોલેજના લેક્ચરર તરીકે પણ થઈ. પરંતુ તેમણે તે છોડીને એક સ્કૂલ લેક્ચરર તરીકે શિક્ષણ વિભાગમાં જવાબદારી સંભાળી. 

મોટી બહેન નથી ગઈ શાળાએ
હિંમત, મજબૂત ઈચ્છાશક્તિ અને મહેનતના દમ પર પ્રેમસુખ ડેલુએ એ મુકામ હાંસલ કર્યો જેની ચર્ચા આજે સમગ્ર દેશમાં થાય છે. તેમની સાથે આર્થિક મુશ્કેલીઓનો પહાડ હતો પરંતુ તેમનો જુસ્સો તેનાથી પણ બુલંદ હતો. તેમના માતા પિતા વધુ ભણેલા ગણેલા નહતા. મોટી બહેને તો ક્યારેય શાળા પણ નથી જોઈ. પરંતુ પ્રેમસુખે પોતાની મંજિલ નક્કી કરી અને તેના પર સતત દોડતા મંજિલ મેળવી. આઈપીએસ બન્યા બાદ તેમને ગુજરાત કેડર મળી અને તેમનું પહેલું પોસ્ટિંગ અમરેલીમાં એસપી પદે થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news