ગુજરાતમાં ડ્રગ્સ, હથિયારો બાદ હવે વિસ્ફોટકોની ભરમાર, કરોડોનાં કેમિકલની ચોરી થઇ ગઇ પણ...
Trending Photos
વાપી : જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાંથી બે દિવસ અગાઉ અંદાજે દોઢ કરોડથી પણ વધુની કિંમતના કીમતી કેમિકલની થયેલી ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. વલસાડ જિલ્લા એલ. સી.બી પોલીસે ગણતરીના સમયમાં જ વાપીની રીકટર થેમિસ મેડીકેર કંપનીમાંથી થયેલી કરોડોની કિંમતના કેમિકલ ચોરીના ગુનામાં 9 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી એક કરોડ 8 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
વલસાડ એલસીબી પોલીસે ગણતરીના સમયમાં જ કંપનીઓમાં કીમતી કેમિકલની ચોરી કરતી ગેંગને ઝડપી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાપી જીઆઇડીસીમાં આવેલી રિકટર થેમિસ મેડીકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બે દિવસ અગાઉ રૂપિયા એક કરોડ 60 લાખ 54 હજારની કિંમતના 56 કિલોથી વધુની કીમતનું પેલેડિયમ કેમિકલ ચોરી થયું હતું. કંપનીમાંથી અતિકિંમતી કેમિકલ ચોરીની જાણ થતાં જ કંપની સત્તાધીશોએ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફાર્મા કંપનીમાં રો મટીરીયલ તરીકે વપરાતું પેલેડિયમ કેટાલિસ્ટ નામનું આ કેમિકલ ખૂબ જ કીમતી હોય છે. જો તે ખોટા હાથમાં પડી જાય તો અત્યંત ઘાતક પણ સાબિત થઈ શકે છે. આ કેમિકલ વિસ્ફોટક તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. સમગ્ર ઘટનાની ગંભીરતા જોતાં વલસાડ એલસીબી પોલીસે તમામ દિશામાં તપાસ તેજ કરી અને આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા હતા.
પોલીસને ગણતરીના દિવસોમાં જ સફળતા મળી છે. વલસાડ એલસીબી પોલીસે આ મામલે 9 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી એક કરોડ આઠ લાખથી વધુની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં કંપનીમાંથી ચોરી થયેલા 27 કિલો પેલેડિયમ કેમિકલ, 26 લાખ 37 હજાર રૂપિયા રોકડા, 10 મોબાઈલ, 2 કાર અને મોપેડ મળી અંદાજે એક કરોડ આઠ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં પોલીસને સફળતા મળી છે.
આરોપીઓની ધરપકડ બાદ પોલીસે કરેલી આગવી ઢબે પુછપરછમાં અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. જેમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં રાજકુમાર રાજપૂત અને પ્રમોદકુમાર સિંગ રાજપૂત તથા નરેન્દ્ર ભાનસિંગ નામના આરોપીઓ આ કંપનીમાં જ કામ કરતા હતા. તેઓ જાણતા હતા કે, કંપનીમાં વપરાતું પેલેડિયમ કેમિકલ ખૂબ જ કીમતી છે. આથી તેમના અન્ય સાગરિતો સાથે મળી અને કંપનીમાંથી આ કેમિકલ ચોરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓએ આ કેમિકલ ચોરી કરવા અગાઉથી ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો હતો. જે અંતર્ગત એક દિવસ અગાઉ જ આરોપીઓએ કંપનીમાં પેલેડિયમ કેટલિસ્ટ કેમિકલના સ્ટોર રૂમના તાળા જ બદલી નાખ્યા હતા. તેની ચાવી ચોરી લીધી હતી. આથી તેઓ કંપનીમાં ઘુસી અને સરળતાથી પેલેડિયમના સ્ટોર રૂમ સુધી પહોંચી અને ચોરવામાં સફળ રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે