ભાવનગર શહેરમાં મેયરના વોર્ડમાં ત્રણ મહિનાથી રસ્તાનું કામ અધુરૂ, લોકોની મુશ્કેલીમાં વધારો

શહેરનાં ચિત્રા-ફૂલસર વોર્ડમાં આવતા આ વિસ્તારમાં કોર્પોરેશને રોડ બનાવવાની કામગીરી શરૂ તો કરી, પણ તંત્ર અધવચ્ચે જ પોતાનું કામ કદાચ ભૂલી ગયું છે.

ભાવનગર શહેરમાં મેયરના વોર્ડમાં ત્રણ મહિનાથી રસ્તાનું કામ અધુરૂ, લોકોની મુશ્કેલીમાં વધારો

નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગર શહેરનાં મેયરના વોર્ડમાં રોડ રસ્તાનાં કામ છેલ્લા ત્રણ મહિનાથી લટકી રહ્યા છે. રોડ બનાવવા સમગ્ર વિસ્તારમાં ખોદકામ કરી દેવાયું. પણ ત્રણ મહિનાથી રોડ ન બનતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

આ દ્રશ્યો છે ભાવનગર શહેરની હદમાં આવતા નારી ગામનાં. શહેરનાં ચિત્રા-ફૂલસર વોર્ડમાં આવતા આ વિસ્તારમાં કોર્પોરેશને રોડ બનાવવાની કામગીરી શરૂ તો કરી, પણ તંત્ર અધવચ્ચે જ પોતાનું કામ કદાચ ભૂલી ગયું છે.

ગામની અંદર રસ્તા બનાવવા દિવાળીનાં બે મહિના પહેલા જૂના રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું હતું. તંત્રએ લોકોને ખાતરી આપી હતી કે રસ્તાનું કામ દિવાળી પહેલા જ પૂરું કરી દેવાશે, જો કે કામ પૂરા કરવાની જગ્યાએ અધૂરા મૂકી દેવાયા. તેનું પરિણામ તમારી સામે છે. છેલ્લા ત્રણ મહિનાતી લોકો કાચા અને પથરાળ રસ્તાનો ઉપયોગ કરવા મજબૂર છે. વાહન ચલાવવા તો દૂર, આ રસ્તા ચાલવા માટે પણ જોખમી બન્યા છે. રસ્તાની બંને તરફ માટી અને કપચીનાં ઢગલા લાગેલા છે.

તંત્રની બેદરકારી કહો કે કોન્ટ્રાકટરની મરજી લાભ પાંચમ પછી પણ રસ્તાનું કામ હજુ ચાલુ નથી કરાયું. નવાઈની વાત તો એ છે કે ચિત્રા ફુલસર અને નારી વોર્ડના ચાર કોર્પોરેટરમાંથી એક તો ખુદ ભાવનગર શહેરનાં મેયર છે. ચારમાંથી ત્રણ કોર્પોરેટર શાસક પક્ષ ભાજપનાં છે, છતા સ્થાનિકો સાથે સત્તાપક્ષ જાણે ઓરમાયું વર્તન રાખે છે. કોંગ્રેસનાં કોર્પોરેટર કાંતિ ગોહિલનું માનીએ તો અનેક વખત રજૂઆત છતા સત્તાધીશો તેમની વાત સાંભળતા નથી. 

રોડનાં અધૂરા કામ બાબતે અમે જ્યારે મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સવાલ કર્યો તો તેમણે દિવાળીના સમયનો હવાલો આપ્યો. કામ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એવો પણ તેમણે દાવો કર્યો હતો.

સાંભળ્યું તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે કે લોકોની સગવડ માટે દિવાળીમાં રોડનાં કામ બંધ કર્યા હતા. જો કે લોકોની ફરિયાદો કંઈક ઓર છે. કોર્પોરેશન માટે દિવાળી ક્યારે પૂરી થશે એ તો તંત્ર પોતે જ જાણે છે. કેમ કે રોડનું કામ પૂરું કરવા કોઈ સમયમર્યાદા નથી જણાવાઈ. જોવું એ રહેશે કે સાત વર્ષ પહેલા મનપામાં સમાવાયેલા નારી ગામને પાકા રસ્તા ક્યારે મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news