ઘરના ઘરનું સપનું રહી જશે અધુરૂ, અમદાવાદમાં 40 ટકા સુધી વધી જશે મકાનોની કિંમત, બિલ્ડરો પણ મુંઝાયા
ગુજરાતમાં રાજ્ય સરકાર નવા જંત્રીદર લાગૂ કરવા ઈચ્છે છે. તે માટેના સૂચિત જંત્રીભાવ જાહેર કરી દેવામાં આવ્યા છે. પરંતુ જો નવી જંત્રી લાગૂ થશે તો લોકોના ઘર લેવાના સપનાને ઝટકો લાગી શકે છે. નવા જંત્રીદરને કારણે અમદાવાદ જેવા શહેરોમાં મકાનોની કિંમતમાં 30-40 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
Trending Photos
Jantri Rates Gujarat : 1 એપ્રિલ, 2025 થી નવી જંત્રીના ભાવ અમલમાં આવશે. આ કારણે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે. મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે. નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં 100 થી 200 ટકાનો વધારો થશે. નવી જંત્રી મુજબ, બમણા કે ત્રણ ગણા ભાવ ચૂકવવા પડશે. ત્યારે સરકારે એકાએક જંત્રીના ભાવમાં વધારો કરતા બિલ્ડર્સ અને ડેવલપર્સ મૂંઝાયા છે. આ મામલે ક્રેડાઈ દ્વારા રાજ્ય સરકારે જાહેર કરેલી પ્રસ્તાવિત જંત્રી મામલે સવાલો ઉઠાવાયા છે.
વધી જશે મકાનોની કિંમત
નવા જંત્રીદરમાં જો ઘટાડો નહીં થાય તો ક્રેડાઈ સહિત અમદાવાદના બિલ્ડરો કોર્ટમાં પણ જઈ શકે છે. ક્રેડાઈ અને બિલ્ડરોએ કહ્યું કે નવા જંત્રી દરને કારણે મકાનોની કિંમતમાં 35થી 40 ટકાનો વધારો થઈ શકે છે. જે લોકોએ ઘર નોંધાવી દીધા છે પરંતુ હજુ દસ્તાવેજ બન્યો નથી તેને ખૂબ મોટી અસર થવાની છે. આ સાથે ક્રેડાઈએ કહ્યું કે જો સૂચિત જંત્રીદર લાગૂ કરવામાં આવશે તો ઘરનું ઘર લેવાનું લોકોનું સપનું માત્ર સપનું બનીને રહી જશે.
ક્રેડાઈ/ગાહેડ અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું કે, 2011 માં જંત્રી આવતી હતી, તેના બાદ 12 વર્ષ સુધી કોઈ જ વધારો કરાયો ન હતો. ડેવલપમેન્ટને ધ્યાને રાખી ક્રેડાઈ દ્વારા સરકારને સુચનો કરતા આવ્યા છે. માર્ચ 2023 માં એક સરપ્રાઈઝ તરીકે જંત્રી ડબલ કરવાની જાહેરાત કરાઈ. ત્યારે પણ ક્રેડાઈએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. હવે 12 વર્ષ પછીવૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરી જંત્રીમાં સુધારો કરવાની વાત સરકારે કરી છે. એપ્રિલ 2023 થી અત્યાર સુધી સરકારે સર્વે કર્યો અને 20 નવેમ્બર 2024 એ સૂચિત જંત્રી જાહેર કરી. અમે મુખ્યમંત્રીને મળીને રજુઆત કરી હતી કે રાજ્યમાં 40000 વેલ્યુ ઝોન આવેલા છે. અનેક પ્રકારની જમીનના મુદ્દા રાજ્યના ખેડૂતોથી લઇ તમામને લાગુ પડે છે.
જંત્રી મામલે બિલ્ડર લોબી સરકાર સામે પડી, જંત્રીને લઈને ક્રેડાઈ પ્રમુખે આપ્યું નિવેદન...#ahmedabad #gujarat #gujaratnews #zee24kalak pic.twitter.com/56P13HT0c4
— Zee 24 Kalak (@Zee24Kalak) December 3, 2024
નવી જંત્રીમાં બિલ્ડર્સ પણ મૂંઝવાયા
તેમણે આગળ કહ્યું કે, સરકારે પોતે દોઢ વર્ષ લીધું પણ જનતાને સૂચનો માટે ફક્ત 1 મહિનો આપ્યો. હાલની સૂચિત જંત્રીમાં અમારા સર્વે મુજબ 200 ટકાથી લઈને 2000 ટકા સુધીનો સરેરાશ વધારો કરાયો હોવાનું લાગે છે. વિકાસ અને સમય મુજબ જંત્રી વધવી જોઈએ એ અમે પણ માનીએ છીએ, પણ એક ઝાટકે આટલો વધારો સ્વીકાર્ય નથી. સરકારે પોતે રીવ્યુ કરવા દોઢ વર્ષ લે છે અને પ્રજાને 1 મહિનો આપે છે. 31 માર્ચ 2025 સુધી અમને રીવ્યુ કરવાનો સમય આપો એવી માંગ છે. ઓનલાઇન રીવ્યુનો વિક્લપ યુઝર ફ્રેન્ડલી નથી, અનેક ટેક્નિલ ક્ષતિઓ આવી રહી છે. અમદાવાદ જેવા મહાનગરમાં અમારા જેવા શિક્ષિત લોકોએ અનેક મુશ્કેલીઓ પડી રહી છે, તો ગ્રામીણ વિસ્તારમાં લોકો આ સૂચનો કરી જ નહીં શકે. માટે ઓફલાઈન પદ્ધતિથી વાંધા સૂચનો સ્વીકારવામાં આવે એવી પણ માંગ છે. મામલતદાર અને કલેકટર કચેરીએ લેખિતમાં વાંધા સૂચનો સ્વીકારવા જોઈએ. સૂચિત જંત્રી મામલે અમે પણ હજી સંપૂર્ણ અભ્યાસ કરવો શક્ય નથી. માટે આ જંત્રીનો સ્વીકાર કોઈપણ કાળે સ્વીકાર્ય નથી. અમલ કરવા માટેનું એક્સટેનશન સરકાર અમને આપે. અને ઓફલાઈન વાંધા સૂચન સ્વીકારવાનો વિકલ્પ આપે. વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે થવો જોઈએ, હાલ કયા ધારાધોરથી જંત્રી જાહેર કરાઈ એનો અમને પણ અંદાજ નથી આવતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે