IELTS બોગસ બેન્ડ સર્ટિફિકેટ કેસના તાર અમદાવાદ સુધી, 45 લોકો સામે ફરિયાદ દાખલ

પોલીસની તપાસમાં આખું કૌભાંડ અમદાવાદના સાબરમતી ખાતે આવેલ પ્લેનેટ ઇડિયું નામની IELTS ની પરીક્ષા લેતી સંસ્થા દ્વારા આચરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી છે

IELTS બોગસ બેન્ડ સર્ટિફિકેટ કેસના તાર અમદાવાદ સુધી, 45 લોકો સામે ફરિયાદ દાખલ

તેજસ દવે, મહેસાણા: બહુચર્ચિત IELTS બોગસ બેન્ડ સર્ટિફિકેટ મામલે આખરે મહેસાણા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહેસાણા પોલીસ દ્વારા આ મામલે છેલ્લા 6 માસથી તપાસ ચાલી રહી હતી અને 900 કરતા વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા. તપાસને અંતે પોલીસ દ્વારા મામલે 45 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

પોલીસની તપાસમાં આખું કૌભાંડ અમદાવાદના સાબરમતી ખાતે આવેલ પ્લેનેટ ઇડિયું નામની IELTS ની પરીક્ષા લેતી સંસ્થા દ્વારા આચરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી છે. અંગ્રેજીમાં ઢ છતાં લાખો રૂપિયા આપો અને IELTS માં 6 થી 8 બેન્ડ મેળવો. તમને સવાલ થશે કે આવું તો કેવી રીતે શક્ય છે. કારણ કે IELTS ની પરીક્ષા પાસ કરવા અંગ્રેજી આવડતું હોવું જરૂરી છે. પણ અમેરિકન એમ્બેસીથી 6 માસ પૂર્વે મહેસાણા એસપી ઉપર આવેલ એક ઇમેઇલને કારણે આખા આ કૌભાંડનો પર્દાફાશ થયો છે.

મહેસાણાના અમિત ચૌધરી સાથે મળી પરીક્ષા લેતી સંસ્થા દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની હકીકત હાલ પ્રકાશમાં આવી છે. તો બીજી તરફ આ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ શખ્સની પણ મહેસાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તો 17 લોકો બોગસ સર્ટિફિકેટના માધ્યમથી વિદેશ ગયા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પ્લેનેટ ઇડિયું પરીક્ષા સ્થળે અમિત ચૌધરીની મદદથી ડમી વિધાર્થી બેસાડી પરીક્ષા પાસ કરાવી દેતી હતી અને આ માટે લાખો રૂપિયાની રકમ વસુલ કરવામાં આવતી હતી.

અમદાવાદ ખાતે કાર્યરત પ્લેનેટ ઇડીયું નામની સંસ્થા વિવિધ હોટલ અને ખાનગી સ્થળે પરીક્ષા યોજતી હતી. આ પરીક્ષામાં એવા વિધાર્થીઓને પાસ કરી દેવાયા છે કે જેમને અંગ્રેજી બોલતા કે લખતા પણ નથી આવડતું. આ માટે પ્લેનેટ ઇડીયું મહેસાણાના અમિત ચૌધરી નામના વ્યક્તિ સાથે મળી એવા વિધાર્થી શોધતી હતી કે જે અંગ્રેજીમાં ઢ હોય પણ વિદેશ જવા માંગતા હોય. આ માટે ખોટા સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવતા અને તેવા વિધાર્થીને બદલે અન્ય ડમી વિધાર્થી બેસાડી પરીક્ષા પાસ કરાવી દેવામાં આવતી હતી.

મહેસાણા પોલીસ આ મામલે છેલ્લા લાંબા સમયથી તપાસ ચલાવી રહી હતી અને 900 કરતા વધુ લોકોના આ મામલે નિવેદન પણ લેવામાં આવ્યા હતા. હાલમાં 45 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો પોલીસ દ્વારા સમગ્ર કેસમાં ત્રણ શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં સની પટેલ- ઇન્વિઝીલેટર, ગોકુલ મેનન- રાઇટર, સાવન ફર્નાન્ડિઝ- રાઇટરની ધરપકડ કરાઈ છે.

આ આખા કૌભાંડમાં મુખ્ય સંડોવણી અમદાવાદની પ્લેનેટ ઇડીયુંની હોવાનું હાલ સામે આવ્યું છે. તપાસમાં હજુ પણ વધુ લોકોની આ કેસમાં સંડોવણી ખુલી શકે છે. તો બીજી તરફ ગેરકાયદે બોગસ સર્ટિફિકેટના માધ્યમથી વિદેશ ગયેલા લોકોને પણ પરત લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news