માલેતુજાર પરિવારના નબીરાઓને રોડ પર રેસ લગાવવાનું લાયસન્સ કોણે આપ્યું? હિટ એન્ડ રનના CCTV મળ્યા

માલેતુજાર પરિવારના નબીરાઓને રોડ પર રેસ લગાવવાનું લાયસન્સ કોણે આપ્યું? હિટ એન્ડ રનના CCTV મળ્યા
  • આ ઘટનાથી ફરી એકવાર વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસની યાદ તાજી થઈ 
  • આઈ 20 કારના ચાલકે બીજી કારની આગળ જવા ફૂટપાથ સુધી કાર લઈ ગયો હતો અને ફૂટપાથ પર સૂતેલા લોકો પર ગાડી ચઢાવી દીધી
  • રાત્રિ કરફ્યૂમાં કેટલાક નબીરાઓએ લગાવેસી રેસ એક પરિવાર માટે જીવલેણ સાબિત થઈ છે. નબીરાઓની રેસને કારણે એક શ્રમજીવી પરિવાર વિખેરાયો

આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદમાં ફરી એકવાર માલેતુજાર પરિવારના નબીરાઓએ એકનો ભોગ લીધો છે. અમદાવાદના બહુચર્ચિત વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ બાદ વધુ એક સનસનાટીભર્યો હિટ એન્ડ રન (hit and run) નો બનાવ બન્યો છે. રાત્રિ કરફ્યૂમાં કેટલાક નબીરાઓએ લગાવેસી રેસ એક પરિવાર માટે જીવલેણ સાબિત થઈ છે. નબીરાઓની રેસને કારણે એક શ્રમજીવી પરિવાર વિખેરાઈ ગયો છે, એક મહિલાનું મોત થયું, અને બાળકો માતા વિનાના બન્યા. 

અમૂલ પાર્લરમાં લાગેલા સીસીટીવીમાં આખો અકસ્માત કેદ થયો 
અમદાવાદનો શિવરંજની પરિવાર હિટ એન્ડ રનના બનાવથી હચમચી ઉઠ્યો છે. મોડી રાત્રે પોતાના ઝૂપડામા સૂઈ રહેલા શ્રમજીવી પરિવાર પર રેસ લગાવનાર નબીરાઓએ કાર ફેરવી હતી. જેમાં એક મહિલાનું મોત નિપજ્યુ છે. સાથે જ ચાર જણા ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમા બે બાળકોનો પણ સમાવેશ થાય છે. શિવરંજની વિસ્તારમાં બનેલા આ હિટ એન્ડ રનના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે રાત્રે 12.46 કલાકે બનેલા બનાવની એક એક વિગત સામે આવી છે. બે ગાડી રેસ લગાવતા હોવાનુ CCTV માં સ્પષ્ટ દેખાયુ છે. જેમાં આઈ 20 કારના ચાલકે કાબુ ગુમાવી દેતા ફૂટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવાર પર કાર ચડાવી હતી. એટલુ જ નહિ, લોકોને પોતાની ગાડીના પૈડા તળે કચડીને કાર ચાલક ભાગતો હોવાનું પણ દેખાઈ રહ્યુ છે. 

રેસની લ્હાયમાં કારચાલક ફૂટપાથ સુધી કાર લઈ ગયો અને પરિવારને કચડી નાંખ્યો 
મોડી રાત્રે બનેલા અકસ્માત બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસના દોર શરૂ કર્યાં છે. જ્યા આ બનાવ બન્યો તેની બાજુમા આવેલ અમૂલ પાર્લરના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવ્યા છે. જેમાં બનાવની આખી ઘટના કેદ થઈ છે. સીસીટીવીમાં દેખાયુ કે, બે ગાડી ઈસ્કોનથી શિવરંજની તરફ ફૂલસ્પીડમાં આવી રહી હતી. જેમાં આઈ 20 કારના ચાલકે બીજી કારની આગળ જવા ફૂટપાથ સુધી કાર લઈ ગયો હતો અને ફૂટપાથ પર સૂતેલા લોકો પર ગાડી ચઢાવી દીધી હતી. રાત્રે 12.46 વાગ્યાની આ ઘટના છે. 

ઓલા ડ્રાઈવરે માનવતા દાખવી 
સમગ્ર બનાવમાં નબીરાઓ તો ત્યા કાર મૂકીને ફરાર થઈ ગયા હતા, પરંતુ એક ઓલા ડ્રાઈવરે માનવતા દાખવી હતી. નબીરાઓની કાર પાછળ ઈસ્કોનથી આવી રહેલા એક ઓલા ડ્રાઈવરે અકસ્માત પોતાની નજરે જોયો હતો. તેથી તેણે ગાડી ઉભી રાખીને 108 ને બોલાવી હતી. સાથે જ પોલીસને પણ જાણ કરી હતી. 

રેસના શોખે પરિવારને કચડી નાંખ્યો 
આ ઘટનાથી ફરી એકવાર વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસની યાદ તાજી થઈ છે. માલેતુજાર પરિવારના નબીરાઓએ ફરી એકવાર અમદાવાદના રસ્તાઓ પર મોતને દસ્તક આપી છે. નબીરાઓના રેસ કરવાના શોખે શ્રમજીવી પરિવારને કચડી નાંખ્યો છે. માલેતુજાર પરિવારના નબીરાઓને રોડ પર રેસ લગાવવાનું લાયસન્સ કોણે આપ્યું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news