કાળઝાળ ગરમીની અસર 108 ઈમરજન્સી સેવા પર પણ જોવા મળી, 5 દિવસ રહેશે હીટવેવ
સામાન્ય દિવસોની તુલનામાં 108ને મળતા કોલમાં થયો વધારો, બપોરે 3.30 કલાક સુધી અમદાવાદમાં 100થી વધુ અને રાજ્યભરમાં 400થી વધુ કોલ આવ્યા, રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો, આગામી 26થી 29 એપ્રિલ સુધી રાજ્યમાં હીટ વેવ રહેવાની હવામાન ખાતાની આગાહી
Trending Photos
ગાંધીનગરઃ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હીટ વેવ રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. રાજ્યમાં આજે શુક્રવારે 14 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો હતો અને ચાર શહેરમાં તો રાજ્યમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગરમીમાં શેકાઈ રહેલા લોકો તંત્ર દ્વારા કામ ન હોય તો બપોરના સમયે બાહર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે. આ સાથે જ લોકોને વધુ પાણી પીવા માટે પણ તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. હીટવેવની અસર હોસ્પિટલ અને ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 108માં પણ જોવા મળી રહી છે. હોસ્પિટલમાં સામાન્ય રીતે રોજના 650 કેસ આવતા હોય છે, પરંતુ તેની સામે શુક્રવારે 850થી વધુ કેસ તાત્કાલિક સારવાર માટે આવ્યા હતા.
એ જ રીતે ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 108ને મળતા કોલની સંખ્યામાં પણ શુક્રવારે વધારો જોવા મળ્યો છે. 108ને બપોરે 3.30 સુધી અમદાવાદમાંથી 100થી વધુ કોલ મળ્યા હતા, જ્યારે રાજ્યમાં કુલ મળીને બપોરે 3.30 સુધી 410 કોલ મળ્યા છે. આ કોલમાં બેભાન થઈ જવાના 70 કેસ, ઉલ્ટીના 38, છાતીમાં દુખાવાના 55, પેટમાં દુખાવાના 96, ડીહાઇડ્રેશનના 36 કેસ નોંધાયા છે.
14 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર
શુક્રવારે રાજ્યના 14 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો હતો. તેમાં પણ ગાંધીનગર, અમદાવાદ, બોટાદ અને ભરૂચમાં રાજ્યનું સૌથી ઊંચું 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાએ 26 એપ્રિલથી 29 એપ્રિલ સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું.
શહેર તાપમાન (ડિગ્રી સે.)
ગાંધીનગર 43
અમદાવાદ 43
બોટાદ 43
ભરૂચ 43
આણંદ 42
ભૂજ 42
ધોળકા 42
રાજકોટ 42
ભાવનગર 41
ધ્રાંગધ્રા 41
દાહોદ 41
સુરત 41
અમરેલી 40
અંજાર 40
ગાંધીધામ 40
વડોદરા 40
પશુપાલન વિભાગે ગરમીના કારણે દૂધના ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરી
રાજ્યમાં હિટવેવની વ્યાપક અસરોના પગલે પશુપાલન નિયામક દ્વારા પશુપાલકો માટે વિશેષ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. પશુપાલન નિયામક એ.જે. કાછીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં પડી રહેલા હીટવેવની અસર માનવીની સાથે-સાથે અબોલ પશુઓ પર પણ થતી હોય છે. દૂધાળા પશુઓ ગરમીના કારણે ઓછું દૂધ આપતા હોય છે. ગરમીની સ્થિતિમાં પશુઓ માટે પણ છાંયડા, પાણી અને લીલા ઘાસચારાની વિશેષ વ્યવસ્થા કરવી જોઈએ.
- પશુઓને છાંયડામાં રાખવા, શેડના પતરા પર ઘઉંના પુડા નાખી તાપમાન જાળવવા પ્રયત્ન કરવો
- પશુઓને સતત પુરતું સ્વચ્છ ઠંડુ પાણી આપવું
- પશુઓને ઠંડકના સમયે સવારે કે સાંજે ખોરાક આપવો
- ઉત્તમ પ્રકારના લીલો ઘાસચારો આપવો
- ખોરાકમાં પ્રોટીન અને ફેટનો ઉપયોગ કરવો
- દૈનિક મિનરલ મિક્સ 75-80 ગ્રામ તથા મીઠુ 20-25 ગ્રામ આપવું
- પશુઓના શેડમાં એરકુલર, પાણીના ફુવારા મુકાવા, પશુઓ પર પાણીનો છંટકાવ કરવો
- પશુઓને લુ લાગવાના કિસ્સામાં નજીકના પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે