આ વર્ષે નવરાત્રિમાં 'અંગદાનનો ગરબો' ધૂમ મચાવશે! પ્રસિદ્ધ ગીતકાર મનુભાઈ રબારીએ લખ્યો
રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે, અંગદાનનો ગરબો લૉન્ચ થતાં આ વર્ષની નવરાત્રિમાં અંબાની ભક્તિ સામાજિક સેવાના સંકલ્પની શક્તિ પ્રદાન કરશે.
Trending Photos
મૌલિક ધામેચા/ગાંધીનગર: નવરાત્રી પર્વ પર લોકો વિવિધ અવનવા ગરબાના તાલે ઝૂમતા હોય છે. ત્યારે કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે મોટા પાયે નવરાત્રીનું આયોજન થવા જઇ રહ્યું છે. ત્યારે આ વર્ષે લોકો અંગદાન સહિત વિવિધ અનવના ગરબા સાથે ઝૂમતા જોવા મળશે. જે ગરબાનું લોન્ચિંગ સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે કર્યું. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન માટે અનોખો પ્રયાસ કરાયો જેમાં ગીતકાર મનુ રબારી એ ગીત લખ્યું છે.
સિંગર કિંજલ રબારીની મદદથી એક અંગદાન પર ગરબો બનાવવામાં આવ્યો. જે ગરબા ની આ વર્ષે નવરાત્રીમાં રમઝટ જોવા મળશે.મહત્વનું છે કે વર્ષ 2021 માં ગુજરાતમાં 70 અંગદાન થયા જ્યારે ચાલુ વર્ષે ગુજરાતમાં 112 અંગદાન થયા તો અમદાવાદ સિવિલમાં ચાલુ વર્ષે 82 અંગદાન થયા છે . મીડિયા સમક્ષ આ અંગે હર્ષ સંઘવી એ કહ્યું કે અંગદાન આજના સમયનું સૌથી મોટું કાર્ય છે. અંગ સાચા સમયે મળે તો જીવ બચાવવાનું કાર્ય થાય. અને અનેક દાખલા જોયા કે આ ભગીરથ કાર્ય રાજ્યમાં શરૂ થયું.
દેશમાં આપણું રાજ્ય અંગદાનમાં અવવલ નંબર પર છે. ડૉક્ટર સાથે સામાજિક આગેવાનો સારું કામ કરે છે. પોલીસ ને પણ અભિનંદન કે ગ્રીન કોરિડોર બનાવી અંગ સમયસર પહોંચાડી રહ્યા છે. 6 મિનિટમાં એરપોર્ટથી સિવિલ પહોંચાડે જે આપણે ત્યાં થાય. તેમજ 50 થી વધુ ગ્રીન કોરિડોર બનાવી અંગ પહોંચાડ્યા. લોકો અંગદાન પ્રત્યે વધુ જાગૃત બને. અંગદાન ગરબા પર રમે ત્યાં લોકો શપથ પણ લે જેથી વધુ અંગદાન થાય અને વધુ લોકોના જીવ બચાવી નવું જીવન આપી શકાય
ગૃહ, રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અંગદાનનો ગરબો લૉન્ચ કરવામાં આવ્યો હતો. રાજ્ય મંત્રી મૂકેશ પટેલ અને અંગદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ (દાદા) પણ આ ક્ષણે જોડાયા હતા.
રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે, અંગદાનનો ગરબો લૉન્ચ થતાં આ વર્ષની નવરાત્રિમાં અંબાની ભક્તિ સામાજિક સેવાના સંકલ્પની શક્તિ પ્રદાન કરશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હવે અમદાવાદ સિવાયના લોકેશનમાં પણ અંગદાન વધ્યા છે. આ ભગીરથ કાર્યમાં આપણું રાજ્ય આગળ આવ્યું છે. ગુજરાત પોલીસને અભિનંદન આપું છે કે ગ્રીન કોરિડોર આપી અંગદાન માટે મદદરૂપ બને છે. 50 થી વધુ ગ્રીન કોરિડોર ગુજરાત પોલીસે લોકોના નવજીવન માટે આપ્યા છે. દિલીપ દાદા પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી આ મુહિમ શરૂ કરાવી છે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, મનુભાઈ રબારી ને અભિનંદન આપું છે કે ગરબાથી પગ થનગને છે એટલે આ ગીતના માધ્યમથી ભક્તિની સાથે સેવાનું કાર્ય કરે છે. આગામી નવરાત્રીમાં સોસાયટી સુધી આ ગરબો પહોંચાડી અંગદાન અંગે સપથ લેવડાવો.
રાજ્યમાં ચાલી રહેલા આંદોલન અંગે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, માંગણીઓને લઈ ચર્ચા હાલ ચાલી રહી છે. હાલ કર્મચારીઓ લેવાયેલા નિર્ણયોનું અધ્યયન કરે, એમને સંતોષ થશે. જ્યારે માજી સૈનિકોની માંગણી જમીનોને લઈ છે, તો યોગ્ય સમય મર્યાદા પૂર્ણ થશે.
અંગદાનની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ દાદા અને સરકારની અથાગ મહેનત, પરિશ્રમ અને પ્રયાસોથી આજે અંગદાનની કામગીરી સમગ્ર રાજ્યમાં વેગવંતી બની છે. મરણપથારીએ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા જરૂરિયાતમંદ પીડિત દર્દીને અંગદાન થકી નવજીવન મળી રહ્યું હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું. જેના પરિણામે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ વર્ષમાં 90થી વધુ અંગદાન થયા છે.
આ પ્રસંગે મંત્રીએ અંગદાનની કામગીરી સફળ બનાવનાર તબીબો, અંગદાતા પરિવારો, સામાજિક કાર્યકર્તાઓ, ગુજરાત પોલીસને સહર્ષ શુભેચ્છાઓ આપી હતી. ગ્રીન કોરિડોરના સફળ વ્યવસ્થાપનના પરિણામે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ સુધી માત્ર 6 મિનિટમાં અંગોને સફળતાપૂર્વક પહોંચાડવાની ઐતિહાસિક કામગીરી કરવામાં આવતી હોવાનું જણાવી અંગદાનમાં મળેલા અંગોને વીવીઆઈપી કરતા પણ વધુ ઝડપે એરપોર્ટ સુધી પહોંચાડવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગીતકાર અને કમ્પોઝર મનુભાઈ રબારીના સંકલનથી તૈયાર કરવામાં આવેલ અંગદાનનો ગરબો ઉમંગ, ઉત્સાહ સાથે લોકોમાં અંગદાનની પ્રેરણા વધારવા સાર્થક સાબિત થશે. અંગદાન ઉપર લખાયેલ ગરબાના શબ્દો લોકોને અંગદાન માટે જાગૃત કરીને અંગદાન કરવાની પ્રેરણા આપીને અંગદાન માટે સંકલ્પબદ્ધ બનાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે