હાર્દિક ઉપવાસ આંદોલનઃ સરકાર અને પાટિદાર અગ્રણીઓ વચ્ચે ચાલેલી બેઠક સકારાત્મક

બે કલાકની મેરાથોન બેઠક બાદ પાટિદાર નેતા સી.કે.પટેલે જણાવ્યું કે, સરકાર પાટિદારોના મુદ્દે ચિંતિત છે અને તેનું વલણ હકારાત્મક છે 

હાર્દિક ઉપવાસ આંદોલનઃ સરકાર અને પાટિદાર અગ્રણીઓ વચ્ચે ચાલેલી બેઠક સકારાત્મક

ગાંધીનગરઃ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને મુદ્દે આજે દિવસભર વાતાવરણ ગરમાયેલું રહ્યું હતું. સાંજે પાટીદારોની 6 સંસ્થાઓના અગ્રણી નેતાઓ અને સરકાર વચ્ચે બે કલાકની મેરાથોન બાદ સરકારનું વલણ હકારાત્મક હોવાનું પાટીદાર નેતા સી.કે. પટેલે જણાવ્યું હતું. 

મંગળવારે બપોરે સોલા ખાતે ઉમિયા ફાઉન્ડેશનમાં બેઠક બાદ સાંજે 6 પાટીદાર સંસ્થાઓના અગ્રણી નેતાઓ અને રાજ્ય સરકાર તરફથી ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા, સૌરભ પટેલ અને કૌશિક પટેલ વચ્ચે હાર્દિકના ઉપવાસ આંદોલન અને તેની માગણીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 

આ બેઠક બાદ પાટિદાર અગ્રણી સી.કે. પટેલે જણાવ્યું કે, સરકાર દ્વારા જે બિનઅનામત વર્ગ આયોગ બનાવાયું છે અને તેના માટેની જે વિવિધ યોજનાઓની જાહેરાત કરાઈ છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ યોજનાઓમાં આવક મર્યાદા 3 લાખની છે તેને 6 લાખની કરવા, વય મર્યાદાને વધારે લંબાવવામાં આવે અને યોજાઓમાં જે ખામીઓ રહેલી છે તેને સુધારવા માટે સરકારને સુચન કરવામાં આવ્યા હતા. 

સરકાર તરફથી મંત્રી સૌરભ પટેલના નવેદન બાદ હાર્દિક પટેલે ટ્વીટ કરીને સરકાર પર પ્રહાર કર્યા હતા.

— Hardik Patel (@HardikPatel_) September 4, 2018

સી.કે. પટેલે વધુમાં જણાવ્યું કે, ખેડૂતોના ખેડૂતોના વિવિધ પ્રશ્નોની ચર્ચા થઈ હતી. એકલા દેવા માફી મુદ્દે હજુ કોઈ વિશેષ ચર્ચા થઈ નથી. હાર્દિકના 11 દિવસથી ઉપવાસ ચાલે છે. સ્વાભાવિક રીતે સમાજને ચિંતા હોય. એ વિષયની ચિંતા સરકારના સમાજના એક આગેવાન તરીકે અમે સરકાર સુધી પહોંચાડી છે. સરકારનું વલણ હકારાત્મક છે. 

તેમણે જણાવ્યું કે, હવે હાર્દિક સાથે વાટાઘાટો કરવા માટે અમારા પ્રતિનિધી ચર્ચા કરવા જશે. અમે હાર્દિકને કહીશું કે સરકારનું વલણ હકારાત્મક છે. અત્યારે તમારી તબિયતને ધ્યાન રાખીને તમે પારણા કરી લો. 

પાટિદાર અગ્રણીઓ સાથેની બેઠક બાદ સરકાર તરફથી નિવેદન આપતાં સૌરભ પટેલે જણાવ્યું હતું કે, પાટિદાર અગ્રણીઓ સમક્ષ સરકારે હાર્દિકની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી છે. હાર્દિકે ડોક્ટરોને પુરતો સહકાર આપવો જોઈએ. અમે પાટીદાર આગેવાનોને વિનંતી કરી છે કે, તમે હાર્દિક પટેલનાં વહેલી તકે પારણા કરાવો. પીટાદાર સમાજ દ્વારા અનેક વિષયો બાબતે સરકારને રજુઆત કરવામાં આવી છે. અમે પાટિદાર અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલા સુચનો પર ધ્યાન દોરીશું. હાલ તો અમે હાર્દિકને પારણા કરાવવા માટે વિનંતી કરી છે. 

ઉલ્લેખનીય છે કે, પીટાદારોની 6 સંસ્થાઓ (1) સીદસર ધામ, ઉમિયા માતાજી મંદિર,  (2) ઊંઝા ઉમિયા માતા સંસ્થાન, (3) ખોડલધામ, કાગવડ રાજકોટ, (4) સુરત સમસ્ત પાટીદાર સમાજ, (5) સરદાર ધામ, અમદાવાદ, (6) વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદના નેતાઓએ મંગળવારે સાંજે સરકાર સાથે બેઠક કરી હતી.  

બીજી તરફ હાર્દિકની છાવણીમાંથી હીના પટેલે એવું જણાવ્યું હતું કે, પાટિદાર અગ્રણીઓ સાથે અમારે કોઈ વાતચીત થઈ નથી. તેઓ મધ્યસ્થી કરી રહ્યા છે તે સારી વાત છે, પરંતુ જ્યાં સુધી અમારી ત્રણ માગણી સ્વિકારાશે નહીં ત્યાં સુધી હાર્દિક પારણા કરશે નહીં. 

સૌરભ પટેલે કહ્યું, ઉપવાસ આંદોલન કોંગ્રેસ પ્રેરિત
રાજ્ય સરકાર દ્વારા હાર્દિકના ઉપવાસને અનુલક્ષીને ઊર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું કે, હાર્દિકનું આંદોલન કોગ્રેસ પ્રેરીત અને રાજકીય છે. હાર્દિકની તબીયત અંગે રાજ્ય સરકાર ચિંતીત છે. તેની વ્યવસ્થા માટે સરકારે ડોક્ટરની ટીમ તૈનાત કરી છે. ગુજરાત સરકાર ખેડૂતો માટે અનેક યોજના બનાવી ચૂકી છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે દેશમાં ર૯ રાજ્યોમાં પ્રથમ પહેલ કરીને બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વર્ગો માટે આયોગ અને નિગમની રચના કરી છે. બિન અનામત વર્ગોના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ, ઉચ્ચ અભ્યાસ તેમજ સ્વરોજગાર માટે કરોડો રૂપિયાની લોન-સહાયની જોગવાઇઓ કરી છે. એટલું જ નહિ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે પણ રૂ. ૯૦૭ કરોડની ફાળવણી આ સરકારે કરીને યુવાઓને ઉચ્ચ અભ્યાસ, કારકીર્દી ઘડતર સ્વરોજગારની તકો આપી છે. 

શત્રુધ્ન સિંહા અને યશવંત સિંહા પહોંચ્યા હાર્દિકને મળવા 
બપોર બાદ ભાજપના ભૂતપૂર્વ નેતા યશવંત સિંહા અને વર્તમાન સાંસદ શત્રુધ્ન સિંહા પણ હાર્દિકને મળવા આવતાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. શત્રુધ્નસિંહાએ જણાવ્યું કે, હું કોઈ પક્ષ તરફથી નહીં પરંતુ એક દેશના નાગરિક તરીકે આવ્યો છું. મને દેશની ચિંતા છે એટલે હું આવ્યો છું. આ કોઈ કોંગ્રેસ પ્રેરિત ઉપવાસ આંદોલન નથી. મને જે દેખાઈ રહ્યું છે તે સર્વદલ પ્રેરિત આંદોલન છે. હાર્દિક એક બેમિસાલ યુવાશક્તી છે. તે આપણું ધન છે. આવું યુવાધન બચાવવું અને આપણા સમાજની ફરજ બને છે. ભારતીય જનતા પાર્ટીની અનેક રાજ્યોમાં સરકાર છે. અનેક રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ કર્યું છે, પરંતુ ગુજરાતમાં શા માટે તેઓ ખેડૂતોનું દેવું માફ કરતા નથી.

 

યશવંત સિંહાએ જણાવ્યું હતું કે, હાર્દિકના જે મુદ્દા છે તે અમારા પણ મુદ્દા છે. તે તેમના મુદ્દે લડાઈ ચાલુ રાખે. અમને આશા છે કે, સરકાર હાર્દિક પટેલ સાથે સરકાર વાટાઘાટો કરે. હાર્દિકના અનામતના મુદ્દાને અમે સમર્થન આપતા નથી, પરંતુ ખેડૂતોના મુદ્દે હાર્દિકને જરૂર સમર્થન આપીએ છીએ. જે લોકો અનામતથી બહાર છે, તેના મુદ્દે કેન્દ્ર સરકારે વિચાર કરવાની જરૂર છે. સરકારે આર્થિક, શૈક્ષણિક અને બંધારણની જે કોઈ જોગવાઈ છે, તેને અનુલક્ષીને જે સમુદાય પછાત છે તેને આગળ વધારવા માટે પ્રયાસ કરવા જોઈએ.

હવે, હાર્દિક પટેલને પારણા કરાવવા માટે વિવિધ સંસ્થાઓ, સંતો અને નેતાઓ પોત-પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે, સરકારે પણ વાટાઘાટો કરવા અને તેની માગણીઓ મુદ્દે વિચારણા કરવા તૈયારી દર્શાવી છે, ત્યારે એ જોવાનું છે કે, આ મુદ્દે હાર્દિક કયું વલણ અખત્યાર કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news