ચૂકાદા પહેલાં હાર્દિકે સમર્થકોને આપ્યો હતો કંઇક આવો સંદેશ, ભાજપને ગણાવ્યા અંગ્રેજો

મહેસાણામાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ અંગે ચુકાદો આવે તે પહેલાં હાર્દિક પટેલે ફેસબુક લાઇવ કરીને તેના સમર્થકોને એક સંદેશ પાઠવ્યો હતો. 

ચૂકાદા પહેલાં હાર્દિકે સમર્થકોને આપ્યો હતો કંઇક આવો સંદેશ, ભાજપને ગણાવ્યા અંગ્રેજો

અમદાવાદ: મહેસાણામાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ અંગે ચુકાદો આવે તે પહેલાં હાર્દિક પટેલે ફેસબુક લાઇવ કરીને તેના સમર્થકોને એક સંદેશ પાઠવ્યો હતો. જેમાં ભાજપને અંગ્રેજો સાથે સરખાવ્યા હતા અને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. હાર્દિક પટેલે આ ફેસબુક લાઇવમાં જણાવ્યું હતું કે આજે વિસનગરના સૌથી પહેલી રેલી 23 જૂલાઇ કેટલાક અસમાજિક તત્વોએ ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરી હતી અને ગાડી સળગાવી દેવામાં આવી હતી. આંદોલન પુરૂ કરવા માટે પહેલી વખત ભાજપના જ કેટલાક માણસોએ મારા વિરૂદ્ધ કેસ નોંધાવ્યો. લગભગ 17 લોકો આરોપી હતા.

જેમાં હાર્દિક પટેલ વિસનગર એવું નામ લખવામાં આવ્યું હતું હાર્દિક પટેલ વિરમગામ નહી. હાર્દિક પટેલ વિસનગરના નામની જ તપાસ કરવામાં આવી. કોર્ટે એવો ચૂકાદો આપ્યો કે હાર્દિક પટેલે નવ મહિના સુધી મહેસાણા જિલ્લાની સરહદમાં પ્રવેશ કરવો નહી. હું નવ મહિના સુધી મહેસાણા જિલ્લા ગયો પણ નહી તે દરમિયાન મારે 6 મહિના માટે ગુજરાત બહાર જવું પડ્યું.

મારે મહેસાણા જવું હતું ત્યારે કોર્ટે કોઇકના ઇશારે એવું કહી દીધું કે જ્યાં સુધી કેસ પુરો ન થાય ત્યાં સુધી મહેસાણા જિલ્લામાં જવું નહી. એટલે સ્વભાવિક છે કે મહેસાણા એટલે કે મારા મૂળ વતનથી ચાર કિલોમીટર દૂરથી મહેસાણા જિલ્લાની બોર્ડર શરૂ થઇ જાય છે. મહેસાણામાં આખો પરિવાર (સગા-સંબંધી) રહે છે પરંતુ હું છેલ્લા ત્રણ વર્ષથી તેમને મળ્યો નથી. જ્યાં મારા કુળદેવી ઉમિયામાતાનું મંદિર છે જ્યાં હું દર્શન કરી શકતો નથી. 

નવાઇની વાત છે કે છેલ્લા ત્રણ વર્ષમાં કોર્ટમાં ધક્કા ખાવા પડ્યા, ખોટી રીતે હેરાન થવું પડ્યું. ખરેખર મારા સહિત 17 આરોપી ગુનેગાર ન  હતા. મારા પહેલાંના 16 આરોપીઓને આગોતરા જામીન મળી ગયા હતા. હું ચાર મહિના રાજદ્રોહના કેસમાં હતો ત્યારે મારી અલગથી ધરપકડ કરી વધુ ચાર મહિના જેલમાં રાખ્યો. મને જામીનમાં શરતો મુકવામાં આવી પણ કહેવાય છે કે ન્યાયતંત્રના દેર છે પણ અંધેર નથી. આજે ત્રણ વર્ષ બાદ 25 જૂલાઇએ કેસનો ચૂકાદો છે.

ગઇકાલ રાતથી લગભગ હજારો લોકોએ મને ફોન કરીને કહ્યું કે અમે વિસનગર આવીએ. અમારું કંઇ કામ હોય તો કહેજો. આજે મારે એટલા માટે લાઇવ થવું પડ્યું કારણ કે કેસનો ચૂકાદો કંઇપણ આવે ભલે ચૂકાદો મારા સમર્થનમાં આવે કે પછી મારા વિરોધમાં આવે. હું ગુજરાતના મારા સમર્થક મિત્રો, આંદોલનકારીઓ સહિત તમામ લોકોને લાઇવમાં કહું છું કે ચૂકાદો કંઇપણ આવે શાંતિ જાળવજો. કોઇ એવી વ્યવસ્થા રાજ્યમાં ન સર્જાઇ જેનાથી અન્ય લોકોને તથા આપણા ટેક્સમાંથી બનેલી પ્રોપટીને નુકસાન થાય એવું ન કરતા. મને ન્યાયતંત્ર પણ વિશ્વાસ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી અને જોહુકમી સામે ઘણીવાર અમને હેરાન-પરેશાન કરવામાં આવ્યા છે.

હું ફરી અપીલ કરું છું કે ચૂકાદો કંઇપણ આવે હું જેલમાં હોવ કે જેલની બહાર, 25 ઓગસ્ટે આમરણ ઉપવાસ જે વિજય સંકલ્પ સાથે થશે. જેમાં અધિકાર સામે સરકારને ઝૂકાવવાની છે તે આમરણ ઉપવાસ ચાલુ રહેશે. ભારતીય જનતા પાર્ટી અમને આમરણ ઉપવાસ પર બેસવા દે. ભારતીય જનતા પાર્ટીને અંગ્રેજ બનવાની એટલી જ ઇચ્છાઓ થતી હોય તો અમને પણ ભગત સિંહ અને આઝાદ બનવાની ઇચ્છા થતી હોય છે. હું તમામ મિત્રોને કહું છું કે આજનો ચૂકાદો ન્યાયતંત્રને આભારી હશે. અમે લોકો એવા લોકો સામે લડીએ છીએ કાનૂન વ્યવસ્થા, એડમિનિસ્ટ્રેશન, મંત્રીઓ, સરકાર અમારી સામે બંદૂક તાણીને ઉભી છે. તેની સામે લડવાના  આ અમારા પ્રયાસ હતા. આપણી પાસે 1 મહિનાનો સમય છે બધા આ આમરણ ઉપવાસના કાર્યક્રમમાં લાગી જજો.

મને વિશ્વાસ છે કે તમે બધા લોકો મોટી સંખ્યામાં હાજર રહેશો. ફક્ત 25 તારીખ જ નહી પરંતુ જ્યાં સુધી આમરણ ઉપવાસ ચાલે ત્યાં સુધી હાજર રહેવાનું છે. દરરોજ 5 થી 7 તાલુકાના લોકો આવો એવી મારી આશા છે. જેથી આપણો વિજય સંકલ્પ લાંબા સમય સુધી ચાલે. 26મી તારીખે રક્ષાબંધનના દિવસે તમે મને રાખડીનો ધાગો બાંધજો અને આર્શિવાદ આપજો જેથી અમે આ અંગ્રેજો સામે લડી શકીએ.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news