ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડોનો સૌથી પહેલો ધડાકો, એક નહિ અનેક કૌભાંડોનો ખૂલ્યો ‘પીટારો’

Gujarat University Scam : ગુજરાત યુનિવર્સિટી શિક્ષણ પર ઓછું અને કૌભાંડો પર વધુ ધ્યાન આપતી થઈ ગઈ છે... ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડો હવે મોટું રૂપ લઈ રહ્યાં છે... આ રહ્યો ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડોનો સૌથી પહેલો ધડાકો 

ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડોનો સૌથી પહેલો ધડાકો, એક નહિ અનેક કૌભાંડોનો ખૂલ્યો ‘પીટારો’

Gujarat Education System Fail અતુલ તિવારી/અમદાવાદ : રાજ્યની સૌથી જૂની અને મોટી ગુજરાત યુનિવર્સિટીના જમીન કૌભાંડના કારણે ગુજરાત ભાજપના મહામંત્રી પદેથી રાજીનામુ આપી પ્રદીપસિંહ વાઘેલા કાર્યકર બની ચૂક્યા છે, બીજીતરફ ગુજરાત યુનિવર્સીટીના છ વર્ષ સુધી કુલપતિ રહેલા અને શિક્ષણક્ષેત્રે આગવી ઓળખ બનાવી ચૂકેલા હિમાંશુ પંડ્યાને SOG એ બોલાવી પૂછપરછ કરી છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીના જમીન કૌભાંડની ચર્ચાઓ વચ્ચે અન્ય કૌભાંડોની કેમ ચર્ચાઓ નથી થઈ રહી ? કેમ અન્ય કોઈ ખેલાડીઓના નામ નથી ચર્ચાઈ રહ્યા ? એ વાતની ચર્ચાઓ શિક્ષણવિદો તેમજ રાજકારણમાં ચર્ચાઈ રહી છે. અન્ય કયાં મોટા કૌભાંડો અંગે ગુજરાત યુનિવર્સિટીમાં ચર્ચાઓ ચાલી રહી છે તે અંગે આપ પણ જાણો... 

કૌભાંડ નંબર-1
ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી જાહેર થઈ, મોટા ભ્રષ્ટાચારની ગંધ આવતા ફરિયાદ થઈ અને બ્રેક લાગી...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઓક્ટોબર 2022 માં ગુજરાત યુનિવર્સિટી માં ખાલી જુદા જુદા પદોની અંદાજે 120 જેટલી જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. જે અંગે ઉમેદવારોના ફોર્મ પણ ભરાઈ ચૂક્યા હતા. જોકે આ પરીક્ષા અંતિમ સમયે જાન્યુઆરી મહિનામાં મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભરતીની આ મંજૂરીને 10 મહિના પૂર્ણ થવા છતાં હજુ સુધી પરીક્ષા લેવાય નથી. તેમજ હવે પરીક્ષા ક્યારે લેવાશે તેનું પણ કોઈ સ્પષ્ટીકરણ ગુજરાતી યુનિવર્સિટી પાસે નથી. જે ઉમેદવારોએ ફોર્મ અને ફી ભરી હતી તેઓ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા લેશે એવા વિશ્વાસ સાથે રાહ જોઈ રહ્યા છે. પરંતુ ફોર્મ ભરાયા બાદ પરીક્ષાની તારીખ નજીક આવતા કેમ મોકૂફ રખાઈ તેની પાછળ ગુજરાત યુનિવર્સીટીમાં ચર્ચા થાય છે કે, જુદી જુદી જગ્યાઓ ભરવા માટે અગાઉથી જ કેટલાક લોકોની પસંદગી કરી લેવાઈ હતી, આ વાતની જાણ થતાં કેટલાક સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ સરકાર સુધી રજૂઆત કરી હોવાનું કહેવામાં આવે છે. કેટલાક સિન્ડિકેટ મેમ્બરો દ્વારા પોતાના વ્યક્તિઓ સેટ કરવા પસંદગી દીઠ 20.લાખ રૂપિયા લેવાની તૈયારી થઈ હોવાની વાત પણ ગુજરાત યુનિવર્સીટીમાં જે તે સમયે ચર્ચાઇ ચુકી છે. આ મામલે ફરિયાદ થતા મોટો ભ્રષ્ટાચાર રોકવા સરકારે પરીક્ષા પર રોક લગાવી હોવાનું કહેવામાં આવે છે. જો કે આ ભરતી પ્રક્રિયાને કારણે કેટલાક સિનિયર નેતાઓ અને સભ્યોનો ઈગો ઘવાયો જેનો અંત હજુ સુધી ન થયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયા પર રોક લાગતા અનેક મિત્રો દુશ્મન પણ બન્યા.

કૌભાંડ નંબર-2
GMDC પાસે આવેલું ગુજરાત યુનિવર્સીટી કન્વેનશન સેન્ટર અને મેદાન, ભાડાના 40 કરોડ બાકી, હજુય લલ્લુજી એન્ડ સન્સના કબ્જામાં...

GMDC પાસે આવેલું છે ગુજરાત યુનિવર્સીટીનું મેદાન અને ગુજરાત યુનિવર્સીટી કન્વેનશન સેન્ટર. આ જગ્યા 5 વર્ષ માટે લલ્લુજી એન્ડ સન્સને MoU કરીને આપવામાં આવી. જેનું 1 કરોડ રૂપિયા ભાડું નક્કી થયું હતું. પરંતુ ફેબ્રુઆરી 2020 થી ભાડાની એકપણ રૂપિયાની રકમ લલ્લુજી એન્ડ સન્સ દ્વારા ગુજરાત યુનિવર્સીટીને ચૂકવવામાં ના આવી. 5 વર્ષનો કરાર પણ એપ્રિલ 2023માં પૂર્ણ થઈ ગયો, એ વાતને 3 મહિનો વીતવા છતાંય કરોડો રૂપિયાની ગુજરાત યુનિવર્સીટીની સંપત્તિ હજુ પણ લલ્લુજી એન્ડ સન્સ હસ્તક છે. અંદાજે 40 કરોડ રૂપિયા જેવી રકમ ગુજરાત યુનિવર્સીટીને ચુકવવામાં નથી આવી. આ સિવાય લાખો - કરોડોનું નુકસાન કન્વેનશન સેન્ટરમાં યુનિવર્સીટીની સંપત્તિને થયું છે. જેની ભરપાઈ પણ લલ્લુજી એન્ડ સન્સ દ્વારા ના કરવી પડે એવી ગોઠવણ કેટલાક સિન્ડિકેટ સભ્યો દ્વારા કરી આપવામાં આવી હોય તેવી ચર્ચા કર્મચારીઓના મુખે સાંભળવા મળે છે. અનુભવી કર્મચારીઓ કહે છે કે, લલ્લુજી એન્ડ સન્સને 40 કરોડ જેવી રકમ ના ચૂકવવી પડે, તેવી વ્યવસ્થા ગોઠવી આપવામાં કેટલાક યુવા સભ્યો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. જેમાં ગુજરાત યુનિવર્સીટીને માત્ર આર્થિક નુકસાની જ થઈ રહી છે. લલ્લુજી એન્ડ સન્સને ચુકવવાની થતી 40 કરોડ રૂપિયાની રકમ મામલે ગુજરાત યુનિવર્સીટીએ એક કમિટી પણ બનાવી હતી, જેના રિપોર્ટના આધારે તાત્કાલિક નિર્ણય લેવા એક સભ્ય દ્વારા રજિસ્ટ્રારને ભૂતકાળમાં પત્ર પણ લખવામાં આવ્યો હતો.

કૌભાંડ નંબર-3
25 હજાર આપો CCC પાસ કરો, ખુલ્લેઆમ ધમધમે છે ધંધો

ગુજરાત યુનિવર્સિટીમાં CCC ની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા આપવા સમયાંતરે હજારોની સંખ્યામાં ઉમેદવારો આવે છે. આ ઉમેદવારો પાસેથી રૂપિયા લેવાતા હોવાનું ગુજરાત યુનિવર્સિટીના સિક્યોરિટી ગાર્ડ પણ ચર્ચાઓ કરે છે. આધારભૂત સૂત્રોના કહેવા મુજબ 25 - 25 હજાર રૂપિયા ઉમેદવારોથી લઈને CCC ની પરીક્ષા પાસ કરાવી આપવાની જવાબદારી લેવામાં આવે છે. જેનો અર્થ થાય છે કે, CCC ની પરીક્ષા પાસ કરવી હોય તો આવો ગુજરાત યુનિવર્સિટી અને આપો 25 હજાર રૂપિયા મેળવો સર્ટિફિકેટ. આ કારનામા જો સિક્યોરિટી ગાર્ડને ખ્યાલ હોય તો કેમ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોને સમજાતું એ મોટો સવાલ છે.

કૌભાંડ નંબર-4
ઓછા ખર્ચે થતી પ્રક્રિયા, ખાનગી એજન્સીને સોંપી દેવાઈ અને અનેકગણો ભાવવધારો કરી, એજન્સી સાથે યુવા સભ્યોએ સાંઠગાંઠ કરી...

અગાઉ ગુજરાત યુનિવર્સીટીમાં આવેલા રોલવાલા ખાતે ઓનલાઈન ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરવા સહિતની કામગીરી ગુજરાત યુનિવર્સીટીના કર્મચારીઓ કરતા હતા, જો કે આ મહત્વની કામગીરી પણ યુવા સભ્યોએ ખાનગી એજન્સીના હસ્તક કરી દીધી. આ કામગીરી ગુજરાત યુનિવર્સીટીના કર્મચારીઓ જે કિંમતે કરતા હતા તેના કરતાં અનેકગણી કિંમત હવે ખાનગી એજન્સી વસૂલી રહી છે. જેમાં યુવા સભ્યો આશીર્વાદ મહત્વપૂર્ણ બન્યા છે. આ સમગ્ર કામકાજ ખાનગી એજન્સીને આપવા પાછળ પણ દિમાગ યુવા સભ્યનું હોવાની ચર્ચા કર્મચારીઓમાં છે. ખાનગી એજન્સી સાથે પણ એ યુવા સભ્ય જોડાયેલા હોવાનું વારંવાર કહેવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news