Pics: જંગલો, અભ્યારણ્ય, પર્વતો અને એડવેન્ચરના શોખીનો માટે આ છે ગુજરાતના ફરવાના સ્થળો, થાકી જશો પણ સ્થળ નહીં ખૂટે

ગુજરાતમાં ફરવા માટે દરેકને પસંદગીની જગ્યાઓ અલગ અલગ હોય છે. જો તમે એડવેન્ચરના શોખિન છો તો તમારા માટે આ બેસ્ટ જગ્યાઓ છે. અહીં જંગલો ખૂંદવાના, અભ્યારણ્યની મજા લેવાની અને પર્વતો ચડીને સિદ્ધક્ષેત્રના દર્શન કરવાની તમને અહીં મજા મળી શકે છે.

Pics: જંગલો, અભ્યારણ્ય, પર્વતો અને એડવેન્ચરના શોખીનો માટે આ છે ગુજરાતના ફરવાના સ્થળો, થાકી જશો પણ સ્થળ નહીં ખૂટે

ગુજરાતમાં ફરવા માટે દરેકને પસંદગીની જગ્યાઓ અલગ અલગ હોય છે. જો તમે એડવેન્ચરના શોખિન છો તો તમારા માટે આ બેસ્ટ જગ્યાઓ છે. અહીં જંગલો ખૂંદવાના, અભ્યારણ્યની મજા લેવાની અને પર્વતો ચડીને સિદ્ધક્ષેત્રના દર્શન કરવાની તમને અહીં મજા મળી શકે છે. તમે એકવાર જઈ આવશો તો તમને વારંવાર અહીં જવાનું મન થશે. તારંગામાં તો દિગમ્બર જૈન અહીંની ત્રણ ઉંચી ટેકરીઓ પર વસવાટ કરે છે. વિજાપુર-હિંમતનગર રોડ પર આવેલાં દેરોલ ખાતે આવેલું તિરુપતિ ઋષિવન અમદાવાદથી આશરે 75 કિલો મીટરના અંતરે આવેલું છે. જ્યાંનો એડવેન્ચર પાર્ક ગુજરાતનો સૌથી મોટો પાર્ક છે. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે 20 કિલોમીટર અને વડોદરાથી આશરે 90 કિલોમીટરનાં અંતરે આવેલું છે. જાંબુઘોડા વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે. આમ તમે અહીં મજા મજા કરી શકો છો. 

શાંતિ અને મોક્ષનો અહેસાસ આપતું તારંગા હિલ સ્ટેશન
અમદાવાદથી માત્ર 140 કિલો મીટરના અંતરે આવેલું છે તારંગ હિલ સ્ટેશન. અમદાવાદથી વાયા ગાંધીનગર થઈને વિજાપુરથી તમે તારાંગ તરફ સરળતાથી જઈ શકો છે. ગુજરાતના મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ એક સુંદર અને ખુબ જ શાંત હિલ સ્ટેશન છે. આ સ્થળ મહેસાણાથી લગભગ 70 કિલોમીટર દુર આવેલ છે અને વિસનગરથી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. ભૌગોલિક રીતે તાંરગ હિલ સ્ટેશન અરવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે. તાંરગ જૈન મંદિરો માટે જાણીતું તીર્થ સ્થાન છે. આ પહાડી વિસ્તારને જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે. પહાડી ઉપર ચૌદ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલાં છે. એમ માનવામાં આવે છે કે આ પહાડીઓના શિખર પર અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.તારંગાની ટેકરીની ઉંચાઈ આશરે 365.76 જેટલી છે અને તે રોડથી 9 કિલોમીટર દુર આવેલ છે. બારમી સદીમાં અહીં શ્વેતાંબર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજિતનાથના એક ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે આ મંદિર તેમના ગુરૂ આચાર્ય હેમચંદ્રાચાર્યના કહેવાથી બનાવડાવ્યું હતુ. અહીં કમ્પાઉંડની અંદર 14 મંદિર આવેલા છે જેમાંથી પાંચ દીગમ્બરના મુખ્ય મંદિરો છે. દિગમ્બર જૈન અહીંની ત્રણ ઉંચી ટેકરીઓ પર વસવાટ કરે છે. તારંગા એ સિધ્ધ ક્ષેત્ર છે. તારંગા હિલ સ્ટેશન પર ભવ્ય જૈન દેરાસર આવેલું છે જે શ્વેતાંબર અને દિગંબરના છે. એવું કહેવામાં આવે છે કે આ પર્વત પરથી બૌધ્ધ દેવી તારાની મુર્તિ મળી આવી હતી તેથી આ સ્થળનું નામ તારંગા પડ્યું. અહીં આવેલ અજિતનાથની ગુફાવાળુ સુંદર પ્રતિમા ધરાવનાર ભવ્ય જૈન દેરાસર એક જ શિલામાંથી બનાવવામાં આવ્યું છે. આ સ્થળ મુળનાયક હાઈવેથી 2.75 કિલોમીટર દુર આવેલ છે અને ત્યાં ભગવાન આદિનાથની સફેદ રંગની મૂર્તિ છે. અહીં વર્ષમાં અસંખ્ય યાત્રાળુઓ આવે છે. આ ટેકરી પર્વતોની વચ્ચે અને શહેરી વિસ્તારથી દુર આવેલ છે. અહીંનું વાતવરણ ખુબ જ શાંત અને શુધ્ધ છે. અહીં મનની શાંતિ પણ મળી રહે છે. અહીં આવીને તમને એવો અનુભવ થશે કે તમે જાણે કે કુદરતના ખોળામાં આવી ગયાં હોવ. કારણકે, અહીંયા ચારો તરફ લીલોતરી જોવા મળે છે અને પર્વતોની વચ્ચે જાણે કે કુદરતના ખોળામાં બેઠા હોઈએ તેવો અનુભવ થાય છે. ત્યાંના પર્વતોની સુંદરતા ખુજ મનભાવન છે. જેઓ કુદરતી વાતાવરણના શોખીન હોય તેમના માટે તો આ સ્થળ અતિ સુંદર છે. તારંગા જવા માટે ઘણી બધી સગવડો છે ત્યાં તમે બસ દ્વારા પણ પહોચી શકો છો અને તમારૂ પોતાનું સાધન પણ લઈને જઈ શકો છો. ત્યાં જવા માટેનો રસ્તો પણ સારો છે તેથી બીજી જોઈ તકલીફ પણ પડે તેમ નથી.

No description available.

ગુજરાતનું સૌથી મોટું એડવેન્ચર પાર્ક એટલે - તિરુપતી ઋષિવન
સાબરકાંઠા જિલ્લામાં આવેલાં હિંમતનગરમાં સાબરમતીના કિનારે આવેલો તિરુપતી ઋષિવન એડવેન્ચર પાર્ક બાળકો માટે ખાસ છે. વિજાપુર-હિંમતનગર રોડ પર આવેલાં દેરોલ ખાતે આવેલું તિરુપતિ ઋષિવન અમદાવાદથી આશરે 75 કિલો મીટરના અંતરે આવેલું છે. અંદાજે 150 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાયેલો આ અમ્યુઝમેન્ટ પાર્ક  ગુજરાતનો સૌથી મોટો રિસોર્ટ અને એડવેન્ચર પાર્ક પણ ગણાય છે. તમે અહીં કપલ એક્ટિવીટી, કિડ્સ એક્ટીવીટી, બેમિંગ ઝોન, જંગલ સફારી, આર્ચરી, વોટરપાર્કમાં 25થી પણ વધારે રાઈડ્સની મજા અને 6ડી થિએટરની મજા પણ માણી શકો છો. આ એડવેન્ચર પાર્કમાં ફર્યા બાદ તમે સેવન વન્ડર્સ ઓફ વર્લ્ડનો અનુભવ પણ માણી શકો છો. અહીં તમને તાજમહેલ, એફીલ ટાવર અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સહિતની દુનિયાની સાતેય અજાયબીઓની રેપ્લીકા જોવા મળશે. અહીંના શહીદ ગાર્ડનમાં તમને દેશ માટે શહાદત વહોરનારા વીરોની કૃતિઓના પણ દર્શન થશે. અહીં ફરવા માટેનો સમય સવારે 8 વાગ્યાથી સાંજે 6:30 સુધીનો છે. આ સમય દરમિયાન તમે આખો દિવસ અહી રહી શકો છો. અહી એન્ટ્રી ફી લેવામાં આવે છે. આ એડવેન્ચ પાર્ક એટલું વિશાળ છેકે, સવારથી સાંજ સુધી પરિવાર કે મિત્રો સાથે મોજ-મસ્તી કરવામાં તમારો સમય ક્યાં પસાર થઈ જશે તેની તમને ખબર પણ નહીં પડે.

No description available.

જાંબુઘોડ઼ામાં ગજબની જમાવટ
અમદાવાદથી આશરે 160 કિલો મીટરના અંતરે આવેલું છે જાંબુઘોડા અભયારણ્ય. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે 20 કિલોમીટર અને વડોદરાથી આશરે 90 કિલોમીટરનાં અંતરે આવેલું છે. જાંબુઘોડા વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે. મે 1990ની સાલમાં તેને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ વન વિવિધ પ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સરિસૃપોનું પણ આશ્રય સ્થાન છે. જાંબુઘોડા અભયારણ્યની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતીય વિસ્તારમાં આવેલું એક જુજ માનવ વસવાટ ધરાવતું અભયારણ્ય છે. એ જ કારણ છેકે, અન્ય પ્રાકૃતિક સ્થળની સરખામણીએ આ સ્થળના પ્રાકૃતિક સૌંદર્યમાં અનેકગણો વધારો થાય છે. આઝાદી પહેલા, આ વિસ્તાર જાંબુઘોડા રજવાડા સાથે સંકળાયેલ હતો. ગાઢ જંગલની ટેકરીઓમાં તેમ જ ખીણોમાં ઘણી આદિવાસી વસાહતો વસવાટ કરે છે. આ અભયારણ્યમાં જંગલોમાં ફરવા માટે ઘણા સ્થળો છે. અહીં દૂર દૂરથી લોકો ખાસ ટ્રેકિંગની મજા માણવા માટે આવતા હોય છે. આ ઉપરાંત અહીં એક વન વિભાગનું આરામગૃહ, અભયારણ્ય, બે જળાશયો પણ આવેલાં છે. દિપડો જાંબુઘોડા અભયારણ્યનું મુખ્ય શિકારી પ્રાણી છે. આ ઉપરાંત શિયાળ, વરૂ, ઘોરખોદિયું, રીંછ વગેરે માંસાહારી પ્રાણીઓ પણ અહીં વસવાટ કરે છે. શાકાહારી પ્રાણીઓ જેવાકે હરણ, નીલગાય, ચારસિંગા કાળિયાર વગેરેનું પણ જાંબુઘોડા અભયારણ્ય આશ્રય સ્થાન ગણાય છે. વિવિધ જાતનાં સાપ, અજગર, મગરમચ્છ જેવા સરીસૃપો પણ અહીં વિપુલ માત્રામાં જોવા મળે છે. અભયારણ્યમાં આવેલા સાગ, સિસમ, ખેર, મહુડો, વાંસ, બીલી, દુધળો, વગેરેનાં વૃક્ષો ને કારણે પક્ષીઓ પણ ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે. આ વન્યસૃષ્ટિ અભયારણ્યમાં બનાવવામાં આવેલા બે બંધ - કડા ડેમ અને ટારગોલ ડેમ માંથી તે પોતાની પાણીની જરૂરિયાત પુરી કરે છે. આ બંધો ક્ડા અને ટારગોલ ગામની પાસે બાંધવામાં આવેલા છે. અભયારણ્યમાં શિકારી પ્રાણીઓ માટે શિકાર એવાં શાકાહારી પ્રાણીઓની નજીવી અછતને કારણે ઘણી વાર દિપડા જેવા પ્રાણી સ્થળાંતર કરતા છેક વડોદરા સુધી પહોંચ્યાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે. જો તમે જાંબુઘોડાની મુલાકાતે આવ્યાં હોવ તો આ ઉપરાંત તમે અહીં નજીકમાં વૈશ્વિક ધરોહર એવા ચાંપાનેર, પાવાઢ, ઝંડ હનુમાન મંદિર, સુખી બંધ જળાશય સિંચાઈ યોજના અને કડા બંધ જળાશય સિંચાઈ યોજનાની પણ મુલાકાત લઈ શકો છો.

No description available.

વિજય નગરના પોળોના જંગલ પ્રવાસીઓમાં ફેવરીટ
સાબરકાંઠા જિલ્લામાં આવેલાં વિજયનગરના પોળોના જંગલો વીક એન્ડ પિકનિક માટે સૌથી હોટ ફેવરીટ ડેસ્ટીનેશન ગણાય છે. આ સ્થળ અમદાવાદથી માત્ર 140 કિલો મીટરના અંતરે આવેલું છે. વિજયનગરનું પોળોનું સુંદર જંગલ અંદજે 5 કિલો મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. ખાસ કરીને ચોમાસામાં પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલેલી જોઈ શકાય છે. અમદાવાદથી હિંમતનગર પ્રાંતીજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટમાં તમે રોકાણ પણ કરી શકો છો. જેના માટે તમારે એડવાન્સમાં વનવિભાગની મંજૂરી લેવી પડે છે. અહીં પહાડો છે, ગાઢ જંગલ છે, ઝરણાં છે, નદી છે અને સમગ્ર વિસ્તાર અસીમ કુદરતી સૌદર્યથી ભરપુર છે. અહીં  શૂટિંગ, ફોટોગ્રાફી કરવાની મજા પડી જાય છે. હરણાવ નદીના કાંઠે આવેલા અડાબીડ જંગલની વચ્ચે ખુબ જ પ્રાચીન પોળોના મંદિરો આવેલા છે. અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ પણ આવેલી છે. ચોમાસા સિવાય પણ તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. પોળોએ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદીરો મળી આવેલા છે. આ મંદીરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે. પોળોએ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'પ્રવેશદ્વાર' થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે. પોળોની આસપાસ અન્ય જોવાલાયક સ્થળોની વાત કરીએતો, અભાપુરનું શક્તિમંદીર તેની પ્રતિમાઓ અને સુંદર કોતરણી ધરાવતું અવશેષરૂપ મંદિર છે. પોળોના પરીસરમાં આવેલી કલાત્મક છત્રીઓ પથ્થરમાંથી કંડારાયેલી છે. તેનો ગુંબજ ગોળાકાર ઘુમ્મટ ધરાવે છે. આ છત્રીઓનું બાંધકામ પંદરમી સદીના સમયનું હોવાનુ મનાય છે.

No description available.

અહીં શરણેશ્વર મહાદેવનું મંદિર અભાપુરનાં જંગલોમાં છ વીઘા જેટલી જમીનમાં પથરાયેલું છે. શરણેશ્વર મંદિરના ચોક્માં ડાબી બાજુએ રક્ત ચામુંડાની ચાર હાથવાળી મૂર્તિ છે. મૂર્તિના ઉપરના હાથમાં વજ્ર અને નીચલા ડાબા હાથમાં ખટવાંગ ધારણ કરેલ છે. ઉપરના ડાબા હાથમાં રક્તપાત્ર પકડેલું છે. જેથી આ મૂર્તિ રક્ત ચામુંડા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લાખેણાનાં દેરાં આવેલાં છે. દંતકથા પ્રમાણે લાખા વણજારાની પુત્રીએ આ જૈન દેરાસર બંધાવ્યું છે. મંદિરમાં અસંખ્ય થાંભલા છે, જેનું શિલ્પ સોલંકી કાળનું છે. મંદિર પરિસરમાં એક વિશાળ નૃત્યમંડપ પણ જોવા મળે છે. જેના પર પાંદડી, વેલ અને હાથીઓની પટ્ટી કોતરાયેલી જોવા મળે છે. અહીં સદેવંત સાવળિંગાના દેરાં પણ જોવાલાયક છે. આ મંદિરની સાથે સાથે સદેવંત અને નગરશેઠની પુત્રી સાવળિંગાની પ્રેમકહાણી જોડાયેલી છે. આ દેરાંનાં સ્તંભોની કુંભિઓ તથા શિરાવટીઓ શિલ્પ સમૃદ્ધ છે. નવ દેરાંના આ મંદિરોના કેટલાક ભાગોને ઊગી નીકળેલાં વૃક્ષોએ ઘણું નુકસાન પહોચાડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news