હવામાન વિભાગનું મોટું એલર્ટ : રાજકોટમાં સિમલા જેવો બરફ પડ્યો, વીજળી પડતા ગુજરાતમાં બેના મોત

Gujarat Rain : આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી,,, ફંગસ આવવાના કારણે પાકમાં નુકસાનની ભીતિ,,, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા વરસાદની આગાહી,,, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી,,,

હવામાન વિભાગનું મોટું એલર્ટ : રાજકોટમાં સિમલા જેવો બરફ પડ્યો, વીજળી પડતા ગુજરાતમાં બેના મોત

Gujarat Weather Forecast : રાજ્યમાં આજથી 27 નવેમ્બર સુધી માવઠાની આગાહી છે. આ વચ્ચે ગુજરાતભરમાં આજે વરસાદ છે. ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નહિ હોય જ્યાં આજે કમોસમી વરસાદ આવ્યો ન હોય. હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથના તલાલામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં પણ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજે સવારે છ થી 10 દરમિયાન છ તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. તો ગુજરાતમાં આજે કમોસમી વરસાદથી 2 મોત નોંધાયા છે. એક કિશોર અને એક યુવકનું વીજળી પડતા મોત નિપજ્યું છે. તો રાજકોટમાં કરા પડ્યા છે. 

વીજળી પડવાથી બેના મોત
અમરેલીના ગાજવીજ સાથે વહેલી સવારથી માવઠું આવ્યું છે. આવામાં જાફરાબાદના રોહિસા ગામમાં વીજળી પડી હતી. વીજળી પડતા 16 વર્ષના કિશોરનું મોત નિપજ્યું છે. કિશોર પાકને બચાવવા તાડપત્રી ઢાંકવા જતા તેના પર વીજળી ત્રાટકી હતી. જેથી જાફરાબાદ હોસ્પિટલ ખાતે સ્થાનિક આગેવાનો તેને લઈને સારવાર માટે દોડ્યા હતા. પરંતુ તેને મૃત જાહેર કરાયો હતો. તો બીજી તરફ, બોટાદમાં બાઇક ચાલક પર વીજળી પડતાં 22 વર્ષીય યુવાનનું કરુણ મોત નિપજ્યું છે. બરવાળા તાલુકાના નાવડા ગામ અને અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના દેવપરા ગામ વચ્ચે આ ઘટના બની હતી. હેબતપુર ગામથી બરવાળા તરફ બાઇક લઈ આવી રહેલ યુવાન પર અચાનક વીજળી પડી હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના હેબતપુર ગામના 22 વર્ષીય રાકેશભાઈ ધરેજીયા નામના યુવાનનું મોત નિપજ્યું છે. બરવાળા પંથકમાં થયેલ કમોસમી વરસાદના કારણે વીજળીએ યુવાનનો ભોગ લીધો છે. બાઇક ચાલક યુવાનને 108 મારફતે બરવાળા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

રાજકોટમાં મનાલી જેવો બરફ પડ્યો
કમોસમી વરસાદ વચ્ચે ગુજરાતમાં કરા પડ્યા છે. ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર હિમવર્ષા જોવા મળી છે. ખાસ કરીને રાજકોટના માલિયાસણના હિમવર્ષાના દ્રશ્યો જોવા મળતા કુતૂહલ સર્જાયું છે. રાજકોટના માલિયાસણ પાસે આવેલ બ્રિજ બરફના ચાદરથી ઢંકાઈ હતી. અહીં સિમલા - મનાલી જેવા દ્રશ્યો સર્જાયા હતા. બ્રિજ પર બરફ જોવા મળતા સ્થાનિક આસપાસના લોકો બ્રિજ ઉપર માહોલ માણવા પહોંચ્યા હતા. પ્રાકૃતિક દ્રશ્યો નિહાળી લોકો ખુશ થયા હતા. 

કયા કયા જિલ્લામાં એલર્ટ 
રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે એલર્ટ આપ્યા છે. કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ સહીત તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રમાં પણ યેલો અલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગરમાં પણ યેલો અલર્ટ અપાયું છે.  

ભેંસનું વીજળી પડવાથી મોત
કાંકરેજના ખારીયા ગામે વીજળી પડતાં ભેંસનું મોત નિપજ્યું છે. ખેતરમાં છાપરા ઉપર વીજળી પડતા છાપરું પણ સળગી ગયુ હતું. વીજળી પડતા ભેંસનું મોત થતા લખુભા વાઘેલા નામના પશુપાલકને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. 

સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ચિંતા
સૌરાષ્ટ્રમાં મોટા ભાગના ખેડૂતોને ગત ચોમાસામાં અનિયમિત વરસાદેને કારણે મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. આ નુકશાનીનું શિયાળું પાકમાં વળતર મળી જશે તે આશાએ મોટા ભાગના ખેડૂતોએ રવિ પાકમાં ચણા, ધાણા, જીરું, અડદ, ઘઉંનું વાવેતર કરેલ હતું. અને આ શિયાળું પાકમાં બિયારણ, ખાતર, દવાઓ અને વાવેતરની મજૂરો મજૂરી સહિતનો ખર્ચો કર્યા બાદ સારા પાકની આશા હતી.  પરંતુ હવામાન વિભાગ દ્વારા કમોષ્મી વરસાદની આગાહી કરતા ખેડૂતોના પેટમાં ફાળ પડી અને હવે નુકશાની આવશે તો કમર જ ભાંગી જશે તેવો વલોપાત હતો.પરંતુ કુદરત સામે કોઈનું ન ચાલે તેમ આજે વહેલી સવારથી કડાકા ભડાકા સાથે કમોષ્મી વરસાદ શરૂ થયો. અને આ વરસાદ જાણે ચોમાસુ હોય તેવો પડતા ખેડૂતોના પાક પર પાણી ફરી વાળવાની ખેડૂતો ને દહેશત છે સાથે શિયાળું પાક ચણા, ધાણા, જીરું, અડદ, ઘઉંમાં મોટી નુકશાની સાથે કપાસનો ઉભો પાક પર પણ પાણી ફરી વળવા સાથે નુકશાની વેઠવાનો વારો આવવાની શક્યતા છે ,ખેડૂતોને ચોમાસા બાદ શિયાળામાં પણ સારા પાકની આશા પર પાણી ફરી વાળવાની સંભાવના છે,
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news