મેઘો તૂટી પડતાં શામળાજી હાઇવે પર 20 કિ.મી લાંબો ટ્રાફિક જામ, ભેખડો ધસી પડતાં વાહનોને નુકસાન
નેશનલ હાઇવે બ્લોક થઇ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. નેશનલ હાઇવેના પાણી ગામમાં ફરી વળતાં ગામમાં 4 ફૂટ જેટલાં પાણી ભરાયા છે. તો બીજી તરફ મેશ્વો નદીમાં ઘોડાપૂર સર્જાતા શામળાજી કોઝ વે પર પાણી ફરી વળ્યા છે.
Trending Photos
સમીર બલોચ, અરવલ્લી: રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સ્વતંત્રતા દિવસ પર રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતના 206 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં 24 કલાક દરમ્યાન બારડોલીમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. જોકે, હજુ પણ 3 દિવસ વરસાદી માહોલ રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહીને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શામળાજી-ઉદેપુર સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. વેણપુર પાસે વરસાદી પાણી ફરી વળતાં 20 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આ ઉપરાંત અરવલ્લીની ગિરિમાળાઓ પર ભેખડો ધસી પડતાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે. નેશનલ હાઇવે બ્લોક થઇ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. નેશનલ હાઇવેના પાણી ગામમાં ફરી વળતાં ગામમાં 4 ફૂટ જેટલાં પાણી ભરાયા છે. તો બીજી તરફ મેશ્વો નદીમાં ઘોડાપૂર સર્જાતા શામળાજી કોઝ વે પર પાણી ફરી વળ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ખેડવા જળાશયમાંથી પાણી છોડાતા હરણાવ નદીમાં યુવકો ફસાયા છે. .જળાશયમાંથી એક હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી હરણાવ નદીમાં ત્રણ યુવકો ફસાયા છે. જેથી જિલ્લા ડિઝાસ્ટર વિભાગને જાણ કરાઈ હતી. હિંમતનગરથી ફાયર વિભાગની એક ટીમ રવાના થઈ છે. ફાયર વિભાગની ટીમ બોટ સાથે રવાના થઈ છે.
અરવલ્લી જિલ્લામાં ગત રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. ગત 24 કલાકમાં મેઘરજમાં 4 ઇંચ, મોડાસામાં અને ભિલોડામાં 2 ઇંચ, માલપુર ને ધનસુરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે બાયડમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશ જોવા મળી રહ્યા છે અને જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. હાલમાં ભિલોડા શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના પગલે શામળાજી તરફના માર્ગ પર વાહન વ્યવહારને અસર જોવા મળી રહી છે. મોડા શામળાજી હાવે પર બે-બે ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે. ખેતરો અને સ્ટેટ હાઇવે ધોવાઇ ગયા છે.
આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 17 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે ગાજવીજ વરસાદની સાથે 40 કિમીની ઝડપે પણ પવન ફૂંકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે