જ્યોતિષ બની બીજાનું ભવિષ્ય ભાખતો પોતાનું ભવિષ્ય ના જોઈ શક્યો, પોલીસ ઉઠાવી લાવી
જે માટે આરોપીએ જ્યોતિષ વિદ્યા પણ હાંસલ કરી હતી. જેની આડમાં પોલીસ ધરપકડથી બચવા માટે આરોપી તામિલનાડુ ખાતે જઇ મંદિરમાં છુપાયો હતો. એ આરોપી આખરે પોલીસને હાથ લાગી જ ગયો.
Trending Photos
નવી દિલ્લીઃ વર્ષ 2020માં સુરત ક્રાઈમ બ્રાન્ચ ના એમ.ડી ડ્રગ્સ ના કેસમાં વચગાળાના જામીન ઉપરથી ફરાર થઈ ગયેલા અને વર્ષ 2023માં ક્રાઈમ બ્રાન્ચ ચોપડે નોંધાયેલા એન.ડી.પી.એસ ના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપીની ક્રાઈમ બ્રાન્ચે તામિલનાડુ ખાતેથી ધરપકડ કરી છે. આરોપી તામિલનાડુ ખાતે આવેલા કાલભૈરવના મંદિરમાં ઉપાશકનો વેશ ધારણ કરી દર્શનાર્થે આવતા ભક્તોના ભવિષ્ય જોવાનું કામકાજ કરતો હતો. જે માટે આરોપીએ જ્યોતિષ વિદ્યા પણ હાંસલ કરી હતી. જેની આડમાં પોલીસ ધરપકડથી બચવા માટે આરોપી તામિલનાડુ ખાતે જઇ મંદિરમાં છુપાયો હતો.
ભક્તોના ભવિષ્ય જોવાનું કામકાજ કરતોઃ
સુરત ક્રાઈમ બ્રાન્ચ ના ડીસીપી રૂપલ સોલંકીના જણાવ્યા અનુસાર ,વર્ષ 2020 ના સુરત ક્રાઇમ બ્રાન્ચના એમડી ડ્રગસના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.આરોપી વિરામની ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગા આંડિયાપાનની ધરપકડ કરવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. આરોપી વિરુદ્ધ અગાઉ વર્ષ 2023 માં પણ ક્રાઈમ બ્રાંચ પોલીસ ચોપડે NDPSનો ગુનો નોંધાયો હતો.જે ગુનામાં આરોપીને વોન્ટેડ જાહેર કરતા પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. આરોપીએ વચગાળા ના જામીન મેળવ્યા બાદ ફરાર થઈ ગયો હતો. જે તામિલનાડુ ખાતે જઈ છુપાયો હતો.તામિલનાડુના શિવા ગંગા જિલ્લાના એ-વેલન ગુડી ગામમાં આવેલા કાલભૈરવ મંદિરમાં આરોપી ઉપાસક બની છુપાયો હતો, જે માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આરોપી અહીં જ્યોતિષ વિદ્યા હાંસલ કરી મંદિરમાં આવતા ભક્તોના ભવિષ્ય જોવાનું કામકાજ કરતો હતો.
એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખી હતીઃ
જેની આડમાં તે મંદિરમાં છુપાયો હોવાની માહિતી મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સતત વોચમાં રહી ધરપકડ કરવામાં આવી છે.ડીસીપીએ જણાવ્યું હતું કે,અગાઉ ક્રાઈમ બ્રાન્ચે ડુમસ ખાતેથી 1011.82 કિલોગ્રામ એમટી ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો હતો.જે કેસમાં ક્રાઈમ બ્રાન્ચે અગાઉ એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે 18 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પૈકી સલમાન મોહમ્મદ હનીફ ઝવેરી અને મનોજ લક્ષ્મણ પાટીલ પેરોલ પર ફરાર થઈ ગયા હતા. જેમાં સલમાન ઝવેરીની ક્રાઈમ બ્રાન્ચે નેપાલ બોર્ડર નજીક બિહાર ખાતેથી વર્ષ 2023 ના જૂન માસમાં ધરપકડ કરી હતી. જ્યારે મનોજ પાટીલ સહિત અન્ય આરોપીઓને થાણે ક્રાઈમ બ્રાન્ચે 55.53 લાખના એમડી. ડ્રગસ બનાવવા ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ડીસીપી રૂપલ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, લક્ષ્મણ પાટીલ અને વિરામની અન્નાએ વર્ષ 2020 માં મહારાષ્ટ્ર રાયગઢ ખાતે એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખી હતી. જે સમયે આરોપીઓ સુરતની લાજપોર જેલમાં બંધ હતા.
પેરોલ જમ્પ કરી થયો હતો ફરારઃ
જે દરમિયાન જેલમાં બંધ વિરામની અન્ના અને ઘનશ્યામ મુલાણી, સુનિલ કૌશિક ગજાનંદ શર્માએ મળી એમ.ડી. ડ્રગસ બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું રચ્યું હતું. જેમાં પેરોલ જમ્પ કરી વીરામની અન્ના ફરાર થઇ ગયો હતો. સુનિલ કૌશિક ગજાનંદ શર્મા જેલમાં રહી મોબાઈલ ફોનથી બંનેના સંપર્કમાં હતો. હરિયાણા ખાતેથી પોતાના પિતા ગજાનંદ શર્મા પાસેથી એમ.ડી. ડ્રગ્સ બનાવવાનું રો- મટીરીયલ મંગાવ્યું હતું. જે રાજસ્થાનના પાલી જિલ્લાના પાટી ગામમાં રો-મટીરીયલ સંતાડાયું હતું. જે બાદ વાપી વિસ્તારમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીની શોધમાં હતા.જે સમયે રાજસ્થાન ખાતેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ બનાવવાના 10 કિલો રો-મટીરીયલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. જે ગુનામાં જેલમાંથી પેરોલ કરી ફરાર થઈ ગયેલા ઘનશ્યામ મુલાની ધરપકડ કરાઈ હતી. ડીસીપી રૂપલ સોલંકીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજકોટ જેલમાંથી સુનિલ કૌશિક ગજાનંદ શર્મા મોબાઇલ ફોનના ઉપયોગથી કાવતરું ઘડતો હતો
ક્રાઈમ બ્રાન્ચે જેલમાં સર્ચ કરી સુનિલ કૌશિક પાસેથી મોબાઇલ ફોન કબજે કર્યો હતો.જે બાબતે ક્રાઈમ બ્રાન્ચ અલગથી ગુનો રજીસ્ટર કર્યો હતો. જે ગુનામાં વીરામણી ઉર્ફે અન્ના અને ગજાનંદ સરમાને વોન્ટેડ જાહેર કરાયા હતા. જે ગુનામાં ફરાર વીરામણી ઉર્ફે અન્નાની તામિલનાડુથી ધરપકડ કરી વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે