રામમંદિરના દર્શન-પ્રસાદીના નામે થતી છેતરપિંડીથી સાવધાન, ભૂલથી પણ ના કરતા કોઈ લિંક પર ક્લિક

વિશ્વ હિન્દુ પરિષદે એપ્લિકેશન સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. વિહિપે એવી પણ સ્પષ્ટતા કરી છેકે, અમે કોઈપણ પ્રકારે ઓનલાઈન પ્રસાદીનું વેચાણ કરતા નથી.

રામમંદિરના દર્શન-પ્રસાદીના નામે થતી છેતરપિંડીથી સાવધાન, ભૂલથી પણ ના કરતા કોઈ લિંક પર ક્લિક

ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ દેશભરમાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની રાહ જોવાઈ રહી છે. અયોધ્યામાં બનેલાં ભવ્ય રામમંદિરમાં રામલલ્લા બિરાજમાન થશે એ ક્ષણનું સાક્ષી બનવા માટે આખું ભારત આતુર છે. ઘરે ઘરે લોકો રામનું નામ લઈ રહ્યાં છે. ત્યારે આ માહોલનો લાભ લઈને ગુનેગારો લોકો પાસેથી પૈસા પડાવી રહ્યાં છે. આ વખતે આવા ગુનેગારોએ પૈસા પડાવવા માટે લીધો છે રામનો સહારો. રામના નામે પૈસા પડાવવાની આ તરકીબ જાણીને તમે પણ હેરાન થઈ જશો.

હાલ રામમંદિરમાં દર્શનના નામે ખોટી લિંક ફરતી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થવાની સાથે 22 જાન્યુઆરીએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે કેટલાક લેભાગુ તત્ત્વો દ્વારા ભગવાન રામના નામે સોશિયલ મીડિયા પર લિંક મોકલી અયોધ્યા રામ મંદિરમાં વીઆઈપી દર્શન કરાવવાના નામે રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. એ જ રીતે ઓનલાઇન વસ્તુઓનું વેચાણ કરતી કંપની એમેઝોન પર કેટલાક લોકો દ્વારા અયોધ્યા રામ મંદિરના પ્રસાદનું વેચાણ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે.

આ વિશે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, વીએચપી તરફથી ઓનલાઈન વીઆઈપી દર્શનની કોઈ વ્યવસ્થા કરાઈ નથી. એ જ રીતે શ્રી રામ મંદિર તીર્થ ટ્રસ્ટ તેમ જ વીએચપી તરફથી કોઈપ્રસાદનું વિતરણ કરાતું નથી. આથી આ રીતે વીઆઈપી દર્શનના નામે કેટલાક લેભાગુ ઠગ કંપનીઓની છેતરામણી જાહેરાતમાં લલચાવવું નહીં. એ જ રીતે રામ મંદિરના પ્રસાદના નામે કોઈએ ઓનલાઈન કે એમેઝોનની સાઈટ પરથી નકલી તેમ જ ગેરમાર્ગે દોરતી પ્રોડક્ટની ખરીદી કરવી નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news