ચોક્કસ દુકાનેથી વસ્તુઓ લેવાની ફરજ પાડી ઘર ભરે છે લાલચુ સ્કૂલ સંચાલકો! સરકાર રોકી શકે તો રોકી લે

નીચલી પાયરી પર ઉતરી આવ્યાં છે લાલચુ સ્કૂલ સંચાલકો, કપડાંના મળતિયા વેપારીઓ સાથે ચાલે છે મસમોટું સેટિંગ. સ્કૂલે નક્કી કરેલી દુકાનેથી જ સ્વેટર અને યુનિફોર્મ ખરીદવા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર કરાય છે દબાણ. રાજ્યના શિક્ષણ વિભાગ અને શિક્ષણમંત્રીને મળી છે આ અંગેની ફરિયાદો.

ચોક્કસ દુકાનેથી વસ્તુઓ લેવાની ફરજ પાડી ઘર ભરે છે લાલચુ સ્કૂલ સંચાલકો! સરકાર રોકી શકે તો રોકી લે

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણના નામે ચાલે છે મસમોટો વેપલો. વિદ્યાર્થીઓ અને વાલીઓ આ વેપલામાં પિસાય છે અને મલાઈ ખાય છે મસમોટી ફી ઉઘરાવતા સ્કૂલ સંચાલકો. આટલી ફી ઓછી પડતી હોય એમ ત્યાં આવા લાલચી સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓના કપડાં અને સ્વેટર ના નામે પણ બેફામ લૂંટ ચલાવીને પોતાના ઘર ભરે છે. લૂંટ પણ કેવી કે જો સીધી રીતે મેળ ના પડે તો હવે મોટાભાગના આવા લાલચુ સ્કૂલ સંચાલકોએ કમાણીને નવો રસ્તો ગોતી કાઢ્યો છે.

કેટલીક સ્કૂલોના સંચાલકો અને કપડાંના વેપારીઓ વચ્ચે મોટું સેટિંગ ચાલે છે. એટલા માટે  જ આવા સ્કૂલ સંચાલકો કેટલીક ફિક્સ કરાયેલી દુકાનેથી જ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ડ્રેસ અને સ્વેટર લેવાની ફરજ પાડે છે. ઝી24કલાકે ચલાવેલી મુહિમ અંતર્ગત અમારા રિપોર્ટરોએ સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોમાં આ અંગે પડતાલ કરી છે. જેમાં પૂછપરછ દરમિયાન અને સંખ્યાબંધ વાલીઓ સાથે ની વાતચીતમાં આ ઘટસ્ફોટ થયો છેકે, લાલચુ સ્કૂલ સંચાલકો અને કપડાંના વેપારીઓ વચ્ચે મોટું સેટિંગ હોય છે. રૂપિયા કમાવવા માટે હવે સ્કૂલ સંચાલકો એટલી નીચલી પાયરી પર ઉતરી આવ્યાં છેકે શું કહેવું.

 

પાણી વહી ગયા બાદ સરકારે પાળ બાંધીઃ
શિયાળો શરૂ થઈ ગયો અને મોટાભાગના વાલીઓએ વિદ્યાર્થીઓ માટે સ્વેટર સહિતની ખરીદી કરી લીધી છે. સરકારે જાહેરાત કરી ત્યાં સુધીમાં તો મોટાભાગના વાલીઓએ સ્વેટર અને કપડાંની ખરીદી કરી લીધી હતી તેવું વાલીઓનું કહવું છે. જેને કારણે  સ્કૂલ સંચાલકોના મળતિયા વેપારીઓને થવાનો ફાયદો તો થઈ ચૂક્યો છે. એવો પણ વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. સામાન્ય રીતે આવી જાહેરાત શિયાળો શરૂ થાય તે સરકારે કરવી જોઈએ તેમ વાલીઓનું કહેવું છે.

કપડાંના વેપારીઓ અને સ્કૂલો વચ્ચે સેટિંગઃ
ઘણાં વાલીઓએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે, સ્કૂલો ચોક્કસ પ્રકારના સ્વેટર સાથે કેટલીક સ્કૂલો તો ચોક્કસ પ્રકારની ટોપી કે સ્કાર્ફ લેવાની પણ ફરજ પાડે છે. આ ગરમ કપડાં પણ અમુક ચોક્કસ દુકાનો પાસેથી લેવાની ફરજ પાડવામાં આવે છે. જેથી કરીને ચોક્કસ વેપારીને બિઝનેસ મળે. આવું કરવા પાછળ સ્કૂલો અને વેપારીની મિલીભગત હોય છે. આ મિલીભગતમાં બંન્ને પક્ષે એકબીજાના હીતો સચવાતા હોવાથી સ્કૂલો આવી પ્રવૃતિઓ કરતી હોવાનું બહાર આવ્યું હતું. ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો કેટલાંક કિસ્સાઓમાં તો જે દુકાનેથી ફરજિયાત કપડાં લેવાની ફરજ પાડવામાં આવે છે તે દુકાન આવા લાલચુ સ્કૂલ સંચાલકોના કોઈને કોઈક સગાવ્હાલાની કે પછી તેમની પોતાની જ હોય છે. એવા પણ કિસ્સાઓ છે. જોકે, આ બધા પર મોટા માથાઓનો, મોટા રાજનેતાઓનો હાથ હોવાથી કોઈ આ મુદ્દાને ઉઠાવતું નથી એવું પણ વાલીઓએ જણાવ્યું હતું. ઘણી સ્કૂલો પોતાની હોશિયારીમાં નાના ભૂલકાઓને પણ આવી કાતિલ ઠંડીમાં બ્લેઝર પહેરાવે છે. જેમાં આગળના ભાગે જ આ બ્લેઝર ખુલ્લુ હોય છે જેનાથી કોઈ ઠંડી રોકાતી નથી. ભૂલકાઓ બીમાર પડે છે અને લાલચુ સ્કૂલ સંચાલકો પોતાનું ઘર ભરે છે.

ફરજિયાત એક જ દુકાનથી લેવાની ફરજ પડાય છેઃ
વાલીઓએ ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજકાલનું નહીં વર્ષોથી વેપારીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે સેટિંગ ચાલે છે. અમુક દુકાનો તો આવા સ્કૂલ સંચાલકોની પોતાની જ છે અને એમના સગાઓ તેને ચલાવે છે. જેથી ચોપડાઓ, સ્કૂલનો યુનિફોર્મ, સ્વેટર, રેઈન કોર્ટ, કેપ, શૂઝ, શોક્સ, સ્કૂલના વિવિધ પ્રોજેક્ટ માટેની વસ્તુઓ સહિતનો તમામ સામાન ફરિજયાત સ્કૂલ સંચાલકોએ નક્કી કરેલી દુકાનોથી જ લેવાનો હોય છે. જેમાં એક પણ રૂપિયો ભાવ ઓછો કરવામાં આવતો નથી, તેમણે નક્કી કરેલો ઉંચો ભાવ આપવો પડે છે અને એ તમામ વસ્તુઓ પણ જલદી ખરાબ થઈ જાય અને ફરી લેવી પડે તે આશયથી સાવ હલકી ક્વોલિટીની બનાવાય છે. જોકે, વાલીઓ પોતાના બાળકના ભવિષ્ય માટે આ મુદ્દે ખુલીને બોલી શકતા નથી. આ બધા પૈસા સ્કૂલ સંચાલકો પોતાના ઘરે લઈ જાય છે. ઘણી સ્કૂલોમાં તો એકથી બે રૂમ ભરીને આવો સામાન લાવીને મુકી રાખ્યો હોય છે. સ્કૂલમાંથી જ ફી ભરીને ફરજિયાત આ સામાન લેવો પડે છે. ક્યારે અટકશે આ પ્રકારનું કૌભાંડ? 

 

જાણી જોઈને હલકી ગણવત્તાના બનાવાય છે કપડાંઃ
વળી, સ્કૂલો ચોક્કસ પ્રકારના વેપારી પાસેથી આ ગરમ કપડાં ખરીદવાની ફરજ પાડતી હોવાનું પણ સામે આવ્યું છે. તેમ છતાં વધુ પૈસા ખર્ચવા છતાં પણ તે કપડાંની ગુણવત્તા જાણી જોઈને નબળી રાખવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. જેને કારણે દર વર્ષે અથવા તો એક સિઝનમાં જ ઘણીવાર વાલીઓએ આવા કપડાં બબ્બે વાર ખરીદવા પડે તેવી દશા થાય છે. જેનાથી સ્કૂલ સંચાલકો અને આવા મળતિયા વેપારીઓ પોતાનું પેટ ભરે છે. બીજી તરફ આવા હલકી ગુણવત્તાના કપડાં પહેરવાને લીધી વિદ્યાર્થીઓ બીમાર પડે છે અને તેમની ઠંડી સામે પુરતું રક્ષણ પણ મળતું નથી. આથી રાજ્યના શિક્ષણ વિભાગે વાલીઓ ઈચ્છે તેવા ગરમ પ્રકારના કપડાં વિદ્યાર્થીઓને પહેરાવી શકે તે બાબતે નિર્ણય લીધો છે. આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્કૂલોને ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવા ફરજ ન પાડવાની તાકિદ કરી છે.

શિક્ષણ મંત્રીએ શું કહ્યું?
રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાએ જણાવ્યુંકે, સ્કૂલો ચોક્કસ પ્રકારના ગરમ કપડાં પહેરવાની કે પછી કોઈ ચોક્કસ દુકાનેથી યુનિફોર્મ કે સ્વેટર ખરીદવાની ફરજ પાડે તો પણ સંચાલકો સામે પગલાં લેવાશે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ શાળાઓમાંથી વાલીઓ દ્વારા આ અંગેની ફરિયાદો શિક્ષણ વિભાગને કરવામાં આવી છે. 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news