લતીફના ઘરમાં ઘુસી દાઉદના સાગરીતને ઉઠાવી લેનાર ગુજરાતના મહિલા સિંઘમની કહાની

એ મહિલા આઈપીએસ અધિકારીની વાત જેનું નામ સાંભળીને એક સમયનો ગુજરાતનો ડોન લતીફ પણ ફફડતો હતો. લતીફ એના સાથીઓેને ઘણીવાર કહેતો કે આ બાઈનો કોઈ ભરોસો નથી એ ગમે ત્યારે ગોળી મારતા વાર નહીં કરે. જાંબાઝ મહિલા પોલીસ અધિકારી અને ગુજરાતના પહેલાં મહિલા ડીજીપી ગીથા જોહરીની કહાની...

લતીફના ઘરમાં ઘુસી દાઉદના સાગરીતને ઉઠાવી લેનાર ગુજરાતના મહિલા સિંઘમની કહાની

ઝી બ્યૂરો, અમદાવાદઃ પુરુષોના પ્રભુત્વવાળી આ કામગીરીમાં IPS તરીકે પ્રવેશ બાદ પોતાની જાતને ડગલે ને પગલે સાબિત કરવી પડે....  ૧૯૮૨ની બેચના ips અધિકારીએ અંધારી આલમની આંખે અંધારા લાવી દીધા હતા. ગુજરાતના વિવાદાસ્પદ કેસોની તપાસના પણ સાક્ષી બન્યા છે. આજે એ નિવૃત્ત છે પણ આજે પણ એક મહિલા પોલીસ અધિકારી અને ગુજરાતના મહિલા સિંઘમ ગણાતા ગીથા જૌહરીનું નામ આજે પણ પોલીસ ખાતામાં ભારે અદબથી લેવાય છે. ગોધરાકાંડની તપાસ હોય કે એન્કાઉન્ટર કેસ આ અધિકારીએ દરેક કેસમાં પૂરી તાકાત લગાવી હતી. આમ છતાં એ વિવાદોમાં પણ ઘેરાયા હતા. ગીથા જોહરીનો પરિવાર જોઈએ તો પોતે દક્ષિણ ભારતીય, પતિ અનિલ જોહરી આઇએફએસ રેન્ક વન અધિકારી હતા જેઓે ઉત્તર ભારતીય છે. બેડમિન્ટનમાં તેઓ ઇન્ટરનેશનલ પ્લેયર રહી ચૂક્યાં છે. વર્ષમાં એકવાર વિદેશમાં કોઇ પણ સ્થળે પરિવાર સાથે વેકેશન માણવું ગમે છે. જેઓ નિવૃત્તિ બાદ ગુજરાતની એક ફાર્મા કંપનીમાં જોડાયા હતા. 

કેવી રીતે બન્યા IPS ઓફિસર?
1982ની બેચના IPSએ કેમેસ્ટ્રીમાં M.Scનો અભ્યાસ કરેલો છે. કુખ્યાત લિકર માફિયા અબ્દુલ લતીફના અડ્ડા પર દરોડો પાડીને ચર્ચામાં આવેલાં ગીતા જોહરીએ સૌરાબુદ્દિન એન્કાઉન્ટર કેસની તપાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે ગુજરાતની મહિલાઓ પોતાને થતા અન્યાયની ફરિયાદ કરવા અડધી રાતે પણ નીડરતાથી પોલીસ મથકે જઈ શકે છે. પ્રોબેશનરી અધિકારી તરીકે અમદાવાદમાં પ્રથમ પોસ્ટિંગ મળ્યું. ત્યારબાદ સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર જેવા અનેક જિલ્લાઓમાં એક કડક અને કર્તવ્યનિષ્ઠ અધિકારી તરીકેની છાપ ઊભી કરી હતી.

વડોદરા પોલીસ ટ્રેનિંગના પ્રિન્સિપાલ રહ્યાંઃ
વડોદરા પોલીસ ટ્રેનિંગના પ્રિન્સિપાલ તરીકેની એમની કારકિર્દી સફળ રહી હતી. ગીથા જોહરી જ્યારે ડીસીપી ઝોન-4 અમદાવાદ શહેરમાં જોડાયાં ત્યારે અમદાવાદની અંધારી આલમની ઊંઘ ઊડી ગઇ હતી. 'નિર્દોષ નાગરિકોને પરેશાન કરતા આ ડોનને પકડવાની કોઇ પોલીસ અધિકારીમાં હિંમત નહોતી. નવી નિમણૂક, ઉકળતું લોહી અને યુનિફોર્મની તાકાતે પોપટીયા વાડની દુર્ગમ દીવાલોને ભેદી ડોન અબ્દુલ લતીફના ઘર સુધી પહોંચી ગયા હતા. પોપટીયાવાડમાં કોઈની જવાની હિંમત નહોતી પણ આ અધિકારી લતિફના ઘરે પહોંચ્યા હતા. 

જ્યારે ગુજરાતના ગૃહમંત્રીએ લતીફની ગેંગને ખતમ કરવાની જવાબદારી ગુજરાત કેડરની પ્રથમ મહિલા IPS અધિકારી ગીતા જોહરીને સોંપી હતી. આ તે સમય હતો જ્યારે લતીફના ઘરે પહોંચવા માટે SRPF જવાનોની એક કંપનીને સાથે રાખવી પડી હતી. કોઈપણ ભોગે લતીફને પકડવા માટે સરકારનું દબાણ હતું. ગીથા જૌહરીને આ કેસ સોંપાયો ત્યારે ઘણા અધિકારીઓ મૂછમાં મરકતા હતા પણ આ તમામ લોકોને આ મહિલા અધિકારીએ પોતાની દબંગાઈથી ખોટા પાડ્યા હતા. ઓપરેશન લતીફને અંજામ આપતી ગીતા જોહરી બપોરે ઓફિસમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે તે દરિયાપુર આવ્યો છે. જોહરીએ નક્કી કર્યું કે સીધા દરિયાપુર જવાને બદલે તે દરિયાપુર પોલીસ ચોકીએ ગયા હતા. જ્યાં તેમણે ડીવાયએસપી એ.કે.જાડેજા અને પીએસઆઈ પટેલને બોલાવ્યા હતા. માત્ર ત્રણ પોલીસ અધિકારીઓએ જ્યાં પોલીસ ફોર્સની જરૂર હતી ત્યાં જવાનું નક્કી કર્યું અને તેઓ ઓટો રિક્ષામાં પોપટીયાવાડ પહોંચ્યા ત્યારે લતીફ અને શરીફ ખાન બહાર બેઠા હતા.

ઝવેરીએ એ સમયે શરીફખાનના લમણે બંદુક તાકીને તેને તો પકડી લીધો હતો પરંતુ લતીફ ધાબા પરથી ભાગી ગયો હતો. એ સમયે જાડેજાએ લાંબા સમય સુધી તેનો પીછો કર્યો, પરંતુ તેઓ શરીફને પકડી શક્યા ન હતા. આ રીતે લતીફના કિલ્લા સુધી પહોંચનારા ત્રણ અધિકારીઓ પ્રથમ હતા. લતીફ એટલો ડરી ગયો હતો કે તે ભાગી ગયો હતો. દરમિયાન ગુજરાત એટીએસની સ્થાપના થતાં જ જાડેજાને એટીએસમાં મૂકવામાં આવ્યો હતો. જાડેજા એટીએસમાં હતો ત્યારે લતીફ દિલ્હીમાં હોવાનું બહાર આવ્યું હતું. ટેલિફોન દ્વારા તેમના પરિવારના સંપર્કમાં હતા. ગુજરાત ATSમાં માત્ર એક જ અધિકારી જાડેજા હતા, જેઓ લતીફને અવાજથી ઓળખતા હતા. ટેલિફોન એક્સચેન્જમાં બેઠેલા જાડેજાએ લતીફનો ફોન સાંભળ્યો હતો અને તે લતીફ હોવાનું કન્ફર્મ કર્યું હતું, જેના આધારે એટીએસે દિલ્હીમાં ઓપરેશન હાથ ધરી લતીફની ધરપકડ કરી હતી.

લતીફના ઘરમાં ઘુસવાની અધિકારીની હિંમત નહોંતી, પણ અલગ માટીની બની બનેલી હતી આ મહિલાઃ
લતીફ Latif ના ઘરમાં દાખલ થવાની આ જ સુધી કોઈ પોલીસ અધિકારીએ હિમંત કરી ન્હોતી પણ ડી.વાય.એસ.પી. એ. કે. જાડેજા , પીએસઆઈ પટેલ અને ગીથા જૌહરી પહોંચ્યા હતા. જેઓએ દાઉદના ખાસ સાથી શરીફખાનને લમણે બંદુક મૂકી ઉઠાવી લાવ્યા હતા. જોકે, એ સમયે એકે સુરેલિયા ના હોત તો ગીથા જૌહરીને સફળતા મળી ન હોત... શરીફખાન બાદમાં ફરાર થઈ ગયો હતો પણ જાંબાઝ મહિલા અધિકારી તરીકે તેમનો પોલીસ ખાતામાં દબદબો વધી ગયો હતો. ગીથા જોહરી માટે કિરણ બેદી એ આદર્શ હતા. જોહરીએ ગુજરાતના ડીજીપી પદેથી રિટાયર્ડ થઈ પોલીસ ખાતામાં તેમનો દબદબો ઉભો કર્યો હતો. તેઓ ગુજરાતના મોટાભાગના કેસના સાક્ષી છે. આજે પણ આ મહિલા અધિકારી ગુજરાત પોલીસના સિંઘમ ગણાય છે. પોલીસ ખાતામાં જ્યારે પણ મહિલા પોલીસ અધિકારીનું નામ લેવાશે ત્યારે સૌથી પહેલું નામ ગીથા જોહરી હશે.

ગીતા જૌહરીને વિવાદોએ પણ નથી છોડ્યો પીછો..
જો કે, ગોધરા પછીના રમખાણો અને સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર વિશેષ તપાસ ટીમ (SIT)માં તપાસ અધિકારી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેઓ સવાલોના ઘેરામાં આવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે 2010માં જોહરીને તેમના પર લાગેલા આરોપોને પગલે SITમાંથી પોતાને અલગ કરવા કહ્યું હતું. સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેના નજીકના સાથી તુલસીરામ પ્રજાપતિની એન્કાઉન્ટર હત્યાની તપાસનું નેતૃત્વ કરતી વખતે જોહરીને પણ સર્વોચ્ચ અદાલતે ફટકાર લગાવી હતી.

જોહરીએ સોહરાબુદ્દીનના કથિત નકલી એન્કાઉન્ટર અને તેની પત્ની કૌસર બીના અચાનક ગુમ થવા અંગે સર્વોચ્ચ અદાલતમાં પ્રથમ તપાસ અહેવાલ દાખલ કર્યો હતો, જેના કારણે આખરે ડીજી વણઝારા સહિત ત્રણ તત્કાલિન IPS અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં સર્વોચ્ચ અદાલતે જોહરીની આગેવાની હેઠળની તપાસની રીત પર નારાજગી વ્યક્ત કરી હતી. બાદમાં તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી અને એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે જૌહરીએ પ્રજાપતિ કેસમાં તપાસમાં વિલંબ કર્યો હતો અને કેટલાક કેસ રેકોર્ડનો નાશ કર્યો હતો. પરંતુ તેની સામેના આરોપોની સુનાવણી કોર્ટમાં થઈ શકી ન હતી કારણ કે ગુજરાત સરકારે તેમની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી ન હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news