Asthma Day : ગુજરાતના 1600 કિમી દરિયાના કાંઠે વસતા લોકો સૌથી વધુ અસ્થમાના શિકાર

World Asthma Day : ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, દરિયા કિનારાની આસપાસ આવેલા વિસ્તારોમાં અસ્થમાના લક્ષણ ધરાવતા લોકોની સંખ્યા અન્ય વિસ્તારોની તુલનામાં વધારે જોવા મળે છે

Asthma Day : ગુજરાતના 1600 કિમી દરિયાના કાંઠે વસતા લોકો સૌથી વધુ અસ્થમાના શિકાર

અતુલ તિવારી/અમદાવાદ :3 મે એટલે કે વિશ્વ અસ્થમા દિવસ. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ અસ્થમા અંગે સમાજમાં જાગૃતતા કેળવવાનો છે. ત્યારે ગુજરાતમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયો છે, અને આ દરિયો અસ્થમાના દર્દીઓ વધારવાનુ કારણ પણ છે. કારણ કે, દરિયા કિનારાના લોકો અસ્થમાના સૌથી વધુ શિકાર થઈ શકે છે. 

1600 કિમી દરિયો અસ્થમાના દર્દીઓ માટે જોખમી
જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડોક્ટર પાર્થિવ મહેતાએ કહ્યું હતું કે ભેજવાળું વાતાવરણ હોય તેવા વિસ્તારોમાં અસ્થમાના દર્દીઓની સંખ્યા સામાન્ય કરતા વધુ જોવા મળતી હોય છે. ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, દરિયા કિનારાની આસપાસ આવેલા વિસ્તારોમાં અસ્થમાના લક્ષણ ધરાવતા લોકોની સંખ્યા અન્ય વિસ્તારોની તુલનામાં વધારે જોવા મળે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વસતા લોકોની તુલનામાં દેવભૂમિ દ્વારકા, સોમનાથ, જામનગર, વલસાડ, વાપી, સુરત, અમરેલી, ભાવનગર, વલસાડમાં રહેતા લોકોમાં અસ્થમાના લક્ષણો વધુ જોવા મળતા હોય છે. મધ્ય તેમજ ઉત્તર ગુજરાતની સરખામણીમાં આ જિલ્લાઓમાં અસ્થમાના દર્દીઓ અઢી ગણા છે. તેનુ કારણ દરિયા કિનારાની ભેજવાળી હવા છે. જે દરેક વ્યક્તિને માફક આવતુ નથી. આવા લોકોને શ્વાસ લેવામાં વધુ તકલીફ પડે છે. 

શ્વાસ ચઢે તો ચેતી જવું 
દર વર્ષે વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી અલગ અલગ થીમ પર કરવામાં આવે છે. આ વર્ષે અસ્થમા દિવસની થીમ 'ક્લોઝિંગ ગેપ્સ ઈન અસ્થમા કેઅર્સ' રાખવામાં આવી છે. વિશ્વભરમાં અંદાજે 40 કરોડ લોકો અસ્થમાના શિકાર છે, જેમાં ભારતની હિસ્સેદારી 25 ટકા એટલે કે 10 કરોડ ભારતીયો અસ્થમાના શિકાર છે. વિશ્વમાં દર 100 વ્યક્તિમાંથી 6 થી 8 લોકો અસ્થમાની બીમારીથી પીડાઈ રહ્યું છે. અસ્થમાની બિમારી નાની વયના બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામમાં જોવા મળે છે. અસ્થમા એ શ્વાસનળીનો અને ફેફસાં સાથે સંકળાયેલી એક ગંભીર બીમારી છે. અસ્થમા છે કે નહીં તે જાણવા પલ્મોનરી ટેસ્ટ, લંગ્સ ફંગસન ટેસ્ટ કરવામાં આવે છે. અસ્થમાના દર્દીને કેટલીકવાર સમયસર ઇલાજ ન મળે તો મૃત્યુ પણ થઇ શકે છે. ડોક્ટર પાર્થિવ મહેતાએ અસ્થમાના લક્ષણો અંગે જણાવ્યું કે, ખાંસી આવવી, શ્વાસ લેવામાં તકલીફ - ગભરાટ થવી, છાતીમાં અસહ્ય દુખાવો થવો તેમજ શ્વાસ ચઢે એટલે લોકોએ ચેતવું જોઈએ. 

અસ્થમા જીવલેણ બની શકે છે 
અસ્થમાના લક્ષણો વધી જાય તો દર્દી અસ્થમાનો એટેક પણ આવતો હોય છે. અસ્થમાની બિમારીથી પરેશાન દર્દીઓને કેટલાક કિસ્સામાં ઓક્સિજન સપોર્ટ તેમજ ICUમાં સારવારની પણ જરૂર પડતી હોય છે. અસ્થમાનો સ્થાયી રૂપથી કોઇ ઇલાજ શક્ય નથી પરંતુ નિશ્ચિત કાળજી રાખવાથી અસ્થમા ઉપર કાબૂ મેળવી શકાય છે. 

અસ્થમા ક્યારે થઈ શકે છે 
હવામાં રહેલા રજકણોને કારણે અસ્થમા સમસ્યાનું કારણ બનતું હોય છે. ધૂળ-માટી, પરાગ, ફંગસ, પાળતુ જાનવરોની રસીને કારણે અસ્થમાની સમસ્યા થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં વાતાવરણમાં રહેલું પ્રદૂષણ, વાઇરલ ઇન્ફેક્શનના કારણે અસ્થમાની સમસ્યા જોવા મળતી હોય છે. બિનજરૂરી કસરત કરવાથી પણ અસ્થમાના લક્ષણ વધતાં હોય છે, વાતાવરણમાં ફેરબદલ થતા પણ અસ્થમાની સમસ્યા જોવા મળે છે, ચિંતા તેમજ ભાવનાત્મક રીતે ઉદ્ભવતી સમસ્યાઓને કારણે પણ વ્યક્તિ અસ્થમાનો શિકાર બને છે. 

અસ્મથાના દર્દીએ આટલુ ધ્યાન રાખવું 

  • અસ્થમાની સમસ્યા હોય એવા સૌ કોઈ વ્યક્તિએ ધૂળ અને માટીથી ફરજિયાત બચવું જોઈએ
  • હાલ ગરમીની સીઝનમાં ખાસ બરફ ગોળા, આઈસ્ક્રીમ, બરફ નાખેલો શેરડીનો રસ, બહારથી આવીને તરત ઠંડુ પાણી ના પીવું, કૃત્રિમ રંગવાળો ખોરાક લેવાથી બચવું જોઈએ
  • પ્રદૂષિત વાતાવરણમાં જવાનું ટાળવું જોઇએ તેમજ ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ
  • શરીરને કોઈ ચીજ વસ્તુની એલર્જી હોય તો તેનાથી પણ બચવું હિતાવહ છે
  • યોગ, પ્રાણાયમ તેમજ તરવું આ તમામ પ્રક્રિયાઓ શ્વસનતંત્રને મજબૂત કરે છે, શક્ય હોય તો આ પ્રકારની આદત પાડવી જોઈએ
  • નિયમિત હુંફાળું પાણી પીવું, નિયમિત નાક - ગળું હૂંફાળા પાણીથી સાફ કરવું તેમજ ગરમ પાણીથી નાસ લેવો જરૂરી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news