શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત; રાજ્યમાં ફરી ઓનલાઇન, ઓફલાઈન શિક્ષણ વિશે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી- બાળકોના વ્યાપક આરોગ્યરક્ષા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત; રાજ્યમાં ફરી ઓનલાઇન, ઓફલાઈન શિક્ષણ વિશે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાતમાં હાલ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઇ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી 2022 સુધી વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફલાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 

આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી- બાળકોના વ્યાપક આરોગ્યરક્ષા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત તા. 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે, 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે. આ નિર્ણયની સમયાવધિ આજે પૂર્ણ થતા કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ ઓફલાઈન- વર્ગખંડ શિક્ષણ હજી વધુ સમય એટલે કે, 5 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમ શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું. 

તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હવે તારીખ 5 ફેબ્રુઆરીએ સ્થિતિની પુનઃ સમીક્ષા કરીને શાળાઓમાં ક્લાસ રૂમ ટિચિંગ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ અંગે યોગ્ય નિર્ણય કરશે.

ઉલ્લેખનીય છે કે કોર કમિટીની આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news