વિકાસની વાતો અને ભરોસોની સરકારના રાજમાં આ રીતે ભણશે બાળકો? બેસવાનું તો ઠીક, શૌચલય સુદ્ધાં નથી!

સ્કૂલ ચલે હમ અને ભાર વિનાના ભણતર સાથે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતની મસમોટી વાતો કરતી ગુજરાત સરકારના શિક્ષણ પ્રત્યેના ગતિશીલ દાવા પોકળ સાબિત થઈ રહયા છે.

વિકાસની વાતો અને ભરોસોની સરકારના રાજમાં આ રીતે ભણશે બાળકો? બેસવાનું તો ઠીક, શૌચલય સુદ્ધાં નથી!

અલકેશ રાવ/બનાસકાંઠા: ગુજરાત સરકાર શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરી અદ્યતન સુવિધાઓ વાળી સ્કૂલો બનાવવાની મસમોટી જાહેરાતો કરી રહી છે, ત્યારે બનાસકાંઠાના અનેક વિસ્તારની સરકારી શાળાઓ સુવિધાઓ ઝંખી રહી છે. વડગામના સેબલપુર ગામની પ્રાથમિક શાળામાં ફક્ત બે ઓરડાઓ છે અને તે પણ જર્જરિત અને ઓરડાના પતરાં તૂટી ગયા હોવાથી ઠંડી હોય કે તાપ કે પછી વરસાદ હોય બાળકો તૂટેલા પતરાં વાળા ઓરડામાં ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. તો શાળામાં શોચલાયની સુવિધા નથી તો શાળાના બાળકો મધ્યાહન ભોજનથી વંચિત હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. 

સ્કૂલ ચલે હમ અને ભાર વિનાના ભણતર સાથે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતની મસમોટી વાતો કરતી ગુજરાત સરકારના શિક્ષણ પ્રત્યેના ગતિશીલ દાવા પોકળ સાબિત થઈ રહયા છે. સ્કૂલ પ્રવેત્સોવ વખતે વિધાર્થીઓને ઉત્તમ સગવડો સાથે શિક્ષણ મળે તેવા તાયફાઓ દરેક શાળાઓમાં નેતાઓ અને સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે, ત્યારે વડગામ તાલુકાના હોતાવાડા પ્રાથમિક શાળાની સબલપુર પેટા પ્રાથમિક શાળાની હાલત ખુબ જ બિસ્માર હાલત છે. 

આ સ્કૂલના જર્જરીત ઓરડામાં 30 બાળકો બેસવા મજબુર બન્યા છે. જે શિક્ષણના ઠેકેદારોની પોલ ખોલી રહ્યા છે. સબલપૂરમાં પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં 30 જેટલા અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં ફક્ત બે જ ઓરડા છે અને તેમાંથી એક ઓરડો બિલકુલ ડેમજ હોવાથી તે બંધ કરી દેવાયો છે તો બીજા ઓરડામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે, તેના પતરાં તૂટી ગયા છે તો તેની દીવાલોમાં મોટી તીરાડો પડી ગઈ છે. જેથી માસુમ બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

તો બીજી બાજુ શાળામાં શોચાલયની કોઈ જ સુવિધા નથી તો પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નથી તો મહત્વની અને ચોંકાવનારી વાત એ છે કે આ પેટા શાળામાં ભણતા 30 જેટલા વિધાર્થીઓને મધ્યાહન ભોજન મળતું નથી જેને લઈને ગરીબ બાળકોને મફત ભોજનનો લાભ મળતો નથી. સરકારનો દાવો છે કે છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિધાર્થીઓને પણ મધ્યાહન ભોજનનો લાભ મળે છે પરંતુ અહીં મુખ્ય શાળાથી ફક્ત એક કિલોમીટર દૂર આવેલી મુખ્યશાળાની જ પેટા શાળાના વિધાર્થીઓને મધ્યાહન ભોજન મળતું નથી એટલે સવાલ એ થાય છે કે બાળકોના હકના ભોજનના પૈસા કોઈ ખાઈને બાળકોનો કોળિયો ઝૂંટવી રહ્યું છે કે પછી બાળકોને મધ્યાહન ભોજન મળે તે માટે કોઈને કાંઈ પડી નથી જેથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

ગ્રામજનોએ શાળાની સુવિધાઓની કમીઓને લઈને વારંવાર ઉચ્ચ કક્ષાએ લેખિત અને મોખિક રજૂઆતો સહિત ગ્રામ પંચાયતના ઠરાવો પણ કરી તેમના લેટરપેડ પણ રજૂઆત કરવામાં આવી છે પણ હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી. ત્યારે બાળકોનું ભવિષ્ય જોખમાતુ જોઈ સ્કૂલ નવી બનાવવાની ગ્રામજનો માંગ કરી રહ્યા છે અને જો તેમની માંગ નહિ સ્વીકારાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. 

સેબલપુર પેટા પ્રાથમિક શાળામાં ફક્ત બે જ ઓરડા છે અને તે પણ જર્જરિત હાલતમાં છે. શાળાના ઓરડા તૂટેલા છે પતરાં તૂટી ગયા છે શોચલાય નથી પાણીની યોગ્ય વ્યવસ્થા નથી તો બાળકોને મધ્યાહન ભોજન મળતું નથી. શાળામાં કોઈ સુવિધાઓ જ નથી બાળકોનું ભવિષ્ય જોખમાયું છે અમે અનેક રજૂઆતો કરી પણ કઈ થતું નથી જો હવે કઈ નહિ થાય તો અમે શાળાને તાળાબંધી કરીશું.

હતાવાડા પ્રાથમિક શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ છે પરંતુ તેની જ પેટા શાળા સબલપુરમાં કોઈ જ વ્યવસ્થા ન હોવાથી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે તો બાળકોના હકનું મધ્યાહન ભોજન પણ તેમને મળતું નથી તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે ગોળગોળ જવાબ આપીને બાળકોને મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરવાની વાત કઈ પોતાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કર્યા હતા હવે જોવાનું એ રહ્યું કે બાળકોને ક્યારે નવા ઓરડા મળે છે અને ક્યારે મધ્યાહન ભોજન મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news