હાઈકોર્ટનો ગુજરાત સરકારને આદેશ, માસ્ક ન પહેરનારાઓને કોવિડ કેર સેન્ટરમાં સેવા કરાવડાવો

હાઈકોર્ટનો ગુજરાત સરકારને આદેશ, માસ્ક ન પહેરનારાઓને કોવિડ કેર સેન્ટરમાં સેવા કરાવડાવો
  • ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં માસ્ક નહિ પહેરનારા લોકોને covid કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામુ બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે

આશ્કા જાની/અમદાવાદ :ગુજરાત સરકાર દ્વારા કોરોનાના નિયંત્રણ માટે લેવામાં આવેલી ઢીલાશ પર હાઈકોર્ટ દ્વારા લાલ આંખ કરાઈ છે. જેથી સરકાર પણ સફાળી દોડતી થઈ છે. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા મોટો નિર્ણય લીધો છે. હાઈકોર્ટમાં કોરોના મુદ્દે સુઓમોટો અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં માસ્ક નહિ પહેરનારા લોકોને covid કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામુ બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. સાથે જ માસ્ક ન પહેરનારા વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે. માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને રોજના પાંચ થી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. આ કોમ્યુનિટી સર્વિસનો સમય પાંચ દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજુ કરે તેવો પણ કોર્ટે હુકમ કર્યો છે. 

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનાર, સોશ્યલ ડિસ્ટન્સ અને અન્ય નિયમનોનું પાલન કરનાર લોકો માટે કોવિડ કેર સેન્ટરમાં નોન મેડિકલ સેવા માટે મોકલવાનો પરિપત્ર બહાર પાડવાનો હુકમ કર્યો છે. બે દિવસ પહેલાં જ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો હતો. 

કાંતિ ગામિતના પરિવારના લગ્ન પ્રસંગ મામલે પણ હાઈકોર્ટે ઝાટકણી કાઢી 
તો બીજી તરફ, તાપી ખાતે યોજાયેલા ભાજપના નેતા કાંતિ ગામિતના પરિવારના પ્રસંગની પણ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે પૂછ્યું કે, તાપી ખાતે યોજાયેલ લગ્ન સમારોહમાં આટલી ભીડ આવી ક્યાંથી. લગ્ન સમારોહનો વીડિયો અમે જોયો. ભાજપના નેતા કાંતિ ગામિતના પરિવારમાં લગ્ન હતા. ત્યારે સરકારે 6 હજારની ભીડ સામે શુ પગલાં લીધા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ અંગે જવાબ આપવામાં આવ્યો કે, સરકાર દ્વારા આ મામલે પોલીસ કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ભાજપના નેતા કાંતિ ગામિતની પૌત્રીના સગાઈ સમારોહમાં 6 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. વીડિયો બહાર આવ્યા બાદ કાંતિ ગાવિતે માફી માંગી હતી. તો બીજી તરફ, સરકારે તેની ગંભીર નોંધ લેતા તપાસના આદેશ આપ્યા હતા. 

હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી 
હાઈકોર્ટે કોરોનાને મામલે સુઓમોટો દાખલ કરી હતી. બે દિવસથી આ મામલે સુનવણી ચાલી રહી છે. માસ્ક મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે, માસ્ક ન પહેરનારાઓને કોવિડ કેર સેન્ટરમાં કામ કરાવડાવો. આ રીતે કામ કરાવશો તો જ લોકોમાં ગંભીરતા આવશે. આ મામલે જાહેરનામુ બહાર પાડવામાં આવે. કામગીરી બાદનો રિપોર્ટ પણ એક અઠવાડિયા બાદ કોર્ટમાં સબમિટ કરવાનો રહેશે. આમ, માસ્ક મામલે હાઈકોર્ટ દ્વારા ગંભીરતા દાખવવામાં આવી છે. 

સરકારે ગઈકાલે કહ્યું કે, અમે તૈયાર છીએ. પરંતુ સરકાર એટલી સક્ષમ નથી. ત્યારે હાઈકોર્ટે સવાલ પણ કર્યા હતા કે, સરકાર કેમ સક્ષમ નથી. સરકારે કડક પગલા લેવા પડશે. હાઈકોર્ટની આ ઝાટકણીની અસર ગુજરાત સરકાર પર જોવા મળી. જેથી આજે કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા થઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news