રાજ્યની યુનિવર્સિટી-કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓ માટે 7મા પગારપંચની જાહેરાત

રાજ્ય સરકાર સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરાકરી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2019થી 7મા પગાર પંચ મુજબ વેતન ચુકવશે, સાથે જ કર્મચારીઓને એરિયર્સ પણ ચૂકવવામાં આવશે 

રાજ્યની યુનિવર્સિટી-કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓ માટે 7મા પગારપંચની જાહેરાત

હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યની સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરકારી અુદાનિત કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓને કેન્દ્રીય સાતમા પગારપંચની ભલામણો મુજબ પગાર સુધારણાનો લાભ સ્કેલ ટૂ સ્કેલ આપવામાં આવશે. 1 જાન્યુઆરી, 2019થી નવા પગારધોરણ મુજબ વેતન ચૂકવવામાં આવશે. 

આ સાથે જ 1 જાન્યુઆરી, 2016થી 1 જાન્યુઆરી, 2019 સુધીના પગારભથ્તા પેટે ચૂકવવાની થતી એરિયર્સની રકમ પણ ભારત સરકાર તરફથી મળવાપાત્ર તફાવતની 50 ટકા રકમ મળ્યા બાદ રાજ્ય સરકાર નક્કી કરે તે મુજબ ચૂકવવામાં આવશે. 

તારીખ 1 જાન્યુઆરી, 2016થી 1 જાન્યુઆરી, 2019 સુધી રાજ્યના શૈક્ષણિક કર્મચારીઓનું કુલ એરિયર્સ રૂ.904.21 કરોડ જેટલું થવા જાય છે. તેના અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે આ એરિયર્સના 50 ટકા લેખે રૂ.452.11 કરોડ ચૂકવવામાં આવશે ત્યાર બાદ રાજ્ય સરકાર આ લાભ ચૂકવશે. 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે કેન્દ્રીય શૈક્ષણિક કર્મચારીઓને નવા વર્ષની ભેટ સ્વરૂપે 7મા પગારપંચનો લાભ આપવાની જાહેરાત કરાઈ હતી. આ સાથે જ કેન્દ્ર સરકારે રાજ્યોને પણ 7મું પગારપંચ લાગુ કરવાની સ્થિતિમાં ચૂકવવાપાત્ર થતી એરિયર્સની રકમના 50 ટકા રકમ પોતે ભોગવવાની બાંહેધારી આપી હતી. ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમને પગલે આ જાહેરાત કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news