ડિસેમ્બરમાં પણ ઠંડી ન પડતા ખેડૂતોની હાલત કફોડી, સતાવી રહ્યો છે પાક નિષ્ફળ જવાનો ડર

ડિસેમ્બરમાં પણ ઠંડી ન પડતા ખેડૂતોની હાલત કફોડી, સતાવી રહ્યો છે પાક નિષ્ફળ જવાનો ડર

ઝી બ્યૂરો, અમદાવાદઃ ડિસેમ્બર મહિનો હવે પૂરો થવામાં છે તેમ છતાં ઠંડી ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સામાન્ય રીતે ડિસેમ્બરના આ સમયમાં ઠંડી પડે છે અને રવિ પાક માટે તે જરૂરી પણ છે. પરંતુ આ વખતે ઠંડી ન પડતા પાક પર જોખમ ઉભું થયું છે.

ગુજરાતમાં આ વર્ષે શિયાળાની નહિંવત અસર જોવા મળી રહી છે. ડિસેમ્બર મહિનો પુરો થવામાં છે ત્યારે ઠંડી નથી પડી રહી છે. હવામાન વિભાગે 2 દિવસ બાદ થોડી ઠંડી વધવાની આગાહી કરી છે. શિયાળાની ઋતુ મોડી શરૂ થવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે હાલના પાકને ઠંડીની જરૂર હોય છે. જો પુરતા પ્રમાણમાં ઠંડી ન પડે તો પાક નિષ્ફળ જવાનો ડર છે.

અરવલ્લી જિલ્લામાં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઠંડી ન પડતા ઘઉંના પાકને નુકસાનની ભીતિ છે. ઘઉંની વાવણીને એક મહિના કરતા વધુ સમય થઈ ગયો છે. 70 હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. ઘઉંના પાક માટે ઠંડીની જરૂર રહે છે. ઠંડીનું પ્રમાણ નહીંવત રહેતા જિલ્લાના ખેડૂતોનું મોટું નુકસાન થઈ શકે છે.

ન માત્ર ઘઉં પરંતુ રાયડા, કપાસ, એરંડાનું વાવેતર કર્યું છે તેવા ખેડૂતો પણ ચિંતામાં છે. પાટણ જિલ્લામાં જ ખેડૂતોએ 1 લાખ 90 હજાર હેક્ટરમાં રાયડો, ઘઉં, કપાસ, એરંડા સહીતના વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. પણ ઠંડીની જગ્યાએ એકાએક ગરમીનું વાતાવરણ ઉભું થતા રાયડાના  પાકમાં મોલો મસી રોગચાળો આવી જવા પામ્યો છે. 

હાલ તો ખેડૂતો પર પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. અને હવે પાક બચાવવાં માટે મોંઘા ભાવની દવાનો છંટકાવ  કરી પાક બચાવવાં માટેના પ્રયત્નો શરુ કર્યા છે. પાટણ જિલ્લામાં ખેડૂતો એ 34 હજાર હેક્ટર જમીનમાં રાયડાના પાકનું વાવેતર કર્યું છે અને તેમાં રોગ ચાળો આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news