શું વિધાનસભામાં AAP નું પાટીદાર કાર્ડ ચાલશે? જાણો ગોપાલ ઈટાલિયા અને ઈશુદાન ગઢવી ક્યાંથી લડશે ચૂંટણી

આપના નેતા ઈશુદાન ગઢવી પણ હવે ગોપાલ ઈટાલિયાને પાટીદાર નેતા તરીકે પ્રમોટ કરતા નજરે પડી રહ્યાં છે. ત્યારે ગોપાલ ઈટાલિયા અને ઈશુદાન ગઢવી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

શું વિધાનસભામાં AAP નું પાટીદાર કાર્ડ ચાલશે? જાણો ગોપાલ ઈટાલિયા અને ઈશુદાન ગઢવી ક્યાંથી લડશે ચૂંટણી

ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતમાં પરંપરાગત ગણાતા ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આવખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે. જેને કારણે આ વખતે ગુજરાતમાં પહેલીવાર ત્રિ-પાંખિયાના ચૂંટણી જંગનું વાતાવરણ ઉભું થયું છે. ચૂંટણીટાણે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દૌર ચાલતો હોય છે એ માહોલ હવે દિવસે-દિવસે ગરમાવો પકડતો જાય છે. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા છેલ્લાં કેટલાંક દિવસથી સતત ચર્ચામાં છે. ક્યારેક મહિલાઓ વિશે, ક્યારેક હિન્દુ ધર્મ અને પરંપરાઓ તો ક્યારેક પ્રધાનમંત્રી વિશે આપત્તિજનક ટિપ્પાણીઓ અને વિવાદિત વીડિયો બનાવવાના લીધે ગોપાલ ઈટાલિયા ચર્ચામાં છે. અને હું ચૂંટણી લડીશ, જીતીશ અને ગુજરાતમાં પરિવર્તન લાવીશ તેવું પણ સતત ઈટાલિયા કહેતા આવ્યાં છે. આ સ્થિતિમાં તે કઈ બેઠક પરથી ચૂંટણી લડશે એ સવાલ પણ હવે ચર્ચાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છેકે, હાલમાં જ દિલ્લીમાં ગોપાલ  ઈટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત પરત આવ્યાં પછી ગોપાલ ઈટાલિયાએ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટીદાર કાર્ડ ખેલ્યું છે. ઈટાલિયાએ મીડિયાને આપેલાં નિવેદનમાં જણાવ્યું છેકે, ભાજપ સરકાર પાટીદારીને અન્યાય કરી રહી છે. ભાજપ સરકાર પાટીદારો સાથે ભેદભાવ રાખી રહી છે. બીજી તરફ આપના નેતા ઈશુદાન ગઢવી પણ હવે ગોપાલ ઈટાલિયાને પાટીદાર નેતા તરીકે પ્રમોટ કરતા નજરે પડી રહ્યાં છે. ત્યારે ગોપાલ ઈટાલિયા અને ઈશુદાન ગઢવી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

આ પણ ખાસ વાંચોઃ  કોણ બનશે રાવપુરાના રાવ? શું રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તું કપાશે? જાણો વિધાનસભાની વાત
 
આપ પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા અને ઇસુદાન ગઢવીનો ચૂંટણી લડવાનો તખતો તૈયાર થઈ ગયો છે. આપના સંયુક્ત રાષ્ટ્રીય મહામંત્રી ઈસુદાન ગઢવી માટે ત્રણ બેઠકો પર આમ આદમી પાર્ટી દ્વારા હાલ સર્વે ચાલી રહ્યો છે. મળેલી માહિતી મુજબ ઈશુદાન ગઢવી આપમાંથી રાજકોટ ,જામખંભાળીયા કે દ્વારકાથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે. જ્યારે બીજી તરફ આપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા માટે બે બેઠક પર સર્વે ચાલી રહ્યો છે. ગોપાલ ઈટાલિયા ગુજરાત વિધાનસભાની બોટાદ અથવા ધારી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. બે માંથી એક નેતા શહેરી વિસ્તાર અને એક ગ્રામ્ય વિસ્તારમાંથી ચુંટણી લડશે એવી તૈયારીઓ કરવામાં આવી છે.

 

આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. કેજરીવાલ ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે 16 અને 17 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ બે દિવસમાં ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચાર જનસભાને સંબોધશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેજરીવાલની જાહેર સભાનું આપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર અને આણંદ સહિત ચાર સ્થળે કેજરીવાલની જાહેરસભાનું આયોજન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news