આજે આવશે કોરોનાની નવી ગાઈડલાઈન, કરફ્યૂનો સમય ઘટાડાય તેવી શક્યતા
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :આજે રાજ્ય માટે કોરોનાના નવા નિયંત્રણોની જાહેરાત થઈ શકે છે. કોરોનાના હાલના નિયંત્રણોની સમયમર્યાદા આવતીકાલે સવારે 6 વાગ્યે પૂર્ણ થઈ રહી છે. ત્યારે આજે સરકાર નિયંત્રણો જાહેર કરી શકે છે. હાલ કેસમાં થયેલા ઘટાડાને જોતા રાજ્યની જનતાને થોડી છૂટછાટ મળી શકે છે. રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદામાં ઘટાડો થઈ શકે તેવી પણ શક્યતા છે. કોરોના રસીના વિક્રમી 10 કરોડ ડોઝ અને ત્રીજી લહેર પણ પૂર્ણતાના આરે છે ત્યારે નાગરિકોને ફરજિયાત માસ્કમાંથી મુક્તિ આપવા માટે સરકારે ગંભીરતાથી વિચારણા શરૂ કરી છે. સાથે જ જાહેર કાર્યક્રમો અને પ્રસંગોમાં વધુ લોકોને છૂટ આપવામાં આવી શકે છે.
કોરોનાના કેસમાં ઘટાડાથી કહી શકાય છે કે ત્રીજી લહેર પૂર્ણતાના આરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે માસ્કથી લોકો કંટાળ્યા છે અને એવું ઇચ્છી રહ્યા છે કે આ જાય તો સારું, આ બાબતે અમે પણ ચર્ચા કરી છે. હવે જ્યારે કેસો ઘટી રહ્યા છે ત્યારે આપણે આ મહામારીમાંથી બહુ સારી રીતે બહાર આવી રહ્યા છીએ. એની સાથે માસ્કમાંથી પણ આપણને બહુ ઝડપથી મુક્તિ મળશે. ત્યારે શુ લોકોને માસ્કમાંથી મુક્તિ મળશે કે નહિ તે જોવુ રહ્યું.
ગુજરાતમાં આજે કોરોનાના આંકડાઓમાં ફરી એકવાર ઘટાડો આવ્યો હતો. આજે કોરોનાના નવા 2560 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ આજે 8,812 દર્દીઓ સાજા થયા હતા. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 22 ને પ્રથમ અને 568 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 4,422 ને પ્રથમ અને 456 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 17,129 ને પ્રથમ અને 36014 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના તરૂણો પૈકી 11,887 ને પ્રથમ અને 34,212 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 32,384 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 1,37,094 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,03,43,811 રસીના ડોઝ અપાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે