લોકસભા માટે કોંગ્રેસનો મોટો દાવ, ભાજપની ક્લીન સ્વીપની હેટ્રિક રોકવા આ બેઠકોને ટાર્ગેટ કરશે
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસે શરૂ કરી આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ... 26માંથી નવ બેઠકો કોંગ્રેસના પહેલા ટાર્ગેટ પર... ભાજપની ક્લીન સ્વીપની હેટ્રિક રોકવા કોંગ્રેસનો પ્રયાસ...
Trending Photos
Loksabha Election ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાત કૉંગ્રેસે લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી. વિધાનસભામાં જેવી માત મળી તેવુ લોકસભામાં ન થાય તે માટે ગુજરાત કોંગ્રેસે અત્યારથી જ પ્લાનિંગ કર્યું છે. ત્યારે હવે ક્યાંય કાચુ ન કપાય તે માટે ગુજરાત કોંગ્રેસ પ્લાનિંગ કરી રહી છે. જેના ભાગ રૂપે એક આયોજન કરાયું છે, અને ગુજરાતની વિવિધ લોકસભાની બેઠકોને વિવિધ કેટેગરીમાં વહેંચવામાં આવી છે, તે મુજબ તેના પર ફોકસ કરાશે. છેલ્લી બે લોકસભામાં ખાતું ના ખોલી શકનાર કોંગ્રેસને ગુજરાતમાં સારા પ્રદર્શનની આશા છે.
આ બેઠકો પર કોંગ્રેસની નજર
ગુજરાત લોકસભાની 26 પૈકી 9 બેઠકો કોંગ્રેસની પ્રથમ શ્રેણીમાં મૂકાઈ છે. 2004 અને 2009 માં જીતેલ બેઠકો પર કોંગ્રેસની નજર છે. જેમાં ઉત્તર ગુજરાતની બનાસકાંઠા અને પાટણ બેઠક કોંગ્રેસની A શ્રેણીમાં મૂકાઈ છે. તો મધ્ય ગુજરાતની ખેડા, આણંદ અને દાહોદની બેઠકો ટાર્ગેટ પર છે. સૌરાષ્ટ્રની અમરેલી અને સુરેન્દ્રનગર બેઠક પણ લક્ષ્યાંક પર છે. તો દક્ષિણ ગુજરાતની ભરૂચ અને વલસાડ બેઠક પર પણ કોંગ્રેસને સારા પ્રદર્શનની આશા છે.
વર્ષ ૨૦૦૯ માં કોંગ્રેસે જીતેલી બેઠકો
બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, આણંદ, ખેડા, દાહોદ, બારડોલી અને વલસાડ બેઠકો પર જીત હાંસિલ કરી હતી. તેથી આ બેઠકો ગુજરાત કોંગ્રેસનું મુખ્ય ટાર્ગેટ બની રહેશે.
વર્ષ ૨૦૦૪ માં કોંગ્રેસે જીતેલી બેઠકો
વર્ષ 2004 ની લોકસભા ચૂંટણીમાં જામનગર, જુનાગઢ, અમરેલી, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, કપડવંજ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, માંડવી અને વલસાડ બેઠકો જીતી હતી
આપમાં ડાયવર્ટ થયેલા નેતાઓની ઘરવાપસી
આ માઈક્રો પ્લાનિંગ થકી ૨૦૨૨ વિધાનસભામાં AAP માં ડાયવર્ટ થયેલ મતદાતા કોંગ્રેસ તરફ પાછા ફરવાની અપેક્ષા છે. છેલ્લા કેટલાક દિવસોથી વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપ ગુજરાતમાં ગયેલા નેતાઓનું ઘરવાપસી અભિયાન ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક આપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. આ શક્તસિંહ ગોહિલના આગમન બાદ શક્ય બન્યું છે.
મુકુલ વાસનિક ગુજરાત આવશે
લોકસભાની તૈયારીઓ વચ્ચે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક રવિવારના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. રવિવારે સવારે ૧૧.૩૦ કલાકે અરપોર્ટ પર આગમન કોંગ્રેસ નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાશે. અરપોર્ટથી એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસની બાઇક રેલીમાં જોડાશે. તેમજ એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી કરશે. એરપોર્ટથી રેલી દ્વારા ગાંધી આશ્રમ પહોંચશે. અહીં તેઓ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આશ્રમની મુલાકાત લેશે. ગાંધી આશ્રમથી રેલી બાદ તેઓ રાજીવ ગાંધી ભવન પહોંચશે. જ્યાં બપોરે ૨.૩૦ કલાકે કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં હાજરી આપશે. વિસ્તૃત કારોબારીમાં ગુજરાત કોંગ્રેસના હોદ્દેદાર , એઆઈસીસી અને પીસીસી ડેલીગેટ જિલ્લા અને શહેર પ્રમુખ હાજર રહેશે. તેના બાદ તેઓ સાંજે ૪. ૩૦ કલાક થી સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠકો યોજશે. અને ગુજરાતની સ્થિતિનો તાગ મેળવશે. એક દિવસના પ્રવાસ બાદ તેઓ સાંજે સાત કલાકે દિલ્હી જવા રવાના થશે.
તો બીજી તરફ, રાજ્યનાં 73 સ્થળોએથી ભાજપના મતદાતા ચેતના અભિયાનનો આજથી પ્રારંભ કરાયો છે. તા. 25-26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતભરમાં આ અભિયાન ચલાવાશે. જેનો અમદાવાદના સોલા વિસ્તારમાંથી CM એ પ્રારંભ કરાવ્યો. અહીં 20-24 યુવા યુવતી પ્રથમ વખત આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરશે. મુખ્યમંત્રીની હાજરીમા યુવતીએ મતદાન યાદીમાં નામ ઉમેરવા ફોર્મ ભરાયું. અમદાવાદમાં 46 સ્થળો પર ભાજપ નેતાઓ અભિયાનમાં જોડાશે. મતદાતા નોંધણીનો કાર્યક્રમ સરકાર આપતી હોય છે. પણ નરેન્દ્ર મોદી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે અભિયાન શરુ કરાવ્યું છે. આગામી સમયમાં વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે આ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે