વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ, ગેનીબેનને સોંપાઈ મોટી જવાબદારી
Gujarat Congress : બનાસકાંઠાની વાવ બેઠક કબજે કરવા કોંગ્રેસ કસી કમર... પોતાના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થન સ્નેહ મિલન રાખી કોંગ્રેસે કર્યું શક્તિ પ્રદર્શન... વાવ વિધાનસભા બેઠક જીતવા માટે કોંગ્રેસે તૈયાર કરી ખાસ રણનીતિ.. કોંગ્રેસ નેતાઓ, હોદ્દેદારો અને ત્રીસ્તરીય જવાબદારી સોંપી..
Trending Photos
Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભા બેઠક જીતવા કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે, છતાં કોંગ્રેસ ક્યાંય કાચું કપાવા માંગતી નથી. ત્યારે ગુજરાત કોંગ્રેસ વાવ માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. કોંગ્રેસે ત્રિસ્તરીય જવાબદારી સોંપી છે. કોંગ્રેસે વાવ પેટાચૂંટણી માટે 100 થી વધુ પૂર્વ ધારાસભ્યો, સિનિયર નેતાઓ અને હોદ્દેદારોને જવાબદારી સોંપી છે. સાથે જ સ્થાનિક નેતાઓ અને પ્રદેશ નેતાઓની ટીમને સંયુક્ત કામ સોંપાયું છે.
ગુજરાત કોંગ્રેસના આયોજન મુજબ, 8 જિલ્લા પંચાયત બેઠક અને એક નગરપાલિકાનો મોરચો સિનિયર નેતાઓ સંભાળશે. જે વિસ્તારમાં જે સમાજનું પ્રભુત્વ ત્યાં તે સમાજના આગેવાનને ખાસ ભૂમિકા સોંપાશે. વાવ વિધાનસભાથી ના હોય એમને તાલુકા પંચાયત દીઠ પ્રભારી નિમાયા છે. યૂથ કોંગ્રેસે તાલુકા-જિલ્લા પંચાયત બેઠક દીઠ જવાબદારી સોંપાઈ છે. ઈત્તર સમાજ, ઠાકોર સમાજ, અને દલિત સમાજના સંમેલન યોજવાનું આયોજન કરી દેવાયું છે. ગેનીબેન ઠાકોર ટીમ લીડર તરીકે કામગીરી કરશે. શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓ પણ બાકીના દિવસોમાં પ્રચાર માટે વાવમાં જ રહેશે.
તો આજે બનાસકાંઠાના ભાભરમાં કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો છે. આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, બળદેવ ઠાકોર, ઈન્દ્રનીલ રાજગુરુ, રઘુ દેસાઈ, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત અનેક કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે.
કોંગ્રેસનાં સંસદ ગેનીબેન ઠાકોરે કાર્યક્રમમાં સંબોધનમાં કહ્યું કે, 13 તારીખે ચૂંટણી છે ગુલાબસિંહ ચૂંટણી લડતા હોય ત્યારે એમને જીતડવાની આપણી જવાબદારી છે. હું ઉપરાઉપરી 5 ચૂંટણી લડી. તમામ સમાજના લોકો ટિકિટના હકદાર હતા પણ એકપણ સમાજે ટીકીટ નથી માંગી અને સતત મને ટીકીટ આપવી જીતાડી છે. હું તમને ખાતરી આપું છું કે હું જિંદગીમાં એવું કામ ક્યારેય નહીં કરું કે તમારી પાઘડીને લાંછન લાગે. હું 2017માં વિધાનસભાની ચૂંટણી લડતી હતી આરપારની લડાઈ હતી. મારી સામે કોણ હતા એ આપણને ખબર છે. એ સમયે ગુલાબસિંહની ટિકિટ કપાણી હતી એ સમયે હેમાબાએ મારા માટે ગામડે ગામડે જઈને તેમની પાઘડી ઉતારી હતી. આજે કોંગ્રેસે હેમાબાના પૌત્ર ગુલાબસિંહ ઉપર પસંદગી કરી તો હું તમને હાથ જોડીને કહું છું કે ગુલાબસિંહને આપણે જીતાડવા પડે.
ગેનીબેનના ગુજરાત સરકાર પર પ્રહાર
તેમણે વધુમાં કહ્યું કે, ગઈ રાત્રે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રધાન મંડળે વાવનો ઘેરો ઘાલ્યો છે તો હું એમને કહું છું કે તમે જો 30 વર્ષમાં કામ કર્યું હોત તો તમારે અત્યારે ગામડે ગામડે ન જવું પડ્યું હોત. જે ફોન નથી ઉપાડતા એ ગામડે ગામડે ફરે છે. તેમના ગૃહમંત્રી કહે કે ગેનીબેન મીડિયા અને માઈકના નેતા છે. તો હું એમને કહું કે ગેનીબેન લોકોના વચ્ચે જઈને કામ કરનારા નેતા છે. એમને ભૌગોલિક સ્થિતિની ખબર નથી એટલે ગુલાબસિંહને આયાતી ઉમેદવાર કહે છે. એ બનાસકાંઠાના વતની નથી તેવું કહે છે. તો હેમાબાના પૌત્ર ગુલાબસિંહનું ગામ ક્યાં છે એ ખબર નથી.
ગેનીબેને આગળ કહ્યું કે, હું વિનતી કરું છું કે આ ગેનીબેનની આબરૂ તમારા હાથમાં છે. જો મેં 28 વર્ષથી કોઈનું ખોટું ન કર્યું હોય..તમારા કામો કર્યા હોય. તો મારે તમારી પાસે કશુંજ માંગ્યું નથી. તો જો મેં રાજીનામું ન આપ્યું હોય અને આ ત્રણ વર્ષ મારી પાસે હોત એમ સમજીને ગુલાબસિંહને ત્રણ વર્ષ આપજો. તમે 13 તારીખ સુધી ગુલાબસિંહના લાસિયા બનીને રહેજો અને એમને જીતાડજો એ તમારા લાસિયા બનીને કામ કરશે. આ એક સીટથી કોઈ સરકાર બનવાની નથી કોઇ ફરક નથી પાડવાનો પણ આ એક સીટથી 2027માં ગુજરાતમાં કોંગ્રેસનું રાજ્ય બને તેની શરૂઆત છે. તો મારી લાજ રાખજો. તમારી આ બહેન મોટી થાય તેવું કામ કરજો.
તો બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય દિનેશભાઇ ઠાકોરે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉપર કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસ પક્ષે ઠાકોર સમાજને બહુ આપ્યું છે. અનેક ધારાસભ્યો અને સાંસદો આપ્યા છે. બાકી સામે પક્ષે એક ભાઈ લીલી પેન અને લાલ પેન લઈને મંડ્યા છે, પણ હજુ તેમનો મેળ પડ્યો નથી અને પડે તેવું લાગતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે