મેળ પડી ગયો તો કોંગ્રેસના આ નેતાઓ પણ ભાજપમાં જશે, પક્ષપલટાના લિસ્ટમાં નવા નામ ઉમેરાયા
Gujarat Politics : લોકસભા પહેલા કોંગ્રેસ એવી તૂટી રહી છે કે, જો મોટાપાયે પક્ષપલટો થશે તો કોંગ્રેસમાં માત્ર ગણ્યાગાંઠ્યા નેતાઓ જ બચી રહેશે
Trending Photos
Gujarat BJP Operation Lotus : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ઓપરેશન લોટસ એક પછી એક કોંગ્રેસના કિલ્લા ધ્વસ્ત કરી રહ્યું છે. ભાજપનો ભરતી મેળો ચાલુ જ છે. ત્યારે કોંગ્રેસના વધુ સાતેક ધારાસભ્યો કેસરિયા કરવાની ફિરાકમાં છે. હાલ કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે. જો મેળ પડી ગયો તો વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ભળી જશે અને કોંગ્રેસમાં સામૂહિક ભંગાણ થશે.
કોનું કોનું નામ ચર્ચાઈ રહ્યું છે
ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વર્તમાન ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે. આગામી દિવસોમાં વધુ સાત ધારસભ્યો ગમે ત્યારે પક્ષપલટો કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. ચર્ચા છે કે, અર્જુન મોઢવાડિયા અને શૈલેષ પરમારનું નામ મંત્રીપદને કારણે અટક્યું છે. બીજા જે નેતાઓના નામ સંભળાઈ રહ્યા છે તેમાં બાબુ વાજા, રઘુ દેસાઈ, અમરીશ ડેર, ભીખાભાઈ જોશી, વિમલ ચુડાસમા, લલિત વસોયાનો સમાવેશ થાય છે.
લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસ તૂટતી જ જઈ રહી છે, અને આ સિલસિલો અટકવાનુ નામ નથી લઈ રહ્યો. જે નેતાઓના નામ ચર્ચામં છે, કહેવાય એ છે કે સોદો પડી જશે તો કોંગ્રેસમાં આ બધાની વિકેટ પડશે. દિલ્હીમાં રાજકીય ડિલ ફાઈનલ થતા જ આ બધા ભાજપની વાટ પકડશે.
અત્યાર સુધી કોણે કોણે છોડ્યો પક્ષ
2022માં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા તેને સવા વર્ષ પણ નથી થયું ત્યાં તો વિધાનસભા ભંગ થઈ ચુકી છે. ચાર ધારાસભ્યો અત્યાર સુધી રાજીનામું આપી ચુક્યા છે. જેમાં વિસાવદરથી AAPના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, ખંભાતથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ, વિજાપુરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી. જે. ચાવડા અને વાઘોડિયાથી અપક્ષના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. જેમાં ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ચુક્યા છે. ચિરાગ પટેલ આજે જોડાવાના છે. અન્ય બે નેતાઓ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
કેટલું તૂટ્યુ કોંગ્રેસ
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. જેમાંથી ભાજપને 2022ની ચૂંટણીમાં 156 બેઠકો મળી હતી. કોંગ્રેસના 17 જ્યારે આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળી હતી. અન્યને ચાર બેઠકો મળી હતી. જેમાંથી કોંગ્રેસના બે ધારાસભ્યો તૂટ્યા છે. આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય જ્યારે અપક્ષના એક ધારાસભ્યએ પદ છોડી દીધું છે. જેથી હાલની ગુજરાત વિધાનસભાની સ્થિતિ કાંઈક આવી છે. ભાજપ પાસે 156 ધારાસભ્યો, કોંગ્રેસ પાસે 15 ધારાસભ્યો છે. તો આમ આદમી પાર્ટી પાસે 4 અને અપક્ષ માટે 3 ધારાસભ્યો છે. જે બેઠકો પરથી રાજીનામા પડ્યા છે તેના પર જલ્દી જ પેટાચૂંટણી આવી શકે છે.
ગઈકાલે આણંદમાં ચિરાગ પટેલ સાથે 3 હજારથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
આણંદ જિલ્લાના બોરસદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૉંગ્રેસના આગેવાન કાર્યકરો સહિત 3072 જેટલા કાર્યકરો કૉંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું. બોરસદ તાલુકાના સરપંચો, પૂર્વ સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો, દૂધ મંડળીઓના હોદ્દેદારો સહિત 3072 કાર્યકરોએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. તો ગઈકાલે ધારાસભ્ય ચિરાગ પટેલ પણ ભાજપમાં જોડાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે