ગુજરાતમાં કોંગ્રેસમાં હવે નવો ડખો ઉભો થયો, પૂર્વ ધારાસભ્યએ ચાંડાળ ચોકડી પર સવાલ કર્યા
Gyasuddin Shaikh : ગુજરાત કોંગ્રેસમાં ફરી ડખો... પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પક્ષના રાજકારણથી નારાજ, ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ટ્વીટ ટેગ કરી કાઢી ભડાસ
Trending Photos
gujarat congress : ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ નિમાયા એટલે શાંતિ, એવુ નથી. કારણ કોંગ્રેસમાં ફરી ડખો ઉભો થયો છે. પક્ષના જ એક પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસ સામે બાંયો ચઢાવીને આરોપ મૂક્યો કે, પક્ષમાં કામ કરનારાઓને સાઈડ લાઈન કરાયા છે, ચંડાળ ચોકડી જ ગેરમાર્ગે દોરે છે. આ ચંડાળચોકડી શક્તિસિંહને ઘેરી લેશે? આમ, આવા આક્ષેપથી કોંગ્રેસમાં ફરી ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના આ નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં ફરી ખળભળાટ મચી ગયો છે. સૌથી પહેલાં ગ્યાસુદ્દીને ટ્વીટર પર પોતાની વ્યથા ઠાલવી હતી. મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને સંબોધીને ગ્યાસુદ્દીને લખ્યું કે ગુજરાતમાં ભૂંડી હાર થઈ હોવા છતાં કોઈ બોધપાઠ લેવામાં નથી આવ્યો.
ગ્યાસુદ્દીન શેખ આટલેથી અટક્યાનથી. તેઓએ કોંગ્રેસના આંતરિક કલેહ પર ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે. તેઓએ બળાપો કાઢતા લખ્યું કે, કારમી હાર પછી પણ કોંગ્રેસ બોધપાઠ લીધો ન હોય તેવુ લાગે છે. રાત દિવસ મહેનત કરનારાઓની પાર્ટીમાં અવગણના કરવામાં આવી રહી છે. આવા ટ્વીટ કરીને ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસ હાઈકમાન્ડને પણ ટેગ કર્યા છે.
કોંગ્રેસના આ પૂર્વ ધારાસભ્યએ લખ્યુ કે, કોંગ્રેસના નેતાઓએ પક્ષને ચાંડાળ ચોકડી બનાવી દીધી છે. આ ચોકડી પ્રદેશ પ્રમુખ અને મોવડી મંડળને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. શહેરી વિસ્તારમાં પક્ષને મજબૂત કરવાનાનામે કેટલાક પ્રસ્તાપિત હિતો ચઢી બેસ્યા છે. આવા તત્વોથી કોંગ્રેસને મુક્ત નહિ કરવામાં આવે ત્યાર સુધી કોંગ્રેસ ક્યારેય બેઠી નહિ થાય. ત્યા સુધી કોંગ્રેસ ક્યારેય ગુજરાતની સત્તા પર નહિ આવી શકે.
ગ્યાસુદ્દીન શેખે વધુ આરોપ મૂકતા કહ્યું કે, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ સહિતના શહેરોમાં આ તત્ત્વોએ કબજો જમાવ્યો છે.
કોંગ્રેસ પક્ષ જૂથવાદથી અંદરો અંદર કેટલો ખદબદી રહ્યો છે તે આ પ્રકારના આક્ષેપોથી સાબિત થાય છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ વારંવાર હાઈકમાન્ડને ઉઠા ભણાવે છે એવુ અનેકવાર સાબિત થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે