ગુજરાતના હાસ્ય કલાકારને મોટી મુશ્કેલી! રાજકોટ રેલવે સ્ટેશનના આ પ્લેટફોર્મ પર વધી જાય છે તેમનું બ્લડપ્રેશર
Gujarat Comedy Actor Jay Chhaniyara : ગુજરાતના હાસ્ય કલાકાર જય છનીયારાની વેદના, રાજકોટ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 4 પર ટ્રેન આવે ત્યારે બ્લડપ્રેશર વધી જાય છે
Trending Photos
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : ગુજરાતનાં જાણીતા હાસ્ય કલાકાર જય છનીયારાની વેદના સામે આવી છે. સમગ્ર રાજ્યમાં પ્રવાસ કરતા જય છનીયારા મોટાભાગે રેલવેમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ રાજકોટ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 4 પર લિફ્ટ કે એસ્કેલેટરની સુવિધા નહીં હોવાને કારણે તેમના જેવા દિવ્યાંગ અને સિનિયર સિટીઝનોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનો આરોપ તેણે લગાવ્યો છે.
ગુજરાતના યુવા હાસ્ય કલાકારે જણાવ્યું છે કે, રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 4 પર ટ્રેન આવે ત્યારે બ્લડપ્રેશર વધી જાય છે. વિકાસની મોટી વાતો કરતા પહેલા સરકારે મારા જેવા દિવ્યાંગો તેમજ સિનિયર સિટીઝનો માટે સરકારે એસ્કેલેટર કે લિફ્ટની સુવિધા કરવી જરૂરી છે. હાસ્ય કલાકાર જય છનીયારાએ કહ્યું હતું કે, મારી રોજીરોટી અને આજીવિકા ચલાવવા માટે છેલ્લા ઘણા સમયથી રાજકોટ રેલવે સ્ટેશનથી અલગ અલગ સ્થળે મારા હાસ્યનાં કાર્યક્રમો કરવા માટે જતો હોઉં છું. પણ જ્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર 4 પર ટ્રેન આવે ત્યારે અમારું બ્લડપ્રેશર વધી જાય છે. કારણ કે ત્યાં જવા માટે દિવ્યાંગો કે સિનિયર સિટીઝનો માટે પણ લિફ્ટ કે એસ્કેલેટરની સુવિધા નથી. તેમજ કોઈ બેટરી કે બેબી કારની સગવડ પણ નથી.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ અંગે સરકારને વિનંતી છે કે, મોટા-મોટા વિકાસનાં દાવાઓ પછી કરજો તે પહેલા સામાન્ય માણસ માટે સરખી વ્યવસ્થા કરો. સાથે જ દિવ્યાંગ વ્યક્તિને પગથિયાં ચડવા કે ઉતરવામાં કેવી મુશ્કેલી પડે છે તે દર્શાવતો વિડીયો જય છનીયારા દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં પણ દિવ્યાંગ વ્યક્તિ કે સિનિયર સીટીઝન થોડા પગથિયાં ચડવા કે ઉતરવામાં કેટલા હેરાન થાય છે તે સ્પષ્ટ જોવા મળે છે.
આ વીડિયોમાં પણ તેમણે જણાવ્યું છે કે રાજકોટ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 પર કોઈ પ્રકારની એસ્કેલેટર કે લિફ્ટની સુવિધા નથી. જેના કારણે દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો ખૂબ જ પરેશાન થાય છે. છેલ્લા બેથી ત્રણ વર્ષથી આ પરિસ્થિતિ છે. સરકાર મોટા મોટા ખર્ચ કરે છે. પણ લિફ્ટ કે એસ્કેલેટર જેવી નાનકડી સુવિધા અપાતી નથી. વિકાસ-વિકાસ કરીને દેકારા કરતી આ સરકાર છેલ્લા ત્રણ વર્ષથી એક લિફ્ટ કે એસ્કેલેટર મૂકી શકી નથી.
ઉલ્લેખનીય છે કે, જય છનીયારા પોતે એક દિવ્યાંગ હાસ્ય કલાકાર છે. જેના કારણે પોતાના કાર્યક્રમો માટે તેમણે અવારનવાર મુસાફરી કરવી પડતી હોય છે. પણ રાજકોટનાં પ્લેટફોર્મ નંબર 4 પર દિવ્યાંગો કે સિનિયર સિટીઝનો માટે કોઈપણ લિફ્ટ કે એસ્કેલેટરની સુવિધા લાંબા સમયથી નહીં હોવાને કારણે તેમને અનેકવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈ તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની વેદના ઠાલવી હતી. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.
હાસ્ય કલાકારના સવાલો પર રેલવેની પ્રતિક્રીયા
રાજકોટ રેલવે ડિવિઝનના DRM અશ્વિની કુમારે જય છનીયારાના વિડીયો બાદ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, લિફ્ટનું કામ ચાલુ છે 40 ટકા જેટલું પૂર્ણ થયું છે. આગામી જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કામ પૂર્ણ થઈ જશે. ત્યાં સુધી વૈકલ્પિક રીતે વ્હીલ ચેરની વ્યવસ્થા રાખવામાં આવી છે જે લગેજ રૂમ પાસેથી થઈને પ્લેટફોર્મ 4 સુધી જઇ શકે છે. જાણકારીના અભાવે આ બનાવ બન્યો છે. રેલવે વિભાગે બોર્ડ લગાવ્યા નથી પણ તાત્કાલિક અસર થી બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે