અમારું દુર્ભાગ્ય કે કોંગ્રેસ જેવો બેજવાબદાર વિપક્ષ મળ્યો: CM વિજય રૂપાણી

ગુજરાતમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં સ્થિતિ નિયંત્રણમાં હતી પરંતુ ત્યારબાદ સ્થિતિ થોડી બગડી. ગુજરાત એક એવું રાજ્ય છે કે જે વસ્તીમાં ભલે પાંચ ટકા હોય પરંતુ જીડીપીમાં સાડા સાત ટકા યોગદાન આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હવે રાજ્યની કમાન વિજય રૂપાણીના હાથમાં છે. તેમણે ઝી હિન્દુસ્તાન સાથે વાતચીતમાં પ્રદેશની તાજા સ્થિતિ શેર કરી. 

અમારું દુર્ભાગ્ય કે કોંગ્રેસ જેવો બેજવાબદાર વિપક્ષ મળ્યો: CM વિજય રૂપાણી

નવી દિલ્હી: ગુજરાતમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં સ્થિતિ નિયંત્રણમાં હતી પરંતુ ત્યારબાદ સ્થિતિ થોડી બગડી. ગુજરાત એક એવું રાજ્ય છે કે જે વસ્તીમાં ભલે પાંચ ટકા હોય પરંતુ જીડીપીમાં સાડા સાત ટકા યોગદાન આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હવે રાજ્યની કમાન વિજય રૂપાણીના હાથમાં છે. તેમણે ઝી હિન્દુસ્તાન સાથે વાતચીતમાં પ્રદેશની તાજા સ્થિતિ શેર કરી. 

તબલીગી જમાતના કારણે ગુજરાતમાં વધ્યા કેસ-સીએમ રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાતચીતની શરૂઆતમાં જ તબલિગી જમાત અંગે કહ્યું. તેમણે કહ્યું કે અમદાવાદ અને સુરતમાં જ રાજ્યના 75 ટકા કેસ છે. પ્રદેશના બાકીના મોટાભાગના હિસ્સામાં સંક્રમણ રોકવામાં અમે સફળ રહ્યાં છીએ. અમદાવાદ અને સુરતમાં જે રીતે અચાનક કેસ વધ્યા તે તબલિગી જમાતના કારણે વધ્યાં. અમદાવાદમાં ગાઢ વસ્તી છે. આ ગીચોગીચ વસ્તીમાં મોટાભાગે લઘુમતી સમુદાયના લોકો રહે છે. જમાતના લોકો આ ગીચ વસ્તીમાં લોકોને ખુલ્લેઆમ મળતા રહ્યાં અને સરકારથી ટ્રાવેલ હિસ્ટ્રી પણ છૂપાવી. 

ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ વધ્યો
નિયંત્રણ માટે સરકારે ટેસ્ટિંગની કાર્યવાહી, ક્વોરન્ટાઈન કરવા, લોકોની તપાસ વગેરે પર ખુબ ભાર મૂક્યો. આ કામગીરી લગભગ 15-16 એપ્રિલથી લઈને 28-29 એપ્રિલ સુધી કરવામાં આવી. તેમણે કહ્યું કે ગુજરાતમાં ફક્ત 5253 જ કોરોના એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 3753 લોકો સાજા થઈને ઘરે ગયા છે. હાલ ગુજરાતનો ડિસ્ચાર્જ રેટ લગભગ 38 ટકા છે જે ગત અઠવાડિયાના 18 ટકા કરતા ઘણો વધુ છે. આગળ પણ સ્થિતિ સારી રહેશે તેવો ભરોસો છે. ત્યારબાદ લોકડાઉનનું પાલન કરાવવા માટે અર્ધસૈનિક દળો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. પોલીસ અને અર્ધસૈનિક દળોની મદદથી અમદાવાદમાં સારી કામગીરી થઈ છે. આજે અમદાવાદની સ્થિતિ ઘણી સારી થઈ છે. 

એમ્સના ડોક્ટરોની ટીમ પાસેથી મળ્યું પ્રોત્સાહન
ગુજરાતમાં કેસ વધ્યા બાદ સીએમ વિજય રૂપાણીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી અને કોરોનાના વિશેષજ્ઞ એમ્સના સિનિયર ડોક્ટર્સની એક ટીમ ગુજરાત મોકલવાની ભલામણ કરી હતી. સીએમએ જણાવ્યું કે એમ્સના ડાઈરેક્ટર ડો.રણદીપ ગુલેરીયાની ટીમ અમદાવાદના એસવીપી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા પહોંચી હતી. ટીમે ટ્રીટમેન્ટ પ્રોટોકોલને લઈને સંતોષ વ્યક્ત કર્યો. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે તે એમ્સ જેવા જ છે. અમારી લડાઈ પરફેક્ટ છે અને તેમા અમારી જીત થશે. 

હાઈડ્રોક્સીક્લોરોક્વીનની વિદેશોમાં પણ આપૂર્તિ
સીએમના જણાવ્યાં મુજબ ગુજરાત ઘણુ ભાગ્યશાળી છે કે અહીં મોટા પાયે ફાર્મા કંપનીઓ છે. સન ફાર્મા, ઝાયડસ, કેડિલા જેવી ફાર્મા કંપનીઓ વિશ્વની અગ્રગણ્ય કંપનીઓ છે. તે માત્ર ગુજરાત નહીં પરંતુ ભારત દેશ.. આખી દુનિયા માટે દવાની આપૂર્તિ કરવા માટે સક્ષમ છે. ગુજરાતમાં પણ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. આ સાથે જ ભારત સરકારની ભલામણ પર અમે આ દવાને બીજા રાજ્યો અને બીજા દેશોને પણ ઉપલબ્ધ કરાવી રહ્યાં છીએ. 

લોકલ લેવલ પર માસ્ક-સેનેટાઈઝરનું ઉત્પાદન
શરૂઆતમાં એવી સ્થિતિ પેદા થઈ હતી કે જ્યાં લોકોએ મોટા પાયે સેનેટાઈઝર અને માસ્ક ખરીદવાનું શરૂ કર્યું હતું. પરંતુ ગુજરાતે લોકડાઉન દરમિયાન મોટા પાયે લોકલ લેવલ પર માસ્ક અને સેનેટાઈઝરનું પ્રોડક્શન કર્યું. આ પ્રોએક્ટિવ એપ્રોચના કારણે ગુજરાતમાં સ્થિતિ સામાન્ય, ટ્રિપલ લેયર માસ્ક અને N-95 માસ્કની કોઈ કમી નથી. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે માત્ર દવાઓ જ નહીં, પરંતુ અનાજ, કરિયાણુ, દૂધ, ફળો અને શાકભાજીની આપૂર્તિને પણ સુનિશ્ચિત કર્યા છે. આ સપ્લાય ચેનના કારણે આજે માર્કેટમાં સેનેટાઈઈઝર અને માસ્ક પૂરતા પ્રમાણમાં અને યોગ્ય ભાવે ઉપલબ્ધ છે. 

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પર સવાલ ઉઠાવવા, એ કોંગ્રેસની સંવેદનહીનતા-સીએમ
કોંગ્રેસના વલણ પર સીએમ રૂપાણીએ ખુલીને પોતાના વિચાર રજૂ કર્યાં. તેમણે કહ્યું કે અમારું દુર્ભાગ્ય છે કે અમારી પાસે કોંગ્રેસ જેવો બેજવાબદાર વિપક્ષ છે. તેમણે કહ્યું કે તેઓ માને છે કે નમસ્તે  ટ્રમ્પ કાર્યક્રમ પર સવાલ ઉઠાવવા, કોંગ્રેસની સંવેદનહીનતા અને દિશાહિનતા દર્શાવે છે. આ આયોજન 24મી ફેબ્રુઆરીએ થયું હતું. ત્યારના મીડિયા રિપોર્ટની ચકાસણી કરીએ તો માલુમ થશે કે કોંગ્રેસે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમિયાન કોરોનાના ક નો ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી. મેડિકલ સાયન્સ કહે છે કે 7 દિવસમાં કોરોનાના લક્ષણ ડેવલપ થાય છે. જો આપણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને જવાબદાર ગણીએ અને 24 ફેબ્રુઆરીથી 7 દિવસની ગણતરી કરીએ તો માર્ચના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં કોરોનાના કેસ આવવા જોઈતા હતાં. 

વોટબેન્કની રાજનીતિ કરે છે કોંગ્રેસ
ગુજરાતમાં પહેલો કેસ 19મી માર્ચે આવ્યો. આ  કેસ પણ દુબઈથી આવેલા પ્રવાસી ભારતીયનો કેસ હતો. તેમણે કહ્યું કે હું સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે કોંગ્રેસ મગરના આંસુ સારે છે. માર્ચના અંતમાં જ્યારે ગુજરાતમાં કોરોના વિરુદ્ધ લડત શરૂ થઈ ગઈ હતી તે સમયે કોંગ્રેસના વિધાયક અને વરિષ્ઠ નેતાઓ જયપુરના રિસોર્ટમાં સ્વિમિંગપૂલમાં ડૂબકી ખાઈ રહ્યાં હતાં. એ હકીકત છે કે ગુજરાતમાં જે કેસ વધ્યા તે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના કારણે નહીં પરંતુ તબલિગી જમાતના કારણે વધ્યા છે. કોંગ્રેસ વોટબેન્કની રાજનીતિ કરી રહી છે. 

8 લાખથી વધુ લોકોને ઘરે મોકલ્યા
લોકડાઉનને 50 દિવસથી વધુ વીતી ચૂક્યા છે. મજૂર ભાઈ બહેનો એકવાર પોતાના ઘરે જવા માંગે છે. સીએમ રૂપાણીએ કહ્યું કે આજની તારીખમાં પ્રશાસની સામે અનેક પડકારો છે. પરંતુ સમગ્ર દેશમાં ગુજરાતે સૌથી વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવી છે. અત્યાર સુધી 390 ટ્રેનોના માધ્યમથી 5 લાખ 35 હજાર લોકો ઘરે પહોંચી ચૂક્યા હશે. બસ અને પ્રાઈવેટ વાહનોને પણ જોડીએ તો આંકડો 8 લાખથી ઉપર જશે. 

જલદી સામાન્ય થઈ જશે ઉદ્યોગો
લોકડાઉનના કારણે ગુજરાતમાં પણ રેવન્યુ જનરેશન પર ઘણો પ્રભાવ પડ્યો છે. પરંતુ હજુ ગુજરાતની અર્થવ્યવસ્થાને લઈને ચિંતાવાળી કોઈ વાત નથી. કેન્દ્ર સરકારના દિશા નિર્દેશોનું પાલન કરતા 20 એપ્રેલ બાદથી ઉદ્યોગો-ધંધાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સીએમના જણાવ્યાં મુજબ ગુજરાતમાં અત્યાર સુધીમાં 45 હજારથી વધુ ઉદ્યોગો અને ધંધા શરૂ થઈ ગયા છે જેમાં 8 લાખથી વધુ લોકો કામ કરે છે. જલદી ઉદ્યોગો અને વેપારી ગતિવિધિઓને સામાન્ય સ્થિતિમાં લાવવામાં આવશે. 

ખેડૂતોના હિતોનુ પણ રાખ્યું છે ધ્યાન
ખેડૂતોના હિતોનો ખ્યાલ રાખીને પ્રદેશમાં અનેક પગલાં લેવાયા છે. શરૂઆતમાં APMCsને શરૂ કરવાને લઈને ખેડૂતોના રવિ પાકની લલણી, અને માર્કેટિંગ યાર્ડ સુધી લાવવાની પરમીશન આપી દેવાઈ છે. સરકાર ટેકાના ભાવે ખેડૂતોના રવિ પાકની ખરીદી કરી રહી છે. અત્યાર સુધી અમે 40 લાખ ક્વિન્ટલ કૃષિ ઉત્પાદનોની ખરીદી માર્કેટિંગ યાર્ડના માધ્યમથી કરી છે. આ સાથે જ ઘઉ, તુવેર, ચણા, સરસો, અને કપાસને MSP પર ખરીદ્યા છે. સીએમના જણાવ્યાં મુજબ એપ્રિલમાં જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ પ્રતિ ખેડૂતને મળનારા 2000 રૂપિયાને અમે એડવાન્સ પેમેન્ટ કર્યુ છે. આ પ્રકારે સમગ્ર રાજ્યના ખેડૂત ભાઈઓને કુલ 950 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. 

ખાસ જુઓ VIDEO

કોરોના યોદ્ધાઓને સલામ
કોરોના સંકટકાળમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ડોક્ટરો, નર્સો, પેરા મેડિકલ સ્ટાફ, પોલીસકર્મીઓ, સફાઈકર્મીઓ, વગેરે લોકોનો પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે જો કોરોનાના સંક્રમણના કારણે રાજ્ય સરકાર માટે કામ કરી રહેલા કોઈ પણ કર્મચારીનું દુખદ મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેમના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક મદદ આપશે. હાલમાં જ કોરોના વોર્ડમાં કામ કરતા ડોક્ટર અને નર્સોને સીધી રીતે આર્થિક મદદ આપવાનો પણ નિર્ણય લેવાયો છે. જેમાં ક્લાસ વન અને ક્લાસ ટુ કર્મચારીને 25 હજાર રૂપિયા, ક્લાસ થ્રી કર્મચારીને 15 હજાર અને ક્લાસ ફોર કર્મચારીને 10 હજાર રૂપિયા પ્રોત્સાહન નાણાકીય મદદ કરાઈ છે. પીપીઈ કીટ, માસ્ક, ગ્લોવ્ઝ, સેનેટાઈઝર અને સુરક્ષાના તમામ સંસાધન પણ ઉપલબ્ધ કરાવ્યાં છે. એટલું જ નહીં ડોક્ટરો અને નર્સોના રહેવા માટે હોટલો અને હોસ્ટેલ્સમાં સારી વ્યવસ્થા કરાઈ છે. પોલીસ, હોમગાર્ડ, ડોક્ટરો, નર્સ કે સફાઈ કર્મચારીઓની સાથે હિંસા કે દુર્વ્યવહાર કરનારાને પાસા જેવા કડક કાયદા હેઠળ જેલ મોકલવાનો આદેશ કરાયો છે. અત્યાર સુધીમાં 40થી વધુ લોકોને આ કાયદા હેઠળ જેલ મોકલાયા છે. 

ઓલાઈન ચાલી રહ્યો છે અભ્યાસ
સીએમએ જણાવ્યું કે 10ની અને 12મા ધોરણ ઉપરાંત માર્ચના પહેલા અઠવાડિયામાં જ અમે બાકી કક્ષાઓના એજ્યુકેશન ઓનલાઈન કરવામાં આવ્યાં હતાં. તમામ બાળકોએ ઓનલાઈન ક્લાસિસના માધ્યમથી પોત પોતાના કોર્સ પૂરા કર્યા છે. આ ઉપરાંત દેશમાં પૂર્ણ રીતે લોકડાઉન લાગુ થયા બાદ ધોરણ 1થી 9 અને 11માંના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પ્રમોટ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ ઉનાળું વેકેશન ચાલુ છે. તેમણે કહ્યું કે આશા છે કે જુલાઈમાં શાળાઓ ખુલવાના સમયે હાલાત અત્યાર કરતા વધુ સારા હશે. 

કોરોના સાથે જીવવાનું શીખવું પડશે-સીએમ
વાતચીતમાં સીએમ રૂપાણીએ છેલ્લે કહ્યું કે કોરોના સાથેની આ લડત લાંબી છે અને તેની સામે સમગ્ર દેશે એકજૂથ થઈને લડવાની જરૂર છે. ગુજરાત પણ તેના માટે સંપૂર્ણ તૈયાર છે. હાલની સ્થિતિની સાથે સાથે ભવિષ્યની તૈયારીઓ ઉપર પણ અમારું ધ્યાન છે. મારી લોકોને અપીલ છે કે તેઓ માસ્ક પહેરે, વારંવાર હાથ ધુએ, સફાઈનું ધ્યાન રાખે અને સોશિયલ ડિસ્ટન્સિંગને જાળવી રાખવા જેવી એક્ટિવિટીને પોતાની જીવનશૈલીનું અંગ બનાવી રાખે. અમે વડાપ્રધાન મોદીના સૂત્ર 'જાન ભી ઔર જ્હાન ભી'ને અપનાવવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news